માથ્થી 28
28
ઈસુ સજીવન થયા
(માર્ક ૧૬:૧-૧૦; લૂ. ૨૪:૧-૧૨; યોહ. ૨૦:૧-૧૦)
1અને વિશ્રામવારની આખરે, અઠવાડિયાને પહેલે દિવસે પોહ ફાટ્યો ત્યારે મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી. 2અને જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો દૂત આકાશથી ઊતર્યો, ને ત્યાં આવીને કબરનાં મોં પરથી પથ્થરને ગબડાવીને તેના પર બેઠો. 3તેનું રૂપ વીજળીના જેવું, ને તેનું વસ્ત્ર બરફના જેવું ઊજળું હતું. 4અને તેના ધાકથી ચોકીદારો ધ્રૂજી ગયા ને મરણતોલ થઈ ગયા. 5ત્યારે દૂતે તે સ્રીઓને કહ્યું, “બીહો નહિ, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો. 6તે અહીં નથી, કેમ કે તેમના કહ્યા પ્રમાણે તે ઊઠ્યા છે. આવો, ને જ્યાં પ્રભુ સૂતા હતા તે જગા જુઓ. 7અને વહેલાં જઈને તેમના શિષ્યોને કહો કે, મૂએલાંમાંથી તે ઊઠ્યા છે. અને જુઓ, તે તમારી આગળ ગાલીલમાં જાય છે, ત્યાં તમે તેમને જોશો, જુઓ, મેં તમને ક્હ્યું છે.” 8ત્યારે તેઓ બીક તથા હર્ખસહિત કબરની પાસેથી વહેલી નીકળીને તેમના શિષ્યોને ખબર આપવાને દોડી ગઈ. 9અને જુઓ, ઈસુએ તેઓને મળીને કહ્યું, “કુશળતા.” અને તેઓએ આવીને તેમના પગ પકડ્યા, ને તેમનું ભજન કર્યું. 10ત્યારે ઈસુ તેઓને કહે છે, “બીહો નહિ; જાઓ, મારા ભાઈઓને કહો કે, તેઓ ગાલીલમાં જાય, ને ત્યાં તેઓ મને જોશે.”
યહૂદી આગેવાનોનું જૂઠાણું
11અને તેઓ જતી હતી, એટલામાં જુઓ, ચોકીદારોમાંના કેટલાકે નગરમાં જઈને જે જે થયું તે બધું મુખ્ય યાજકોને કહી દીધું. 12ત્યારે તેઓએ તથા વડીલોએ એકત્ર થઈને મસલત કરીને તે સિપાઈઓને ઘણાં નાણાં આપીને 13સમજાવ્યું, “તમે એમ કહો કે, અમે ઊંઘતા હતા એટલામાં તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી ગયા. 14અને જો એ વાત હાકેમને કાને પહોંચશે, તો અમે તેમને સમજાવીને તમને બચાવી લઈશું.” 15પછી તેઓએ નાણાં લીધાં, ને તેમને શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું, અને એ વાત યહૂદીઓમાં આજ સુધી ચાલતી આવી છે.
ઈસુ શિષ્યોને દર્શન આપે છે અને આખરી આદેશ આપે છે
(માર્ક ૧૬:૧૪-૧૮; લૂ. ૨૪:૨૬-૨૯; યોહ. ૨૦:૧૯-૨૩; પ્રે.કૃ. ૧:૬-૮)
16પણ અગિયાર શિષ્યો #માથ. ૨૬:૩૨; માર્ક ૧૪:૨૮. ગાલીલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને [જવાનું] કહ્યું હતું, ત્યાં ગયા. 17અને તેઓએ તેમને જોઈને તેમનું ભજન કર્યું. પણ કેટલાકને શંકા આવી. 18અને ઈસુએ ત્યાં આવીને તેઓને ક્હ્યું, “આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. 19એ માટે #પ્રે.કૃ. ૧:૮. તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. 20મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”
Currently Selected:
માથ્થી 28: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.