YouVersion Logo
Search Icon

માથ્થી 2

2
પૂર્વના જ્ઞાનીઓની મુલાકાત
1હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યા, ત્યારે જુઓ, માગીઓએ પૂર્વથી યરુશાલેમમાં આવીને પૂછ્યું, 2“યહૂદીઓના જે રાજા જન્મ્યા છે, તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેમનો તારો જોઈને અમે તેમનું ભજન કરવા આવ્યા છીએ.” 3અને એ સાંભળીને હેરોદે રાજા ગભરાયો, ને તેની સાથે આખું યરુશાલેમ પણ ગભરાયું. 4એટલે તેણે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્‍ત્રીઓને એકત્ર કરીને તેઓને પૂછ્યું, “ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ?” 5ત્યારે તેઓએ તેને કહ્યું, “યહૂદિયાના બેથલેહેમમાં; કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે,
6“ઓ યહૂદિયા દેશના બેથલેહેમ,
# મી. ૫:૨. તું યહૂદિયાના સૂબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી. કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે, જે મારા ઇઝરાયેલી લોકોનો પાળક થશે.” 7ત્યારે હેરોદે તે માગીઓને ખાનગીમાં બોલાવીને, તારો કઈ વેળાએ દેખાયો, તે વિષે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી. 8અને તેણે તેઓને બેથલેહેમમાં મોકલતાં કહ્યું, “તમે જઈને તે બાળક સંબંધી સારી પેઠે શોધ કરો, ને જડ્યા પછી મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેનું ભજન કરું.” 9ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા, ને જુઓ, જે તારો પૂર્વમાં તેઓએ જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો, ને બાળક હતો તે સ્થળ ઉપર આવીને થંભ્યો. 10અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા. 11અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે જોયો, ને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની ઝોળી છોડીને તેને સોના, લોબાન તથા બોળનું નજરાણું કર્યું. 12અને હેરોદ પાસે પાછા જવું નહિ, એમ સ્વપ્નમાં ‍ચેતવણી મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા.
મિસરમાં પ્રયાણ
13અને તેઓના પાછા ગયા પછી જુઓ, પ્રભુના દૂતે સ્વપ્નમાં યૂસફને દર્શન આપીને કહ્યું, “ઊઠ, ને બાળક તથા તેની માને લઈને મિસરમાં નાસી જા, ને હું તને કહું ત્યાં સુધી ત્યાં જ રહે; કેમ કે બાળકને મારી નાખવા માટે હેરોદ તેની‍ શોધ કરવાનો છે.” 14ત્યારે તે ઊઠીને બાળક તથા તેની માને લઈને રાત્રે મિસરમાં ગયો 15અને હેરોદના મૃત્યુ સુધી તે ત્યાં રહ્યો, એ માટે કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય કે, #હો. ૧૧:૧. “મિસરમાંથી મેં મારા દીકરાને બોલાવ્યો.”
બાળકોની હત્યા
16જ્યારે હેરોદને માલૂમ પડયું કે માગીઓએ મને ઠગ્યો ત્યારે તે ઘણો ગુસ્સે થયો, ને [માણસો] મોકલીને જે વેળા સંબંધી તેણે માગીઓની પાસેથી‍ ચોકસાઈથી ખબર મેળવી હતી, તે વેળા પ્રમાણે બે વર્ષનાં તથા તેથી નાનાં જેટલાં બાળકો બેથલેહેમમાં તથા તેની બધી સીમમાં હતાં, તેઓ સર્વને તેણે મારી નંખાવ્‍યાં. 17ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું,
18 # યર્મિ. ૩૧:૧૫. “રડવાનો તથા મોટા વિલાપનો
પોકાર રામામાં સંભળાયો.
એટલે રાહેલ પોતાનાં બાળકો
માટે રડતી,
ને તે દિલાસો પામવાને નહોતી ‍ચાહતી,
કેમ કે તેઓ નથી.”
મિસરમાંથી પાછાં ફરવું
19અને હેરોદના મૃત્યુ પછી, જુઓ, પ્રભુના દૂતે મિસરમાં યૂસફને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, 20“ઊઠ, ને બાળક તથા તેની માને લઈને ઇઝરાયેલ દેશમાં જા; કેમ કે બાળકનો જીવ લેવાની જેઓ શોધ કરતા હતા, તેઓ મરી ગયા છે.” 21ત્યારે તે ઊઠીને બાળક તથા તેની માને લઈને ઇઝરાયલ દેશમાં આવ્યો. 22પણ આર્ખિલાઉસ તેના પિતા હેરોદને સ્થાને યહૂદિયામાં રાજ કરે છે, એ સાંભળીને તે ત્યાં જતાં બીધો. તોપણ સ્વપ્નમાં ચેતવણી પામીને ગાલીલના પ્રાંત તરફ વળ્યો. 23અને તે #યશા. ૧૧:૧. ‘નાઝારી કહેવાશે, ’ એવું પ્રબોધકોનું કહેલું પૂરું થાય તે માટે #માર્ક ૧:૨૪; લૂ. ૨:૩૯; યોહ. ૧:૪૫. તે નાઝરેથ નામના નગરમાં જઈ રહ્યો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in