YouVersion Logo
Search Icon

ગીતશાસ્‍ત્ર 25

25
માર્ગદર્શન અને રક્ષા માટે પ્રાર્થના
દાઉદનું [ગીત].
1હે યહોવા, હું તમારામાં મારું
અંત:કરણ લગાડું છું.
2હે મારા ઈશ્વર, મેં તમારા પર ભરોસો
રાખ્યો છે, મારી લાજ રાખજો.
મારા શત્રુઓ મારા પર
જયજયકાર ન કરે.
3તમારી વાટ જુએ છે તેઓમાંનો કોઈ
લજવાશે નહિ.
જેઓ વગર કારણે કપટ કરે છે
તેઓની લાજ જશે.
4હે યહોવા, તમારા માર્ગ મને બતાવો;
તમારા રસ્તા વિષે મને શીખવો.
5તમારા સત્‍યમાં મને ચલાવો,
અને તે મને શીખવો;
કેમ કે તમે મારા તારણના ઈશ્વર છો;
હું આખો દિવસ તમારી રાહ જોઉં છું.
6હે યહોવા, તમારી રહેમ તથા તમારા
વાત્સલ્યનું સ્મરણ કરો.
કેમ કે તેઓ સનાતન છે.
7મારી જુવાનીનાં પાપ તથા મારા
અપરાધોનું સ્મરણ ન કરો.
હે યહોવા, તમારી ભલાઈ
અને તમારી કૃપા પ્રમાણે મને સંભારો.
8યહોવા ઉત્તમ અને ન્યાયી છે,
માટે પાપીઓને તે [પોતાનો માર્ગ]
બતાવશે.
9નમ્રને તે ન્યાયમાં દોરશે;
અને તેને તે પોતાને માર્ગે ચલાવશે.
10જેઓ તેમનો કરાર તથા તેમની આજ્ઞા
પાળે છે તેઓને માટે યહોવાના
સર્વ માર્ગો કૃપા તથા સત્યતા [થી
ભરેલા] છે.
11હે યહોવા, તમારા નામની ખાતર મારા
અન્યાયની ક્ષમા કરો,
કેમ કે તે ઘણા છે.
12જે યહોવાથી બીએ છે તે કયું
માણસ છે?
કયો માર્ગ પસંદ કરવો
તે તેને તે શીખવશે.
13તેનો જીવ સુખમાં રહેશે;
તેનાં સંતાન દેશનો વારસો પામશે.
14યહોવાનો મર્મ તેમના
ભક્તોની પાસે છે.
તેઓને તે પોતાનો કરાર જણાવશે.
15મારી દષ્ટિ સદા યહોવાની તરફ છે;
તે મારા પગ ફાંદામાંથી કાઢશે.
16તમે મારી તરફ ફરો,
ને મારા પર દયા કરો;
કેમ કે હું નિરાશ્રિત અને દુ:ખી છું.
17મારા મનનું દુ:ખ વધી ગયું છે.
તમે મને મારાં સંકટમાંથી છોડાવો.
18મારાં દુ:ખ તથા વેદના તરફ જોઈને
મારાં સર્વ પાપની ક્ષમા કરો.
19મારા શત્રુઓને જુઓ,
કેમ કે તે ઘણા છે;
અને તેઓ ઘાતકીપણે
મારો દ્વેષ કરે છે.
20મારા આત્માને સંભાળો
અને મને છોડાવો;
મારી લાજ જવા દેતા નહિ, કેમ કે
હું તમારા પર ભરોસો રાખું છું.
21પ્રામાણિકપણું તથા ન્યાયીપણું
મારું રક્ષણ કરો,
કેમ કે હું તમારી રાહ જોઉં છું.
22હે ઈશ્વર, ઇઝરાયલને
તેનાં સર્વ સંકટમાંથી છોડાવી લો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for ગીતશાસ્‍ત્ર 25