YouVersion Logo
Search Icon

રોમનોને પત્ર 12

12
ઈશ્વરની સેવામાં જીવન
1તેથી, ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે, ઈશ્વરની દયાની ખાતર તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે એવું, અર્પણ કરો; એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. 2આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો.
શરીર એક:અવયવો ઘણા
3વળી મને આપેલા કૃપાદાનને આશરે હું તમારામાંના દરેક જણને કહું છું કે, પોતાને જેવો ગણવો જોઈએ, તે કરતાં વિશેષ ન ગણવો. પણ ઈશ્વરે જેટલે દરજ્જે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે, તેના પ્રમાણમાં નમ્રતાથી [દરેકે પોતાને યોગ્ય] ગણવો. 4#૧ કોરીં. ૧૨:૧૨. કેમ કે જેમ આપણા શરીરના ઘણા અવયવો છે, અને બધા અવયવોને એક જ કામ [કરવાનું] નથી, 5તેમ આપણે ઘણાં હોવા છતાં ખ્રિસ્તમાં એક શરીર છીએ, અને અરસપરસ એકબીજાના અવયવો [છીએ]. 6#૧ કોરીં. ૧૨:૪-૧૧. આપણને જે કૃપાદાન આપવામાં આવ્યું છે, તે પ્રમાણે આપણને જુદાં જુદાં વરદાન મળ્યાં છે. તેથી જો પ્રબોધ કરવાનું [દાન મળ્યું હોય] , તો પોતાના વિશ્વાસના પ્રમાણમાં તેણે [પ્રબોધ] કરવો. 7અથવા જો સેવાનું, તો સેવામાં [તત્પર રહેવું] ; વળી જે શિક્ષક હોય તેણે શિક્ષણ આપવામાં [મંડયા રહેવું]. 8અને જે સુબોધ કરનાર, તેણે સુબોધ કરવામાં લાગુ રહેવું, જે દાન કરે છે, તેણે ઉદારતાથી કરવું. જે અધિકારી‌ છે, તેણે ખંતથી અધિકાર ચલાવવો, અને જે દયા રાખે, તેણે ઉમંગથી રાખવી.
ખ્રિસ્તી જીવનના નિયમ
9[તમારો] પ્રેમ ઢોંગ વગરનો હોય, જે ભૂંડું છે તેને ધિક્કારો; જે સારું છે તેને વળગી રહો. 10ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો. માન [આપવા] માં પોતાના કરતાં બીજાને અધિક ગણો. 11ઉદ્યોગમાં આળસુ ન થાઓ. આત્મામાં ઉત્સાહી થાઓ. પ્રભુની સેવા કરો. 12આશામાં આનંદ કરો. સંકટમાં ધીરજ રાખો. પ્રાર્થનામાં લાગુ રહો. 13સંતોની જરૂરિયાતો પૂરી પાડો. પરોણાગત કરવામાં તત્પર રહો.
14 # માથ. ૫:૪૪; લૂ. ૬:૨૮. તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો; આશીર્વાદ જ આપો, અને શાપ આપતા નહિ. 15આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. રડનારાઓની સાથે રડો 16અરસપરસ એક દિલના થાઓ. તમારું મન મોટી મોટી બાબતો પર ન લગાડો, પણ નમ્ર ભાવે દીનોની કાળજી રાખો. #નીતિ. ૩:૭. તમે પોતાને બુદ્ધિમાન ન સમજો.
17ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. બધાં માણસોની નજરમાં જે શોભે છે, તે [કરવાને] કાળજી રાખો, 18જો બની શકે, તો ગમે તેમ કરીને બધાં માણસોની સાથે હળીમળીને ચાલો. 19ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ [ઈશ્વરના] કોપને માટે માર્ગ મૂકો; કેમ કે લખેલું છે, “પ્રભુ કહે છે કે, #પુન. ૩૨:૩૫. વૈર વાળવું એ મારું [કામ] છે; હું બદલો લઈશ. 20પણ #નીતિ. ૨૫:૨૧-૨૨. જો તારો વૈરી ભૂખ્યો હોય તો તેને ખવડાવ; જો તરસ્યો હોય તો તેને [પાણી] પા; કેમ કે એવું કરવાથી તું તેના માથા ઉપર ધગધગતા અંગારાના ઢગલા કરીશ.” 21ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાનો પરાજય કર.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in