માર્ક 7
7
પૂર્વજોની પ્રણાલિકાઓ
(માથ. ૧૫:૧-૯)
1યરુશાલેમથી આવેલા ફરોશીઓ તથા કેટલાક શાસ્ત્રીઓ તેમની પાસે આવીને એકત્ર થયા. 2તેઓએ જોયું હતું કે તેમના કેટલાક શિષ્યો અશુદ્ધ, એટલે અણધોયેલે, હાથે રોટલી ખાય છે. 3કેમ કે ફરોશીઓ તથા બધા યહૂદીઓ વડીલોના સંપ્રદાય પાળીને હાથ સારી પેઠે ધોયા વિના ખાતા નથી. 4અને ચૌટેથી આવીને નાહ્યા વિના તેઓ ખાતા નથી; અને વાટકા તથા ગાગરો તથા તાંબાનાં વાસણ તથા ખાટલાઓને ધોવા ઇત્યાદિ બીજી ઘણી ક્રિયાઓ પાળવાને તેઓએ સ્વીકાર્યું હતું. 5પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ તેમને પૂછ્યું, “તમારા શિષ્યો વડીલોના સંપ્રદાય પ્રમાણે ન ચાલતાં અણધોયેલે હાથે રોટલી કેમ ખાય છે?” 6અને તેમણે તેઓને કહ્યું, “તમે ઢોંગીઓ સંબંધી યશાયાએ ઠીક પ્રબોધ કર્યો છે! તેમ લખેલું છે,
#
યશા. ૨૯:૧૩. ‘આ લોકો હોઠોએ મને માને છે,
પણ તેઓનાં હ્રદયો મારાથી
વેગળાં રહે છે.
7પણ તેઓ પોતાના મત દાખલ
માણસોની આજ્ઞા શીખવતાં
મને વ્યર્થ ભજે છે.’
8તમે ઈશ્વરની આજ્ઞા પડતી મૂકીને માણસોના સંપ્રદાય પાળો છો.”
9અને તેમણે તેઓને કહ્યું, “તમે તમારા સંપ્રદાય પાળવા માટે ઈશ્વરની આજ્ઞા ઠીક રદ કરો છો. 10કેમ કે મૂસાએ કહ્યું, #નિ. ૨૦:૧૨; પુન. ૫:૧૬. ‘તારા પિતાને તથા તારી માને માન આપ, ને #નિ. ૨૧:૧૭; લે. ૨૦:૯. જે કોઈ પોતાનાં પિતાની કે માની નિંદા કરે તે માર્યો જાય!’ 11પણ તમે કહો છો, ‘જો કોઈ માણસ પોતાના પિતાને કે માને કહે કે, મારાથી તને જે કંઈ લાભ થાત તે કુરબાન, એટલે અર્પિતદાન, થયેલું છે;’ 12તો તમે તેને તેના પિતાને માટે કે તેની માતાને માટે ત્યાર પછી કંઈ કરવા દેતા નથી; 13અને એમ કરીને તમારા શીખવેલા સંપ્રદાય વડે તમે ઈશ્વરનું વચન રદ કરો છો, અને એવાં ઘણાં કામો તમે કરો છો.”
માણસને વટાળતાં વાનાં
(માથ. ૧૫:૧૦-૨૦)
14અને લોકોને પોતાની પાસે ફરી બોલાવીને તેમણે તેઓને કહ્યું, “તમે સહુ મારું સાંભળો તથા સમજો. 15બહારથી માણસમાં પેસીને તેને વટાળી શકે એવું કંઈ નથી; પણ માણસમાંથી જે નીકળે છે, તે જ માણસને વટાળે છે. 16[જો કોઈને સાંભળવાને કાન હોય તો તે સાંભળે.] ” 17અને જ્યારે લોકોની પાસેથી જઈને તે ઘરમાં ગયા, ત્યારે તેમના શિષ્યોએ એ દ્દષ્ટાંત સંબંધી તેમને પૂછ્યું. 18અને તે તેઓને કહે છે, શું તમે પણ એવા અણસમજુ છો? તમે જાણતા નથી કે, માણસમાં જે જે બહારથી પેસે છે તે તેને વટાળી શકતું નથી! 19કેમ કે તે એના હ્રદયમાં પેસતું નથી, પણ પેટમાં, અને તે નીકળીને સંડાસમાં જાય છે.” [એવું કહીને] તેમણે સર્વ ખોરાક શુદ્ધ ઠરાવ્યા. 20વળી તેમણે કહ્યું, “માણસમાંથી જે નીકળે છે તે જ માણસને વટાળે છે. 21કેમ કે અંદરથી એટલે માણસોના હ્રદયમાંથી, ભૂંડા વિચારો નીકળે છે, એટલે છિનાળાં, ચોરીઓ, હત્યાઓ, 22વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, કામાનતુરપણું, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખપણું; 23એ બધાં ભૂંડાં વાનાં અંદરથી નીકળે છે, ને માણસને વટાળે છે.”
બિનયહૂદી સ્ત્રીનો વિશ્વાસ
(માથ. ૧૫:૨૧-૨૮)
24પછી તે ત્યાંથી ઊઠીને તૂર તથા સિદોનના પ્રદેશોમાં ગયા. અને તે ઘરમાં આવ્યા, ને તે કોઈ ન જાણે એવું તે ચાહતા હતા; પણ તે ગુપ્ત રહી ન શક્યા. 25કેમ કે એક સ્ત્રી જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો હતો, તે તેમના વિષે સાંભળીને આવી, ને તેમના પગ આગળ પડી. 26તે સ્ત્રી ગ્રીક હતી, ને સિરિયાના ફિનીકિયા કુળની હતી. અને તેણે પોતાની દીકરીમાંથી દુષ્ટાત્મા કાઢવાને તેમને વિનંતી કરી. 27પણ ઈસુએ તેને કહ્યું, “છોકરાંને પહેલાં ધરાવા દે; કેમ કે છોકરાની રોટલી લઈને કૂતરાંને ફેંકવી એ વાજબી નથી.” 28પણ તેણે તેમને ઉત્તર આપ્યો, “હા, પ્રભુ, કૂતરાં પણ મેજ નીચે છોકરાંના કકડામાંથી ખાય છે.” 29અને તેમણે તેને કહ્યું, “આ વાતને લીધે જા. તારી દીકરીમાંથી દુષ્ટાત્મા નીકળ્યો છે.” 30અને તેણે પોતાને ઘેર આવીને જોયું તો છોકરી ખાટલા પર સૂતેલી છે, ને તેનામાંથી દુષ્ટાત્મા નીકળી ગયો છે.
ઈસુ બહેરા-બોબડાને સાજો કરે છે
31અને તે ફરી તૂરના પ્રદેશોમાંથી નીકળી, સિદોનમાં થઈને દશનગરની સીમોની મધ્યે થઈને ગાલીલના સમદ્રની પાસે આવ્યા. 32અને લોકો એક બહેરાબોબડાને તેમની પાસે લાવે છે, ને તેના પર હાથ મૂકવાને તેમને વિનંતી કરે છે. 33અને તેમણે લોકો પાસેથી તેને એકાંતમાં લઈ જઈને તેના કાનોમાં પોતાની આંગળી નાખી, ને થૂંકીને તેની જીભને અડક્યા. 34અને આકાશ તરફ જોઈને તેમણે નિસાસો મૂકીને કહ્યું, “એફફથા, ” એટલે “ઊઘડી જા.” 35અને તરત તેના કાનો ઊઘડી ગયા, ને તેની જીભનું બંધન છૂટ્યું, ને તે સાફ બોલવા લાગ્યો. 36અને તેમણે તેઓને મનાઈ કરી, “તમારે તે કોઈને કહેવું નહિ.” પણ જેમ જેમ તેમણે વધારે મનાઈ કરી તેમ તેમ તેઓએ તે વધારે પ્રગટ કર્યું. 37અને તેઓ બેહદ અચંબો પામ્યા, ને બોલ્યા, “તેમણે બધું સારું જ કર્યું છે; તે બહેરાઓને પણ સાંભળતા કરે છે, ને મૂંગાઓને બોલતાં કરે છે.”
Currently Selected:
માર્ક 7: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.