પ્રકટીકરણ 14
14
ઉદ્ધાર પામેલા ૧, ૪૪, ૦૦૦ નું ગીત
1પછી મેં જોયું, તો જુઓ, સિયોન પહાડ પર હલવાન ઊભેલું હતું. અને તેની સાથે એક લાખ ચુમ્માળીસ હજાર [સંતો] હતા. #હઝ. ૯:૪; પ્રક. ૭:૩. તેઓનાં કપાળ પર તેનું તથા તેના પિતાનું નામ લખેલું હતું. 2મેં ઘણાં પાણીના અવાજના જેવી તથા મોટી ગર્જનાના અવાજના જેવી આકાશમાંથી વાણી સાંભળી. તે તો વીણા વગાડનારાઓ પોતાની વીણા વગાડતા હોય એવી વાણી હતી. 3તેઓ રાજયાસનની આગળ અને ચાર પ્રાણીઓની તથા વડીલોની આગળ જાણે કે નવું કીર્તન ગાય છે. પૃથ્વી પરથી જે એક લાખ ચુમ્માળીસ હજારને ખરીદવામાં આવ્યા હતા, તેઓ વગર બીજું કોઈ એ કીર્તન શીખી શકયું નહિ. 4સ્ત્રીઓ [ના સંસર્ગ] થી જેઓ અપવિત્ર થયા નથી તેઓ એ છે, કેમ કે તેઓ કુંવારા છે. અને હલવાન જયાં જાય છે ત્યાં તેની પાછળ જે ચાલનારા છે તેઓ એ છે. તેઓને ઈશ્વરને માટે તથા હલવાનને માટે પ્રથમફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા. 5#સફા. ૩:૧૩. તેઓના મોંમાં અસત્ય ન હતું. તેઓ નિર્દોષ છે.
ત્રણ દૂતો
6પછી મેં બીજા એક દૂતને અંતરિક્ષમાં ઊડતો જોયો. પૃથ્વી પર રહેનારાંઓમાં એટલે સર્વ રાજય, જાતિ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને, તેની પાસે સનાતન સુવાર્તા હતી. 7તે મોટે સ્વરે કહે છે, “ઈશ્વરથી બીહો ને તેમને મહિમા આપો, કેમ કે તેમના ન્યાયીકરણનો સમય આવ્યો છે. અને જેમણે આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા પાણીના ઝરાઓને ઉત્પન્ન કર્યા, તેમની આરાધના કરો.”
8ત્યાર પછી તેની પાછળ બીજો એક દૂત આવીને બોલ્યો, #યશા. ૨૧:૯; યર્મિ. ૫૧:૮; પ્રક. ૧૮:૨. “પડયું રે, મોટું બાબિલોન શહેર પડયું કે, જેણે પોતાના વ્યભિચાર [ને લીધે રેડાયેલો] કોપરૂપી દ્રાક્ષારસ સર્વ દેશો [ના લોકો] ને પીવડાવ્યા છે.”
9પછી તેઓની પાછળ ત્રીજો દૂત આવીને મોટે સ્વરે બોલ્યો, “શ્વાપદને તથા તેની મૂર્તિને જો કોઈ પૂજે, અને તેની છાપ પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર લે, 10તો તે પણ ઈશ્વરનો કોપરૂપી દ્રાક્ષારસ, જે #યશા. ૫૧:૧૭. તેમના ક્રોધના પ્યાલામાં નર્યો રેડેલો છે, તેમાંથી પીશે; અને પવિત્ર દૂતોની સમક્ષ તથા હલવાનની સમક્ષ #ઉત. ૧૯:૨૪; હઝ. ૩૮:૨૨. અગ્નિથી તથા ગંધકથી તે રિબાશે. 11અને #યશા. ૩૪:૧૦. તેઓની પીડાનો ધુમાડો સદાસર્વકાળ ઉપર ચઢયા કરે છે. જેઓ શ્વાપદની તથા તેની મૂર્તિની આરાધના કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લે છે, તેઓને રાતદિવસ વિશ્રાંતિ નથી. 12આમાં સંતોનું ધૈર્ય, એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે તથા ઈસુ પર વિશ્વાસ રાખે છે તેઓનું ધૈર્ય [રહેલું] છે.”
13પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી, “તું એમ લખ કે, હવે પછી જે મરનારાંઓ પ્રભુમાં મરણ પામે છે, તેઓને ધન્ય છે. આત્મા કહે છે, હા, કે તેઓ પોતાની મહેનતથી વિશ્રાંતિ લે; કેમ કે તેઓનાં કામ તેઓની સાથે આવે છે.”
પૃથ્વીની કાપણી-બે પ્રકારના પાક
14પછી મેં જોયું, તો જુઓ, #દા. ૭:૧૩. ઊજળું વાદળું ને તેના પર મનુષ્યપુત્રના જેવા એક [પુરુષ] બેઠેલા હતા. તેમના માથા પર સોનાનો મુગટ હતો, અને તેમના હાથમાં ધારવાળું દાતરડું હતું. 15પછી મંદિરમાંથી બીજા એક દૂતે બહાર આવીને વાદળા પર બેઠેલા [પુરુષ] ને મોટે સ્વરે હાંક મારી, #યોએ. ૩:૧૩. “તમે તમારું દાતરડું લગાડીને કાપો, કેમ કે કાપણીની મોસમ આવી છે, કારણ કે પૃથ્વીની ફસલ પૂરેપૂરી પાકી ગઈ છે.” 16ત્યારે વાદળા પર બેઠેલા [પુરુષે] પૃથ્વી પર પોતાનું દાતરડું નાખ્યું. એટલે પૃથ્વી પરના પાકની કાપણી કરવામાં આવી.
17ત્યાર પછી આકાશમાંના મંદિરમાંથી બીજો એક દૂત બહાર આવ્યો, તેની પાસે પણ ધારવાળું દાતરડું હતું. 18અને બીજો એક દૂત, એટલે જેને અગ્નિ પર અધિકાર છે તે, વેદી પાસેથી બહાર આવ્યો. તેણે જેની પાસે ધારવાળું દાતરડું હતું તેને મોટે સ્વરે કહ્યું, “તું તારું ધારવાળું દાતરડું લગાડીને પૃથ્વીના દ્રાક્ષાવેલાનાં ઝૂમખાંને લણી લે, કેમ કે તેની દ્રાક્ષા પાકી ચૂકી છે.” 19ત્યારે તે દૂતે પોતાનું દાંતરડું પૃથ્વી પર નાખ્યું, અને પૃથ્વીના દ્રાક્ષાવેલાનાં ઝૂંમખાંને કાપી લીધાં, ને ઈશ્વરના કોપના મોટા દ્રાક્ષાકુંડમાં નાખ્યાં. 20અને #યશા. ૬૩:૩; ય.વિ. ૧:૧૫; પ્રક. ૧૯:૧૫. દ્રાક્ષાકુંડમાં જે હતું તે શહેર બહાર ખૂંદવામાં આવ્યું, અને દ્રાક્ષાકુંડમાંથી બસો માઈલ સુધી ઘોડાઓની લગામોને પહોંચે, એટલું લોહી વહી નીકળ્યું.
Currently Selected:
પ્રકટીકરણ 14: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.