YouVersion Logo
Search Icon

પ્રેષિતોનાં કાર્યો 15

15
યરુશાલેમમાં મંડળીની પ્રથમ પરિષદ
1યહૂદિયાથી કેટલાક માણસો અંત્યોખ આવ્યા અને ભાઈઓને શીખવવા લાગ્યા, “મોશેના નિયમશાસ્ત્રની માગણી પ્રમાણે તમે સુન્‍નત ન કરાવો ત્યાં સુધી તમે ઉદ્ધાર પામી શકો નહિ.” 2પાઉલ અને બાર્નાબાસને આ અંગે તેમની સાથે ઉગ્ર દલીલો સહિત વાદવિવાદ થયો; તેથી એવું નક્કી કર્યું કે પાઉલ અને બાર્નાબાસ અને અંત્યોખથી કેટલાક માણસો યરુશાલેમ જાય અને આ બાબત અંગે પ્રેષિતો અને આગેવાનોને મળે.
3મંડળીએ તેમને મોકલી આપ્યા, અને ફોનેસિયા તથા સમરૂનમાં થઈને જતાં જતાં બિનયહૂદીઓ કેવી રીતે ઈશ્વર તરફ ફર્યા હતા તેના સમાચાર આપતા ગયા; આ સમાચારથી સર્વ ભાઈઓને પુષ્કળ આનંદ થયો. 4તેઓ યરુશાલેમમાં આવ્યા એટલે મંડળીએ, પ્રેષિતોએ અને આગેવાનોએ તેમનો આદરસત્કાર કર્યો અને ઈશ્વરે તેમને માટે કરેલાં બધાં કાર્યો તેમણે તેમને જણાવ્યાં. 5પણ ફરોશી પક્ષના કેટલાક વિશ્વાસીઓએ ઊભા થઈને કહ્યું, “તેમની સુન્‍નત તો થવી જ જોઈએ અને મોશેનું નિયમશાસ્ત્ર પાળવાનું તેમને ફરમાવવું જોઈએ.”
6પ્રેષિતો અને આગેવાનો આ પ્રશ્ર્નની વિચારણા કરવા એકત્ર થયા. 7લાંબી ચર્ચા થયા પછી પિતરે ઊભા થઈને કહ્યું, “મારા ભાઈઓ, તમે જાણો છો કે કેટલાક સમય પહેલાં બિનયહૂદીઓને શુભસંદેશની વાતનો ઉપદેશ કરવા ઈશ્વરે મને પસંદ કર્યો કે જેથી તેઓ તે સાંભળીને વિશ્વાસ કરે. 8માણસોનાં અંત:કરણ પારખનાર ઈશ્વરે આપણા સંબંધમાં કર્યું તેમ બિનયહૂદીઓને પણ પવિત્ર આત્મા આપીને તેમના સંબંધમાં પોતાની અનુમતિ દર્શાવી. 9આપણી અને તેમની વચ્ચે તેમણે કોઈ ભેદભાવ રાખ્યો નહિ; તેમણે વિશ્વાસ કર્યો એટલે ઈશ્વરે તેમનાં હૃદયોને શુદ્ધ કર્યાં. 10તો પછી જે બોજ આપણા પૂર્વજો કે આપણે ઊંચકી શક્યા નથી તે શિષ્યો પર લાદીને તમે શા માટે ઈશ્વરની પરીક્ષા કરો છો? 11ના, ના, તેમની જેમ આપણે પણ વિશ્વાસ કરવાને લીધે જ પ્રભુ ઈસુની કૃપાથી ઉદ્ધાર પામ્યા છીએ.”
12બાર્નાબાસ અને પાઉલ ઈશ્વરે તેમના દ્વારા બિનયહૂદીઓ મયે કરેલાં અદ્‍ભુત કાર્યો અને ચમત્કારો અંગે હેવાલ આપતા હતા ત્યારે આખી સભા શાંત રહી. 13તેમણે વક્તવ્ય પૂરું કર્યું એટલે યાકોબ બોલી ઊઠયો, “ભાઈઓ, મારું સાંભળો! 14બિનયહૂદીઓમાંથી ઈશ્વરે પોતાના લોક બનાવ્યા અને તેમના પ્રત્યેની પોતાની કાળજી દર્શાવી તે વિશે સિમોને હમણાં જ સમજાવ્યું. 15સંદેશવાહકોના શબ્દોનો એની સાથે પૂરેપૂરો મેળ ખાય છે. ધર્મશાસ્ત્ર કહે છે તેમ,
16‘પ્રભુ કહે છે: એ પછી હું પાછો ફરીશ,
અને દાવિદનો પડી ગયેલો મંડપ
હું ઊભો કરીશ,
તેનાં ખંડિયેરો હું સમારીશ
અને તેને ફરી બાંધીશ.
17અને તેથી સર્વ લોકો પ્રભુને શોધશે,
જેમને મેં મારા પોતાના થવા
આમંત્રણ આપ્યું છે
એવા સર્વ બિનયહૂદીઓ પણ શોધશે.
18અગાઉથી આ વાત જાહેર કરનાર પ્રભુ એમ કહે છે.”
19યાકોબે બોલવાનું ચાલુ રાખ્યું, “મારા અભિપ્રાય પ્રમાણે ઈશ્વર તરફ ફરતા બિનયહૂદીઓનો બોજ આપણે વધારવો જોઈએ નહિ. એને બદલે, આપણે તેમના પર પત્ર લખીએ કે, 20તેમણે મૂર્તિને ચઢાવેલો ખોરાક ન ખાવો, વ્યભિચાર ન કરવો, ગૂંગળાવીને મારેલું પ્રાણી ન ખાવું, અને લોહી ન પીવું. 21કારણ, લાંબા સમયથી પ્રત્યેક વિશ્રામવારે ભજનસ્થાનોમાં મોશેનું નિયમશાસ્ત્ર વાંચવામાં આવે છે; અને તેનાં વચનોનો પ્રત્યેક શહેરમાં ઉપદેશ થાય છે.”
બિનયહૂદી વિશ્વાસીઓને પત્ર
22પછી પ્રેષિતો, આગેવાનો અને સમગ્ર મંડળીએ મળીને અમુક માણસો પસંદ કરીને તેમને પાઉલ તથા બાર્નાબાસ સાથે અંત્યોખ મોકલવા નિર્ણય કર્યો. તેમણે બાર્સાબાસ તરીકે ઓળખાતો યહૂદા અને સિલાસ એ બે જણને પસંદ કર્યા. તેઓ ભાઈઓમાં આગેવાન હતા. 23તેમની મારફતે તેમણે આવો પત્ર પાઠવ્યો:
“અંત્યોખ, સિરિયા અને કિલીકિયામાં વસતા બધા બિનયહૂદી ભાઈઓને અમારી એટલે, પ્રેષિતો, આગેવાનો તથા તમારા ભાઈઓની શુભેચ્છા.
24અમારા સાંભળવામાં આવ્યું છે કે અમારી સંગતમાંના કેટલાક માણસો નીકળી પડયા છે અને તેમના શિક્ષણથી તમારામાં મુશ્કેલી અને મૂંઝવણ પેદા થઈ છે; પણ આ અંગે કોઈ સૂચનાઓ અમારા તરફથી આપવામાં આવી નથી. 25તેથી અમે એકત્ર થઈને સર્વાનુમતે કેટલાક સંદેશકો પસંદ કરીને તમારી પાસે મોકલીએ છીએ. 26તેઓ આપણા પ્રિય મિત્રો બાર્નાબાસ અને પાઉલ જેમણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવામાં પોતાના જીવનું જોખમ વહોર્યું છે, તેમની સાથે આવે છે. 27આમ અમે તમારી પાસે યહૂદા અને સિલાસને મોકલીએ છીએ. અમે જે લખીએ છીએ તે તેઓ તમને રૂબરૂમાં કહેશે. 28પવિત્ર આત્મા અને અમે સંમત થયા છીએ કે આ જરૂરી નિયમો સિવાય બીજો વિશેષ બોજ તમારા પર લાદવો નહિ: 29મૂર્તિને ચઢાવેલો ખોરાક ન ખાવો, લોહી ન પીવું, ગૂંગળાવીને મારેલું પ્રાણી ન ખાવું, વ્યભિચાર ન કરવો. આ બધી બાબતોથી તમે પોતાને દૂર રાખશો તો તમારું ભલું થશે. તમારું કલ્યાણ થાઓ.”
30સંદેશકોને મોકલવામાં આવ્યા. તેઓ અંત્યોખ આવ્યા અને ત્યાં તેમણે વિશ્વાસીઓની આખી સંગતને એકઠી કરીને તેમને પત્ર આપ્યો. 31પત્ર વાંચીને લોકો ઉત્તેજનના સંદેશથી આનંદવિભોર થઈ ગયા. 32યહૂદા અને સિલાસ પણ ઈશ્વરના સંદેશવાહકો હતા. તેથી તેઓ ભાઈઓ સાથે રહ્યા અને તેમને ઉત્તેજન આપીને દઢ કર્યા. 33ત્યાં કેટલોક સમય રહ્યા પછી ભાઈઓએ તેમને શાંતિથી વિદાય કર્યા એટલે તેઓ યરુશાલેમ પાછા ગયા. 34(પણ સિલાસે ત્યાં રહેવાનો નિર્ણય કર્યો.)
35પાઉલ અને બાર્નાબાસ થોડો સમય અંત્યોખમાં રહ્યા. બીજાઓની સાથે તેમણે પણ પ્રભુનું વચન શીખવ્યું અને તેનો બોધ કર્યો.
પાઉલ અને બાર્નાબાસ અલગ થયા
36કેટલાક સમય પછી પાઉલે બાર્નાબાસને કહ્યું, “ચાલો, આપણે પાછા જઈને પ્રત્યેક શહેરમાં આપણા ભાઈઓની મુલાકાત લઈને જોઈએ કે તેઓ કેવી પ્રગતિ કરે છે.” 37બાર્નાબાસ તેમની સાથે યોહાન માર્કને લેવા માગતો હતો; 38પણ તેને સાથે લેવાનું પાઉલને યોગ્ય લાગ્યું નહિ. કારણ, તે તેમના સેવાકાર્યના અંત સુધી તેમની સાથે રહ્યો ન હતો, પણ પામ્ફૂલિયામાં તેમને મૂકીને જતો રહ્યો હતો. 39તે બે વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ, અને તેઓ બન્‍ને એકબીજાથી જુદા પડયા. યોહાન માર્કને લઈને બાર્નાબાસ જળમાર્ગે સાયપ્રસ ચાલ્યો ગયો; 40જ્યારે પ્રભુની કૃપાના આધારે ભાઈઓની સોંપણી કર્યા પછી સિલાસને લઈને પાઉલ ચાલી નીકળ્યો. 41તે મંડળીઓને વિશ્વાસમાં સુદઢ કરતો કરતો સિરિયા અને કિલીકિયામાં થઈને પસાર થયો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Free Reading Plans and Devotionals related to પ્રેષિતોનાં કાર્યો 15

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy