YouVersion Logo
Search Icon

યોહાનનો પહેલો પત્ર 2

2
મદદગાર ખ્રિસ્ત
1મારાં બાળકો, તમે પાપમાં ન પડો માટે તમને હું આ લખું છું. પણ જો કોઈ પાપમાં પડી જાય તો આપણે માટે ઈશ્વરપિતા સમક્ષ આપણી હિમાયત કરનાર છે; એ તો ઈસુ ખ્રિસ્ત છે, જે સાચા અને ઈશ્વરને સ્વીકાર્ય છે. 2ખ્રિસ્તની મારફતે જ આપણાં પાપની આપણને માફી મળે છે; ફક્ત આપણાં જ નહિ પણ સર્વ માણસોનાં પાપની માફી મળે છે.
3જો આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ તો આપણે તેમને ઓળખીએ છીએ તે ખાતરીની વાત છે. 4જો કોઈ કહે, “હું તેમને ઓળખું છું,” પણ તેમની આજ્ઞાઓને આધીન થતો નથી તો એવો માણસ બિલકુલ જૂઠો છે અને તેનામાં સત્ય નથી. 5પણ જે કોઈ તેમની આજ્ઞાઓ પાળે છે તેનો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ સંપૂર્ણ કરવામાં આવેલો છે. આપણે ઈશ્વરની સાથે ચાલીએ છીએ તેની ખાતરી આ રીતે થઈ શકે છે: 6જે કોઈ કહે છે કે તે ઈશ્વરની સાથે ચાલે છે તેણે ઈસુ ખ્રિસ્ત જેમ જીવ્યા તેમ જીવવું જોઈએ.
નવી આજ્ઞા
7પ્રિયજનો, હું તમને જે આજ્ઞા લખી જણાવું છું તે નવી નથી, પણ શરૂઆતથી જ તમને આપવામાં આવેલી છે. તમે જે સંદેશો સાંભળ્યો છે તે જ જૂની આજ્ઞા છે. 8છતાં હું તમને જે આજ્ઞા લખું છું તે નવી છે, અને તેનું સત્ય ખ્રિસ્તમાં અને તમારામાં પ્રગટ થયેલું છે. કારણ, અંધકાર ચાલ્યો જાય છે અને હવે સાચો પ્રકાશ પ્રકાશી રહ્યો છે.
9પોતે પ્રકાશમાં છે એવું કહેવા છતાં કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તો તે હજી અંધકારમાં જ છે. 10જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ કરે છે તે પ્રકાશમાં રહે છે અને તેનામાં બીજાને ઠોકર ખાવાનું કારણ નથી. 11પણ જે કોઈ પોતાના ભાઈનો તિરસ્કાર કરે છે તે અંધકારમાં છે; તે અંધકારમાં ચાલે છે અને પોતે ક્યાં જાય છે તેની તેને ખબર નથી. કારણ, અંધકારે તેને આંધળો બનાવી દીધો છે.
12મારાં બાળકો, હું તમને લખું છું, કારણ, ખ્રિસ્તના નામને લીધે તમારાં પાપની ક્ષમા આપવામાં આવી છે. 13પિતાઓ, હું તમને લખું છું, કારણ, પ્રારંભથી જ અસ્તિત્વ ધરાવનારને તમે ઓળખો છો. યુવાનો, હું તમને લખું છું, કારણ, તમે દુષ્ટને હરાવ્યો છે.
14બાળકો, હું તમને લખું છું, કારણ, તમે ઈશ્વરપિતાને ઓળખો છો. પિતાઓ, હું તમને લખું છું, કારણ, પ્રારંભથી અસ્તિત્વ ધરાવનારને તમે ઓળખો છો. યુવાનો, હું તમને લખું છું, કારણ, તમે બળવાન છો, તમારામાં ઈશ્વરનું વચન રહે છે અને તમે દુષ્ટને હરાવ્યો છે.
15દુનિયા પર અથવા દુનિયાની કોઈ વસ્તુ પર પ્રેમ ન કરો. જો તમે દુનિયા પર પ્રેમ કરો છો તો પછી તમારામાં ઈશ્વરપિતા પ્રત્યેનો પ્રેમ નથી. 16જે કંઈ દુનિયાનું છે એટલે કે, દેહની વાસના, આંખોની લાલસા, અને જીવનનું મિથ્યાભિમાન, તે ઈશ્વરપિતા પાસેથી આવતું નથી, પણ દુનિયામાંથી જ આવે છે. 17દુનિયા અને તેની લાલસા તો ચાલ્યાં જવાનાં છે, પણ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્તનાર સર્વકાળ રહે છે.
ખ્રિસ્તનો શત્રુ
18મારાં બાળકો, અંતનો સમય આવી પહોંચ્યો છે. ખ્રિસ્તનો શત્રુ આવશે, એવું તમને જણાવવામાં આવ્યું હતું. અને હાલ ખ્રિસ્તના ઘણા શત્રુ પ્રગટ થયા છે. તેથી આપણને ખબર પડે છે કે અંત આવી પહોંચ્યો છે. 19આ લોકો ખરેખર આપણા પક્ષના ન હતા અને તેથી જ તેઓ આપણામાંથી ચાલ્યા ગયા. જો તેઓ આપણા પક્ષના હોત તો તેઓ આપણી સાથે રહ્યા હોત. પણ તેઓ હવે ચાલ્યા ગયા હોવાથી સ્પષ્ટ થાય છે કે તેમનામાંનો કોઈ આપણા પક્ષનો હતો જ નહિ.
20પણ ખ્રિસ્તની મારફતે રેડી દેવામાં આવેલો પવિત્ર આત્મા તમારી પાસે છે અને તેથી તમને સત્યની ખબર છે. 21તમે સત્ય જાણતા નથી માટે હું તમને લખું છું એવું નથી. એથી ઊલટું, તમે સત્ય જાણો છો માટે લખું છું. અને તમને એ ખબર છે કે સત્યમાંથી જૂઠ નીકળી શકે જ નહિ.
22તો હવે જૂઠો કોણ છે? ઈસુ તે ખ્રિસ્ત નથી એવું કહેનાર જ જૂઠો છે. એ જ “ખ્રિસ્તનો શત્રુ” છે. તે ઈશ્વરપિતા અને ઈશ્વરપુત્રનો ઇન્કાર કરે છે. 23કારણ, જે કોઈ પુત્રનો ઇનકાર કરે છે તે પિતાનો ઇનકાર કરે છે અને જે કોઈ પુત્રનો સ્વીકાર કરે છે તે પિતાનો પણ સ્વીકાર કરે છે.
24આથી તમે શરૂઆતથી જ સાંભળેલો સંદેશો તમારાં હૃદયોમાં જાળવી રાખો. શરૂઆતથી જ સાંભળેલા સંદેશાનું જો તમે પાલન કરો તો તમે હંમેશાં ઈશ્વરપિતા અને ઈશ્વરપુત્રની સંગતમાં જીવન જીવશો. 25અને ખ્રિસ્તે પોતે પણ એ જ સાર્વકાલિક જીવન આપવાનું વચન આપેલું છે.
26તમને જેઓ છેતરવાનો પ્રયત્ન કરે છે તેમને લક્ષમાં રાખીને હું તમને આ લખું છું. 27પણ તમારા પર તો ખ્રિસ્તે પોતાનો પવિત્ર આત્મા રેડી દીધો છે. જ્યાં સુધી તેમનો પવિત્ર આત્મા તમારામાં વાસો કરે છે ત્યાં સુધી તમારે બીજા કોઈ શિક્ષકની જરૂર નથી. કારણ, તેમનો પવિત્ર આત્મા તમને સર્વ બાબતો શીખવે છે અને તેનું શિક્ષણ જૂઠું નથી પણ સાચું છે. આથી પવિત્ર આત્માના શિક્ષણને આધીન થાઓ અને ખ્રિસ્તમાં રહો.
28મારાં બાળકો, તેમનામાં રહો, જેથી તેમના આગમનના દિવસે આપણામાં હિંમત હોય અને તેમની સમક્ષ શરમને કારણે પોતાને સંતાડવાની જરૂર રહે નહિ. 29ખ્રિસ્ત ન્યાયી છે તે તમે જાણો છો અને તેથી એ પણ જાણો કે ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તનાર વ્યક્તિ ઈશ્વરનું સંતાન છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in