YouVersion Logo
Search Icon

યોહાનનો પહેલો પત્ર 3

3
ઈશ્વરનાં બાળકો
1જુઓ, ઈશ્વરપિતાએ આપણા પર કેવો મહાન પ્રેમ કર્યો છે! તેમનો પ્રેમ એટલો મહાન છે કે આપણને ઈશ્વરનાં સંતાન તરીકે ઓળખવામાં આવે છે, કારણ, હકીક્તમાં આપણે તેમનાં સંતાન છીએ. આથી દુનિયા આપણને ઓળખતી નથી. કારણ, તે ઈશ્વરને પણ ઓળખતી નથી. 2પ્રિયજનો, આપણે ઈશ્વરનાં સંતાન છીએ પણ આપણે કેવાં બનીશું તે હજી સ્પષ્ટ નથી. પણ જ્યારે ખ્રિસ્તનું આગમન થશે ત્યારે આપણે તેમના જેવાં બનીશું. કારણ, તે જેવા છે તેવા જ આપણે તેમને જોઈશું. 3ખ્રિસ્તમાં આવી આશા રાખનાર જેમ ખ્રિસ્ત શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ રાખે છે.
4જે કોઈ પાપ કરે છે તે ઈશ્વરના નિયમનો ભંગ કરવા સંબંધી દોષિત છે, કારણ, નિયમભંગ તે પાપ છે. 5તમે જાણો છો કે માનવીનાં પાપ દૂર કરવા માટે ખ્રિસ્ત પ્રગટ થયા હતા અને તેમનામાં કોઈ પાપ નથી. 6તેથી જે કોઈ ખ્રિસ્તમાં રહે છે તે પાપમાં રહેવાનું ચાલુ રાખી શકે નહિ. પણ જે કોઈ પાપમાં રહેવાનું ચાલુ રાખે તેણે ખ્રિસ્તને કદીએ જોયા નથી કે ઓળખ્યા નથી.
7બાળકો, કોઈ તમને છેતરી જાય નહિ! જેમ ખ્રિસ્ત ન્યાયી છે તેમ ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તનાર વ્યક્તિ પણ ન્યાયી છે. 8જે પાપમાં રહેવાનું ચાલુ રાખે છે તે શેતાનના પક્ષનો છે, કારણ, શેતાન શરૂઆતથી જ પાપ કરતો આવ્યો છે. શેતાનનાં કાર્યોનો નાશ કરવા માટે જ ઈશ્વરપુત્ર પ્રગટ થયા.
9ઈશ્વરનું સંતાન પાપમાં રહેવાનું ચાલુ રાખી શકે નહિ, કારણ, તેની પાસે ઈશ્વરનો સ્વભાવ છે અને ઈશ્વર તેના પિતા હોવાથી તે પાપમાં રહેવાનું ચાલુ રાખી શકે નહિ. 10ઈશ્વરનાં સંતાનો અને શેતાનનાં સંતાનો વચ્ચે આ તફાવત છે: જે કોઈ ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તતો નથી અથવા પોતાના ભાઈ પર પ્રેમ કરતો નથી તે ઈશ્વરનું સંતાન નથી.
એકબીજા પર પ્રેમ કરો
11શરૂઆતથી જ તમે જે સંદેશો સાંભળ્યો છે તે આ છે: આપણે એકબીજા પર પ્રેમ કરવો જોઈએ. 12આપણે કાઈનના જેવા થવું ન જોઈએ. તે તો દુષ્ટના પક્ષનો હતો અને પોતાના સગા ભાઈનું તેણે ખૂન કર્યું. શા માટે કાઈને તેનું ખૂન કર્યું? કારણ, તેનાં પોતાનાં કાર્યો ભૂંડાં હતાં, જ્યારે તેના ભાઈનાં કાર્યો સારાં હતાં.
13આથી મારા ભાઈઓ, જો દુનિયાના લોકો તમને ધિક્કારે તો તેથી નવાઈ પામશો નહિ. 14આપણે આપણા ભાઈઓ પર પ્રેમ રાખીએ છીએ તે પરથી આપણને ખબર છે કે આપણે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યા છીએ. જે કોઈ પ્રેમ કરતો નથી તે હજી મરણમાં જ છે. 15જે કોઈ પોતાના ભાઈનો ધિક્કાર કરે છે તે ખૂની છે અને તમે જાણો છો કે ખૂની પાસે સાર્વકાલિક જીવન હોતું નથી 16પ્રેમ શું છે તે આપણે આ રીતે જાણી શકીએ છીએ: ખ્રિસ્તે આપણે માટે પોતાનું જીવન અર્પી દીધું. તેથી આપણે પણ આપણા ભાઈઓને માટે આપણું જીવન અર્પી દેવું જોઈએ. 17જો કોઈ માણસ ધનવાન છે અને તેનો ભાઈ મુશ્કેલીમાં છે તેમ જોવા છતાં પોતાના ભાઈની વિરુદ્ધ પોતાનું હૃદય નિષ્ઠુર બનાવે, તો પછી તેના હૃદયમાં ઈશ્વર પ્રત્યે પ્રેમ છે, એમ તે કેવી રીતે કહી શકે? 18મારાં બાળકો, આપણો પ્રેમ ફક્ત શબ્દોથી કે જીભથી હોવો ન જોઈએ, પણ કૃત્યોમાં દેખાવો જોઈએ અને સાચો હોવો જોઈએ.
ઈશ્વરની સમક્ષ હિંમત
19આપણે સત્યના પક્ષના છીએ તેવું આ રીતે જાણી શકીએ છીએ. આ જ રીતે ઈશ્વરની હાજરીમાં આપણે આપણા હૃદયમાં ખાતરી મેળવી શકીશું. 20જો આપણું હૃદય આપણને દોષિત ઠરાવે તો આપણે જાણીએ છીએ કે ઈશ્વર આપણાં હૃદય કરતાં મહાન છે અને તે સર્વ જાણે છે. 21અને તેથી પ્રિયજનો, જો આપણને આપણું હૃદય દોષિત ઠરાવે નહિ તો ઈશ્વરની સમક્ષ જવા માટે આપણને હિંમત છે 22આપણે તેમની પાસે જે કંઈ માગીએ તે મળે છે, કારણ, આપણે તેમની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ અને તેમને પસંદ પડે તે કરીએ છીએ. તેમની આજ્ઞા આ છે: 23તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તના નામ પર આપણે વિશ્વાસ મૂકીએ અને ખ્રિસ્તે આપેલી આજ્ઞા પ્રમાણે એકબીજા પર પ્રેમ રાખીએ. 24જે કોઈ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરે છે તે ઈશ્વરમાં રહે છે અને ઈશ્વર તેનામાં રહે છે. ઈશ્વરે આપેલા પવિત્ર આત્મા દ્વારા આપણને ખબર પડે છે કે તે આપણામાં રહે છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in