YouVersion Logo
Search Icon

યોહાનનો પહેલો પત્ર 5

5
દુનિયા પર વિજય
1ઈસુ એ જ મસીહ છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે તે ઈશ્વરનું સંતાન છે. જે કોઈ પિતા પર પ્રેમ રાખે છે તે પિતાનાં અન્ય સંતાન પર પણ પ્રેમ રાખે છે. 2ઈશ્વર પર પ્રેમ કરવાથી અને તેમની આજ્ઞાઓ પાળવાથી આપણે ઈશ્વરનાં સંતાનો પર પ્રેમ રાખીએ છીએ તેની ખાતરી થાય છે. 3ઈશ્વર પર પ્રેમ કરવો એટલે જ તેમની આજ્ઞાઓનું પાલન કરવું, અને તેમની આજ્ઞાઓનું પાલન બહુ અઘરું નથી. 4કારણ, ઈશ્વરનું પ્રત્યેક સંતાન દુનિયાને જીતી શકે છે. આપણા વિશ્વાસની મારફતે આપણે દુનિયા પર વિજય મેળવી શકીએ છીએ. 5ઈસુ તે જ ઈશ્વરપુત્ર છે એવો વિશ્વાસ કરનાર સિવાય બીજું કોણ દુનિયાને જીતી શકે?
ઈસુ ખ્રિસ્ત વિષેની સાક્ષી
6ઈસુ ખ્રિસ્ત, પાણીથી અને રક્તથી આવ્યા. તે ફક્ત પાણીથી જ નહિ, પણ પાણી અને રક્ત બન્‍નેથી આવ્યા. આ વાત સાચી છે એવી સાક્ષી પવિત્ર આત્મા આપે છે. કારણ, પવિત્ર આત્મા સત્ય છે. કુલ ત્રણ સાક્ષીઓ છે: 7-8પવિત્ર આત્મા, પાણી અને રક્ત, અને એ ત્રણ એક જ પ્રકારનો સાક્ષી આપે છે. 9માણસોની સાક્ષી આપણે માનીએ છીએ; તો પછી ઈશ્વરની સાક્ષી તેના કરતાં પણ સબળ છે. ઈશ્વરે પોતાના પુત્ર વિષે એવી સાક્ષી આપી છે. 10આથી જે કોઈ ઈશ્વરપુત્ર પર વિશ્વાસ કરે છે તેના હૃદયમાં એ સાક્ષી છે. પણ જે કોઈ વિશ્વાસ કરતો નથી તેને ઈશ્વરે જૂઠો ઠરાવ્યો છે. કારણ, ઈશ્વરે તેમના પુત્ર વિષે જે સાક્ષી આપી છે તે પર તેણે વિશ્વાસ કર્યો નથી. 11તે સાક્ષી આ છે: ઈશ્વરે આપણને સાર્વકાલિક જીવન આપ્યું છે અને આ જીવન તેમના પુત્રમાં છે. 12જેને ઈશ્વરપુત્ર છે તેને જીવન છે અને જેને ઈશ્વરપુત્ર નથી તેને જીવન નથી.
સાર્વકાલિક જીવન
13તમને સાર્વકાલિક જીવન છે તેવું તમે જાણો માટે હું તમને આ વાતો લખું છું, જેથી તમે ઈશ્વરપુત્રના નામ પર વિશ્વાસ મૂકી શકો. 14તેમની સમક્ષ આપણને હિંમત છે. કારણ, તેમની ઇચ્છા પ્રમાણે આપણે જે કંઈ માગીએ તે તે આપે છે. 15આપણે જ્યારે તેમને વિનંતી કરીએ છીએ ત્યારે તે આપણું સાંભળે છે. એ વાત સાચી છે એવું આપણે જાણતા હોવાથી આપણે તેમની પાસેથી જે કંઈ માગીએ તે તે આપણને આપે છે.
16જેનાથી મરણ ન થાય એવું પાપ કરતાં જો કોઈ પોતાના ભાઈને જુએ તો તેણે ઈશ્વરને પ્રાર્થના કરવી; જેથી ઈશ્વર તેને જીવન આપે. મરણ ન થાય તેવા પાપ માટે આ નિયમ છે. મરણ નિપજાવે તેવું પણ પાપ છે, અને તેને માટે ઈશ્વરને વિનંતી કરવાનું હું તમને કહેતો નથી. 17સર્વ દુરાચાર પાપ છે અને મરણકારક નથી તેવું પણ પાપ છે.
18આપણે જાણીએ છીએ કે ઈશ્વરનું સંતાન પાપ કર્યા કરતું નથી. કારણ, ઈશ્વરપુત્ર તેને સંભાળે છે અને દુષ્ટ તેને ઇજા પહોંચાડી શક્તો નથી.
19આપણે જાણીએ છીએ કે સમગ્ર દુનિયા દુષ્ટના અધિકાર નીચે છે, પણ આપણે આપણા ઈશ્વરનાં છીએ. 20આપણે જાણીએ છીએ કે ઈશ્વરપુત્રે આવીને આપણને સમજણ આપી હોવાથી આપણે સાચા ઈશ્વરને ઓળખીએ છીએ. આપણું જીવન સાચા ઈશ્વરમાં એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તમાં છે. એ જ સાચા ઈશ્વર અને એ જ સાચું સાર્વકાલિક જીવન છે.
21મારાં બાળકો, મૂર્તિઓથી દૂર રહો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy