YouVersion Logo
Search Icon

સફાન્યા 3

3
યરુશાલેમનું પાપ અને ઉદ્ધાર
1એ બંડખોર તથા ભ્રષ્ટ થયેલી જુલમી નગરીને અફસોસ! 2પ્રભુનું કહ્યું તેણે માન્યું નહિ. તેણે શિખામણ માની નહિ. તેણે યહોવા ઉપર વિશ્વાસ રાખ્યો નહિ. તે પોતાના ઈશ્વરની પાસે આવી નહિ. 3તેની અંદર તેના અમલદારો ગર્જના કરતા સિંહો જેવા છે. તેના ન્યાયાધીશો સાંજે [ફરતા] વરુઓ જેવા છે. તેઓ આવતી કાલ માટે કંઈ પડતું મૂકતા નથી. 4તેઓના પ્રબોધકો બેપરવા તથા કપટી પુરુષો છે. તેના યાજકોએ પવિત્રસ્થાનને ભ્રષ્ટ કર્યું છે, તેઓએ નિયમશાસ્ત્રનો ભંગ કર્યો છે. 5યહોવા તેનામાં ન્યાયી છે. તે અન્યાય કરતા નથી. દર સવારે તે પોતાનો ઇનસાફ જાહેર કરે છે, તે ચૂક કરતા નથી, પણ અધર્મી બેશરમ છે.
6[પ્રભુ કહે છે,] “મેં પ્રજાઓને નાબૂદ કરી છે, તેમના બુરજો ઉજ્જડ થયેલા છે. મેં તેમની શેરીઓ એવી વેરાન કરી નાખી છે કે ત્યાં થઈને કોઈ જતું નથી. તેમનાં નગરોનો એવો નાશ થયો છે કે ત્યાં કોઈ પણ માણસ [જોવામાં આવતું] નથી, તેમાં કોઈ રહેતું નથી. 7મેં કહ્યું, નક્કી તું મારી બીક રાખીશ, તું શિખામણ માનીશ. અને તેથી મેં તેને વિષે જે સર્વ નિર્માણ કર્યું છે તે [પ્રમાણે] તેનું રહેઠાણ નષ્ટ થાય નહિ; પણ તેઓએ વહેલા ઊઠીને પોતાનાં સર્વ કામો ભ્રષ્ટ કર્યાં.”
8“માટે, ” યહોવા કહે છે, “હું નાશ કરવાને ઊભો થાઉં તે દિવસ સુધી તમે મારી રાહ જુઓ; કેમ કે પ્રજાઓને એકત્ર કરવાનો મેં નિર્ણય કર્યો છે, જેથી હું રાજ્યોને ભેગાં કરીને મારો સર્વ ક્રોધ, હા, મારો સર્વ સખત કોપ તેમના પર રેડું; કેમ કે આખી પૃથ્વી મારા આવેશના અગ્નિથી ભસ્મ થશે. 9કેમ કે તે વખતે હું પ્રજાઓને શુદ્ધ કોઠો આપીશ, જેથી તેઓ યહોવાના નામની વિનંતી કરીને એકમતે તેમની સેવા કરે.
10કૂશની નદીઓને પેલે પારથી મારા યાચકો, હા, મારા વિખેરી નંખાયેલાઓની દીકરી મારી પાસે અર્પણ લાવશે. 11તે દિવસે તારાં સર્વ કૃત્યો, જેથી તેં મારી વિરુદ્ધ અપરાધ કર્યો છે, તેમને લીધે તારે શરમાવું નહિ પડે. કેમ કે તે વખતે હું તારામાંથી અભિમાની તથા ગર્વિષ્ઠ માણસોને દૂર કરીશ, ને હવે પછી તું મારા પવિત્ર પર્વત પર અભિમાન કરશે નહિ. 12પણ હું તારામાં દુ:ખી તથા ગરીબ લોકોને રહેવા દઈશ, ને તેઓ યહોવાના નામ પર વિશ્વાસ રાખશે. 13ઇઝરાયલના બચી રહેલા [લોકો] અન્યાય કરશે નહિ, તેમ જૂઠું બોલશે નહિ; અને #પ્રક. ૧૪:૫. તેમના મુખમાં કપટી જીભ માલૂમ પડશે નહિ, કેમ કે તેઓ ખાશે, ને નિરાંતે સૂશે, ને કોઈ તેમને બીવડાવશે નહિ.
હર્ષનું ગીત
14હે સિયોનની પુત્રી, ગાયન કર;
હે ઇઝરાયલ, હર્ષના પોકાર કર;
હે યરુશાલેમની પુત્રી,
તારા ખરા અંત:કરણથી આનંદ કર
તથા ખુશ થા.
15યહોવાએ ન્યાયની રૂએ તને કરેલી
શિક્ષાનો [તે] અંત લાવ્યા છે,
તેમણે તારા શત્રુને હાંકી કાઢયો છે.
ઇઝરાયલના રાજા,
એટલે યહોવા, તારામાં છે.
હવે પછી તને કંઈ પણ આપત્તિનો
ડર લાગશે નહિ.
16તે દિવસે યરુશાલેમને એમ કહેવામાં
આવશે, તું બીશ નહિ.
હે સિયોન, તારા હાથ ઢીલા ન પડો.
17તારા ઈશ્વર યહોવા તારામાં છે,
તે સમર્થ તારક છે.
તે તારે માટે બહુ હરખાશે,
તે [તારા પરના] તેમના
પ્રેમમાં શાંત રહેશે,
તે ગાતાં ગાતાં તારે માટે હર્ષ કરશે.
18તારામાંના જેઓ મુકરર ઉત્સવને માટે
દિલગીર છે તેઓને હું ભેગા કરીશ;
તારા ઉપરનો બોજો [તેઓને]
મહેણારૂપ હતો.
19જુઓ, જેઓ તને દુ:ખ દે છે તે સર્વની
ખબર હું તે સમયે લઈશ.
અને જે લંગડાય છે તેને હુમ બચાવીશ,
ને જેને હાંકી કાઢવામાં આવી છે
તેને હું પાછી લાવીશ.
આખી પૃથ્વી પર
જેઓની ઈજ્જત [ગઈ છે] ,
તેઓને હું પ્રશંસનીય તથા
નામીચા કરીશ.
20તે સમયે હું તમને અંદર લાવીશ,
ને તે સમયે હું તમને ભેગા કરીશ.”
કેમ કે યહોવા કહે છે,
“જ્યારે હું તમારી નજર આગળ
તમારી ગુલામગીરી ફેરવી નાખીશ,
ત્યારે પૃથ્વીની સર્વ પ્રજાઓમાં
હું તમોને પ્રશંસનીય તથા
નામીચા કરીશ.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in