YouVersion Logo
Search Icon

પ્રેષિતોનાં કાર્યો 14

14
ઈકોનિયમમાં પાઉલ
1ઈકોનિયમમાં પણ એવું જ બન્યું. પાઉલ અને બાર્નાબાસ યહૂદીઓના ભજનસ્થાનમાં ગયા અને એવી રીતે બોલ્યા કે મોટી સંખ્યામાં યહૂદીઓ અને બિનયહૂદીઓ વિશ્વાસી બન્યા. 2પણ વિશ્વાસ નહિ કરનાર યહૂદીઓએ બિનયહૂદીઓને ઉશ્કેર્યા અને તેમની લાગણીઓ ભાઈઓની વિરુદ્ધ ફેરવી નાખી. 3પ્રેષિતો ત્યાં લાંબો સમય રહ્યા. તેઓ પ્રભુ વિષે હિંમતપૂર્વક બોલ્યા. પ્રભુએ તેમને ચમત્કારો અને અદ્‍ભુત કાર્યો કરવાનું સામર્થ્ય આપીને પોતાની કૃપા વિષેનો તેમનો સંદેશ સાચો છે તે સાબિત કરી આપ્યું. 4શહેરના લોકોમાં ભાગલા પડી ગયા. કેટલાક યહૂદીઓના પક્ષના હતા, જ્યારે બીજા કેટલાક પ્રેષિતોના પક્ષના હતા. 5પછી બિનયહૂદીઓ, યહૂદીઓ તથા તેમના આગેવાનોએ પ્રેષિતોનું અપમાન કરવાનો તથા તેમને પથ્થરે મારવાનો નિર્ણય કર્યો. 6એની ખબર પડી જતાં પ્રેષિતો લુકાનિયાનાં લુસ્ત્રા અને દેર્બે શહેરોમાં અને આસપાસના પ્રદેશમાં નાસી ગયા. 7ત્યાં તેમણે શુભસંદેશનો પ્રચાર ચાલુ રાખ્યો.
લુસ્ત્રા અને દેર્બેમાં શુભસંદેશનો પ્રચાર
8લુસ્ત્રામાં એક લંગડો માણસ હતો; તે જન્મથી જ લંગડો હતો અને કદી પણ ચાલ્યો ન હતો. 9તે બેઠો બેઠો પાઉલના શબ્દો સાંભળતો હતો. પાઉલે જોયું કે સાજાપણું પ્રાપ્ત કરવા માટે તેનામાં વિશ્વાસ છે. તેથી તેણે તેની સામે તાકીને જોયું અને મોટે અવાજે કહ્યું, 10“તારા પગ પર ટટ્ટાર થઈ ઊભો થા!” પેલો માણસ કૂદકો મારીને ઊઠયો અને આસપાસ ચાલવા લાગ્યો. 11પાઉલનું કાર્ય જોઈને જનસમુદાયે તેમની લુકાની ભાષામાં પોકાર કર્યો, “માણસના રૂપમાં દેવો આપણી પાસે આવ્યા છે!” 12તેમણે બાર્નાબાસનું નામ ઝૂસ આપ્યું અને પાઉલનું નામ હેર્મેસ આપ્યું, કારણ, તે મુખ્ય વક્તા હતો. 13શહેરની બહાર ઝૂસ દેવનું મંદિર હતું. તેનો યજ્ઞકાર દરવાજા પર બળદો અને ફૂલો લાવ્યો. તે તથા જનસમુદાય પ્રેષિતોને બલિદાન ચઢાવવા માગતા હતા.
14પ્રેષિતો એટલે બાર્નાબાસ અને પાઉલે એ વિશે સાંભળ્યું ત્યારે તેમણે પોતાનાં વસ્ત્ર ફાડયાં અને ટોળા મયે દોડી જઈને બૂમ પાડી, 15“ભાઈઓ, તમે એવું કેમ કરો છો? તમારી જેમ અમે માત્ર માણસ જ છીએ! તમે આ નિરર્થક બાબતો તજીને આકાશ, પૃથ્વી તથા સમુદ્ર તથા તેમાં જે છે તે સૌના સરજનહાર જીવંત ઈશ્વર તરફ ફરો તે માટે તમને શુભસંદેશ જાહેર કરવા અમે અહીં આવ્યા છીએ. 16ભૂતકાળમાં ઈશ્વરે બધી પ્રજાઓને પોતપોતાને માર્ગે વળી જવા દીધી હતી. 17તેમ છતાં પોતાની હયાતીના પ્રમાણથી તેમને વંચિત રાખી નહિ. કારણ, તે સારાં કાર્યો કરે છે: તે તમને આકાશમાંથી વરસાદ આપે છે, ખોરાક આપીને તમારાં હૃદયોને ઉલ્લાસિત કરે છે.” 18આવું કહ્યા છતાં પણ પ્રેષિતો લોકોને મહામુશ્કેલીએ તેમને બલિદાન ચઢાવતા રોકી શક્યા.
19પિસિદિયાના અંત્યોખથી અને ઈકોનિયમથી કેટલાક યહૂદીઓ આવ્યા. તેમણે લોકોનાં ટોળાંને પોતાના પક્ષનાં કરી લીધાં. તેમણે પાઉલને પથ્થરે માર્યો અને તે મરી ગયો છે એવું ધારીને તેને નગર બહાર ઢસડી ગયા. 20પણ વિશ્વાસીઓ તેની આસપાસ એકઠા થયા ત્યારે તે ઊભો થઈને નગરમાં પાછો ફર્યો. બીજે દિવસે તે અને બાર્નાબાસ દેર્બે ગયા.
સિરિયાના અંત્યોખમાં પાછા ફરવું
21પાઉલ અને બાર્નાબાસે દેર્બેમાં શુભસંદેશનો પ્રચાર કર્યો અને ઘણા શિષ્યો બનાવ્યા. પછી તેઓ લુસ્ત્રા પાછા ગયા અને ત્યાંથી ઈકોનિયમ અને ત્યાંથી પિસિદિયાના અંત્યોખ ગયા. 22તેમણે શિષ્યોને દઢ કર્યા અને તેમને વિશ્વાસમાં મક્કમ રહેવાનો અનુરોધ કર્યો. તેમણે શીખવ્યું, “ઈશ્વરના રાજમાં પ્રવેશવા માટે આપણે ઘણાં સંકટોમાં થઈને પસાર થવાની જરૂર છે.” 23પ્રત્યેક મંડળીમાં તેમણે આગેવાનો નીમ્યા; અને તેમને પ્રાર્થના તથા ઉપવાસ કરીને જેમના પર તેમણે વિશ્વાસ મૂક્યો હતો તે પ્રભુને સોંપ્યા.
24પિસિદિયાના પ્રદેશમાં ફર્યા પછી તેઓ પામ્ફુલિયા આવ્યા. 25પેર્ગામાં સંદેશો પ્રગટ કર્યા પછી તેઓ અટ્ટાલિયા ગયા. 26ત્યાંથી તેઓ જળમાર્ગે અંત્યોખ આવ્યા. જે સેવાકાર્ય તેમણે હાલ પૂરું કર્યું તે માટે તેમને અહીંથી જ ઈશ્વરની કૃપાને સહારે સોંપવામાં આવ્યા હતા. 27તેઓ અંત્યોખમાં આવ્યા એટલે તેમણે મંડળીના લોકોને એકત્રિત કર્યા અને ઈશ્વરે તેમને માટે કરેલાં કાર્યો અને બિનયહૂદીઓ વિશ્વાસ કરે તે માટે તેમણે કેવી રીતે માર્ગ ખોલ્યો તે બધું તેમને કહી સંભળાવ્યું. 28ત્યાં તેઓ વિશ્વાસીઓ સાથે લાંબો સમય રહ્યા.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in