ગીતશાસ્ત્ર 35
35
સહાય માટે પ્રાર્થના
દાઉદનું (ગીત).
1હે યહોવા, મારી સાથે વાદ
કરનારની સાથે તમે વાદ
કરો; મારી સામે લડનારની સામે
તમે લડો.
2ઢાલ તથા બખતર સજીને
મારી સહાય કરવાને ઊભા થાઓ.
3ભાલો પણ કાઢો, અને મારી પાછળ
ધાનારાને અટકાવો.
મારા આત્માને કહો,
“હું તારું તારણ છું.”
4જેઓ મારા જીવના તરસ્યા છે તેઓ
ફજેત થઈને આબરૂહીન થાઓ;
જેઓ મારું નુકસાન તાકે છે તેઓ
પાછા હઠો અને વીલા પડો.
5તેઓ પવનથી ઊડતાં ફોતરાંના
જેવા થાઓ,
અને યહોવાનો દૂત (તેઓને)
હાંકી કાઢો.
6તેઓનો માર્ગ અંધકારમય તથા
લપસણો થાઓ,
અને યહોવાના દૂત
તેઓની પાછળ પડો.
7કેમ કે તેઓએ વગર કારણે મારે માટે
ખાડા(માં) પોતાનો ફાંદો
સંતાડી રાખ્યો છે,
વિનાકારણ તેઓએ મારા જીવને માટે
(ખાડો) ખોદ્યો છે.
8તેના પર ઓચિંતો સંહાર આવી પડો;
અને તેના સંતાડેલા ફાંદામાં
તે પોતે સપડાઈ જાઓ;
તેમાં પડીને તેનો સંહાર થાઓ.
9મારો આત્મા યહોવામાં ઉત્સાહ કરશે,
તે તેમના તારણમાં હર્ષ પામશે.
10મારાં સર્વ હાડકાં કહેશે,
“હે યહોવા, તમારા સરખો કોણ છે?”
તે દીનને તેના કરતાં વધારે
બળવાનથી બચાવે છે,
અને દીન તથા કંગાલને
લૂંટનારાથી છોડાવે છે.
11જૂઠા સાક્ષીઓ ઊભા થાય છે;
હું જાણતો નથી તે બાબત વિષે તેઓ
મને પૂછે છે.
12તેઓ ભલાને બદલે મને ભૂંડું પાછું
વાળે છે,
જેથી હું અનાથ થઈ જાઉં છું.
13પણ તેઓ માંદા પડ્યા હતા ત્યારે તો
હું ટાટ પહેરતો;
હું ઉપવાસથી મારા જીવને દુ:ખી કરતો;
અને મારી પ્રાર્થના મારા
હ્રદયમાં પાછી આવતી હતી.
14જાણે તે મારો મિત્ર કે મારો ભાઈ હોય
તેમ હું તેની સાથે વર્તતો;
પોતાની માને માટે વિલાપ કરનારની
માફક હું શોકથી નમી જતો.
15પણ મારી પડતીને સમયે તેઓ હર્ષ
પામતા અને ટોળે વળતા.
તેઓ ટોળે વળીને મારી નિંદા કરતા
અને હું(તે) જાણતો નહિ; [એવી રીતે]
તેઓ મને ફાડી નાખતા અને
અટકતા નહિ.
16તેઓ મિજબાનીમાં ધર્મનિંદકોની માફક
પોતાના દાંત મારી સામે પીસે છે.
17હે પ્રભુ, તમે ક્યાં સુધી જોયા કરશો?
તેઓના સંહારથી મારા જીવને
તથા સિંહોથી
મારા આત્માને બચાવો.
18હું મહા મંડળીમાં તમારી
આભારસ્તુતિ કરીશ;
ઘણા લોકોમાં હું તમારી
પ્રશંસા કરીશ.
19જેઓ ગેરવાજબી રીતે
મારા શત્રુઓ થયા છે,
તેઓ મારા ઉપર આનંદ ન કરો,
#
ગી.શા. ૬૯:૪; યોહ. ૧૫:૨૫. જેઓ વિનાકારણ મારો દ્વેષ કરે છે
તેઓ આંખના મિચકારા ન મારો.
20કેમ કે તેઓનું બોલવું શાંતિદાયક નથી,
પણ દેશમાં શાંત રહેનારાઓની
વિરુદ્ધ તેઓ દગાબાજી કરે છે.
21તેઓ મારી વિરુદ્ધ પહોળા મોઢે
બહુ બોલ્યા છે;
તેઓએ કહ્યું,
“આહા, આહા, અમે
તે નજરે જોયું છે.”
22હે યહોવા, તમે તે જોયું છે;
તમે ચૂપ ન રહો;
હે પ્રભુ, મારાથી દૂર ન રહો.
23મારો ન્યાય કરવા માટે જાગ્રત થાઓ,
હે મારા ઈશ્વર તથા
મારા માલિક,
મારી દાદ સાંભળવા માટે જાગો.
24હે મારા ઈશ્વર યહોવા,
તમારા ન્યાયીપણાથી
મારો ન્યાય કરો.
તેઓને મારા પર આનંદ
કરવા ન દો.
25તેઓ પોતાના હ્રદયમાં એમ ન કહે,
“આહા, અમારે એ જ
જોઈતું હતું.”
તેઓ એમ ન કહે,
“અમે તેને ગળી ગયા છીએ.”
26મારા નુકસાનમાં હર્ષ પામનારા
સર્વ ફજેત થાઓ
અને ઝંખવાણા પડો.
મારી વિરુદ્ધ અહંકાર કરનારાઓની
લાજ નષ્ટ થાઓ,
તથા તેઓ અપમાન પામો.
27જેઓ મારા ન્યાયીપણામાં
આનંદ કરે છે
તેઓ હર્ષ પામીને જયજયકાર કરો,
હા, તેઓ હંમેશાં કહો,
“જે પોતાના સેવકની આબાદીમાં
રાજી રહે છે
તે યહોવા મોટા મનાઓ.”
28મારી જીભ તમારું ન્યાયીપણું
પ્રગટ કરશે,
અને આખો દિવસ
તમારાં સ્તોત્ર ગાશે.
Currently Selected:
ગીતશાસ્ત્ર 35: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.