માથ્થી 14
14
યોહાન બાપ્તિસ્તનો શિરચ્છેદ
(માર્ક ૬:૧૪-૨૯; લૂ. ૯:૭-૯)
1એ અરસામાં હેરોદ રાજાએ ઈસુની કીર્તિ સાંભળીને 2પોતાના ચાકરોને કહ્યું, “આ તો યોહાન બાપ્તિસ્ત છે. તે મૂએલાંમાંથી ઊઠયો છે, માટે જ એવાં પરાક્રમી કામો તેનાથી થાય છે.” 3કેમ કે #લૂ. ૩:૧૯-૨૦. હેરોદે તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો, ને તેને બાંધીને કેદખાનામાં નાખ્યો હતો. 4કારણ યોહાને તેને કહ્યું હતું, #લે. ૧૮:૧૬; ૨૦:૨૧. “તેને તારે રાખવી ઉચિત નથી.” 5અને તે તેને મારી નાખવા ઇચ્છતો હતો, પણ લોકોથી તે બીતો હતો, કેમ કે તેઓ તેને પ્રબોધક માનતા હતા.
6પણ હેરોદની વરસગાંઠ આવી, ત્યારે હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને હેરોદને ખુશ કર્યો. 7ત્યારે તેણે સમ ખાઈને વચન આપ્યું, “જે કંઈ તું માંગે તે હું તને આપીશ.”
8ત્યારે તેની માના સમજાવ્યા પ્રમાણે તે બોલી, “યોહાન બાપ્તિસ્તનું માથું મને કથરોટમાં આપો.” 9અને રાજા દુ:ખી થયો, તોપણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા તેની સાથે ખાવા બેઠેલાઓને લીધે તેણે તે આપવાનો હુકમ કર્યો. 10અને તેણે [માણસોને] મોકલીને યોહાનનું માથું કેદખાનામાં કપાવ્યું. 11પછી કથરોટમાં તેનું માથું લાવીને છોકરીને આપવામાં આવ્યું. અને તે પોતાની માની પાસે તે લઈ ગઈ. 12ત્યાર પછી તેના શિષ્યો આવ્યા અને તેનું મુડદું લઈ જઈને દાટ્યું, ને જઈને ઈસુને ખબર આપી.
ઈસુ પાંચ હજારને જમાડે છે
(માર્ક ૬:૩૦-૪૪; લૂ. ૯:૧૦-૧૭; યોહ. ૬:૧-૧૪)
13એ સાંભળીને ઈસુ ત્યાંથી હોડીમાં ઉજ્જડ જગાએ એકાંતમાં ચાલ્યા ગયા. અને લોકો તે સાંભળીને નગરોમાંથી પગરસ્તે તેમની પાછળ ગયા. 14અને તેમણે નીકળીને ઘણા લોકોને જોયા ત્યારે તેઓ પર તેમને દયા આવી અને તેમણે તેઓમાંનાં માંદાઓને સાજાં કર્યાં.
15અને સાંજ પડી ત્યારે તેમના શિષ્યો તેમની પાસે આવીને કહે છે, “આ સ્થળ ઉજ્જડ છે, ને હવે વખત થઈ ગયો છે. માટે લોકોને વિદાય કરો કે જેથી તેઓ ગામોમાં જઈને પોતાને માટે ખાવાનું વેચાતું લે.” 16પણ ઈસુએ તેઓને કહ્યું, “તેઓને જવાની જરૂર નથી. તમે તેઓને ખાવાનું આપો.” 17અને તેઓએ તેમને કહ્યું, “અહીં અમારી પાસે માત્ર પાંચ રોટલી ને બે માછલી છે.”
18ત્યારે ઈસુએ કહ્યું, “તે અહીં મારી પાસે લાવો.” 19પછી તેમણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી, ને તે પાંચ રોટલી તથા બે માછલી લઈ તેમણે આકાશ તરફ જોઈને આશીર્વાદ માગ્યો, ને રોટલી ભાંગીને શિષ્યોને આપી, ને શિષ્યોએ લોકોને [આપી.] 20અને તેઓ સહુ ખાઈને ધરાયાં. પછી છાંડેલા કકડાઓથી બાર ટોપલી ભરાઈ. 21અને જેઓએ ખાધું તેઓ સ્રીછોકરાં ઉપરાંત આશરે પાંચ હજાર પુરુષ હતા.
ઈસુ પાણી પર ચાલે છે
(માર્ક ૬:૪૫-૫૨; યોહ. ૬:૧૫-૨૧)
22અને તરત તેમણે શિષ્યોને આગ્રહ કરીને હોડીમાં બેસાડ્યા, ને તેઓને પોતાની આગળ સામે પાર મોકલ્યા, એ માટે કે તે પોતે લોકોને વિદાય કરે. 23અને લોકોને વિદાય કર્યા પછી તે પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતે ગયા, અને સાંજ પડી ત્યારે તે હજી એકલા હતા. 24પણ તે વખતે હોડી સમુદ્ર મધ્યે મોજાંઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો. 25અને રાતના ચોથે પહોરે તે સમુદ્ર પર ચાલતા શિષ્યોની પાસે આવ્યા. 26અને તેઓએ તેમને સમુદ્ર પર ચાલતા જોયા, ત્યારે તેઓએ ગભરાઈ જઈને કહ્યું, “એ તો કોઈ દુષ્ટાત્મા છે, ” અને બીકથી તેઓએ બૂમ પાડી. 27પણ તરત ઈસુએ તેઓને કહ્યું, “હિમ્મત રાખો, એ તો હું છું, બીહો નહિ. ” 28ત્યારે પિતરે તેમને ઉત્તર આપ્યો, “પ્રભુ, એ જો તમે હો, તો મને આજ્ઞા આપો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું.” 29અને તેમણે કહ્યું, “આવ.” ત્યારે પિતર હોડી પરથી ઊતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. 30પણ પવન જોઈને તે બીધો, ને ડૂબવા લાગ્યો. તેથી તેણે બૂમ પાડી, “ઓ પ્રભુ, મને બચાવો.” 31અને ઈસુએ હાથ લાંબો કરીને તેને પકડી લીધો, ને તેને કહે છે, “અરે અલ્પવિશ્વાસી, તેં સંદેહ કેમ આણ્યો?” 32અને તેઓ હોડીમાં ચઢ્યા એટલે પવન બંધ પડ્યો. 33અને હોડીમાં જેઓ હતા તેઓએ તેમને પગે લાગીને કહ્યું, ખચીત તમે ઈશ્વરના દીકરા છો.”
ઈસુ ગન્નેસારેતમાં માંદાંને સાંજાં કરે છે
(માર્ક ૬:૫૩-૫૬)
34અને તેઓ પાર ઊતરીને ગન્નેસારેત દેશમાં આવ્યા. 35અને જ્યારે તે જગાના લોકોએ તેમને ઓળખ્યા, ત્યારે તેઓએ તે આખા દેશમાં ચોતરફ [માણસો] મોકલીને બધાં માંદાંઓને તેમની પાસે આણ્યાં. 36અને તેઓએ તેમને વિનંતી કરી કે, માત્ર તમારાં વસ્ત્રની કોરને જ તમે અમને અડકવા દો, અને જેટલા અડક્યા તેટલા સાજા થયા.
Currently Selected:
માથ્થી 14: GUJOVBSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.