લૂક 6
6
વિશ્રામવાર વિષે પ્રશ્ન
(માથ. ૧૨:૧-૮; માર્ક ૨:૨૩-૨૮)
1એક વિશ્રામવારને દિવસે તે ખેતરમાં થઈને જતા હતા ત્યારે તેમના શિષ્યો #પુન. ૨૩:૨૫. કણસલા તોડતા હતા, અને હાથે મસળીને ખાતા હતા. 2પણ ફરોશીઓમાંના કેટલાંકે પૂછ્યું, “વિશ્રામવારે જે કરવું ઉચિત નથી તે તમે કેમ કરો છો?” 3ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, #૧ શમુ. ૨૧:૧-૬. “દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેણે જે કર્યું તે શું તમે વાંચ્યું નથી? 4તેણે ઈશ્વરના મંદિરમાં જઈને જે અર્પેલી રોટલી #લે. ૨૪:૯. યાજક સિવાય બીજા કોઈને ખાવી ઉચિત નથી તે લઈને ખાધી, અને પોતાના સાથીઓને પણ આપી.” 5વળી તેમણે તેઓને કહ્યું, “માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.”
સુકાઈ ગયેલા હાથવાળો માણસ
(માથ. ૧૨:૯-૧૪; માર્ક ૩:૧-૬)
6એક બીજે, વિશ્રામવારે તે સભાસ્થાનમાં જઈને બોધ કરતા હતા. ત્યારે એક માણસ ત્યાં હતો કે જેનો જમણો હાથ સુકાઈ ગયેલો હતો. 7વિશ્રામવારે તે કોઈને સાજો કરશે કે નહિ, તે વિષે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ તાકી રહ્યા હતા, એ માટે કે તેમના પર દોષ મૂકવાને તેઓને નિમિત્ત મળે. 8પણ તેઓના વિચારો જાણી લઈને જે માણસનો હાથ સુકાઈ ગયેલો હતો તેને તેમણે કહ્યું, “ઊઠીને વચમાં ઊભો રહે.” એટલે તે ઊઠીને વચમાં ઊભો રહ્યો. 9પછી ઈસુએ તેઓને કહ્યું, “હું તમને પૂછું છું કે, વિશ્રામવારે સારું કરવું કે માઠું કરવું? જીવને બચાવવો કે તેનો નાશ કરવો? એ બેમાંથી ક્યું ઉચિત છે?” 10પછી તેમણે ચોતરફ નજર ફેરવીને તે માણસને કહ્યું, “તારો હાથ લાંબો કર.” તેણે તેમ કર્યું, એટલે તેનો હાથ સાજો થયો. 11પણ તેઓ બાવરા બની ગયા; અને એકબીજાને કહેવા લાગ્યા, “ઈસુ વિષે આપણે શું કરીએ?”
બાર પ્રેરિતોની પસંદગી
(માથ. ૧૦:૧-૪; માર્ક ૩:૧૩-૧૯)
12તે દિવસોમાં તે ઘેરથી નીકળીને [કોઈ એક] પહાડ પર પ્રાર્થના કરવા ગયા અને તેમણે ઈશ્વરની પ્રાર્થનામાં આખી રાત કાઢી. 13દિવસ ઊગ્યો ત્યારે તેમણે પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંથી બારને પસંદ કર્યા. તેઓને તેમણે પ્રેરિતો પણ કહ્યા. 14એટલે, સિમોન જેનું નામ તેમણે પિતર પણ પાડયું તેને તથા તેના ભાઈ આન્દ્રિયાને, યાકૂબને તથા યોહાનને, ફિલિપને તથા બર્થોલ્મીને, 15માથ્થીને તથા થોમાને, અલ્ફીના [દીકરા] યાકૂબને તથા સિમોન, જેને ઝેલોતસ કહેતા હતા તેને, 16યાકૂબના [ભાઈ] યહૂદાને, યહૂદા ઇશ્કરિઓત જે વિશ્વાસઘાતી હતો તેને.
શિક્ષણ અને સાજાપણું
(માથ. ૪:૨૩-૨૫)
17તે તેઓની સાથે [પહાડ પરથી] ઊતરીને મેદાનમાં ઊભા રહ્યા, તેમના શિષ્યોનો મોટો જથો તથા આખા યહૂદિયામાંના તથા યરુશાલેમમાંના, અને તૂર તથા સિદોનના કાંઠાના લોકોનો મોટો સમુદાય [ત્યાં હતો] , તેઓ તેમની વાત સાંભળવા તથા પોતાના રોગથી સાજા થવા માટે આવ્યા હતા. 18અને જેઓ અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા તેઓને સાજા કરવામાં આવ્યા. 19સર્વ લોકો તેમનો સ્પર્શ કરવાને કોશિશ કરતા હતા, કેમ કે તેમનામાંથી પરાક્રમ નીકળીને સર્વને સાજાં કરતું હતું.
ધન્યતાઓ
(માથ. ૫:૧-૧૨)
20તેમણે પોતાના શિષ્યો તરફ પોતાની નજર ઊંચી કરીને કહ્યું, “ઓ દરિદ્રીઓ, તમને ધન્ય છે: કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારું છે.
21ઓ હમણાંના ભૂખ્યાઓ,
તમને ધન્ય છે:
કેમ કે તમે તૃપ્ત થશો,
ઓ હમણાંના રડનારાઓ,
તમને ધન્ય છે:
કેમ કે તમે હસશો.
22 #
૧ પિત. ૪:૧૪. જ્યારે માણસના દીકરાને લીધે માણસો તમારો દ્વેષ કરશે, તમારો બહિષ્કાર કરશે, તમને મહેણાં મારશે, અને તમારું નામ દુષ્ટ ગણીને કાઢી નાખશે, ત્યારે તમને ધન્ય છે. 23તે દિવસે આનંદ કરો, ને [ખુશાલીમાં] કૂદો:કેમ કે જુઓ, આકાશમાં તમારું ફળ ઘણું છે. કેમ કે #૨ કાળ. ૩૬:૧૬; પ્રે.કૃ. ૭:૫૨. તેઓના બાપદાદાઓ પ્રબોધકોની પ્રત્યે એમ જ વર્ત્યા.
24પણ તમ શ્રીમંતોને અફસોસ છે!
કેમ કે તમે તમારો દિલાસો
પામી ચૂક્યા છો.
25ઓ હમણાંના ધરાયેલાઓ
તમને અફસોસ છે!
કેમ કે તમે ભૂખ્યા થશો.
ઓ હમણાંના હસનારાઓ,
તમને અફસોસ છે!
કેમ કે તમે શોક કરશો ને રડશો.
26જ્યારે સર્વ માણસો તમારું સારું બોલશે ત્યારે તમને અફસોસ છે! કેમ કે તેઓના બાપદાદાઓ જૂઠા પ્રબોધકો પ્રત્યે તેમ જ વર્ત્યા.
દુશ્મનો પ્રત્યે પ્રેમ
(માથ. ૫:૩૮-૪૮; ૭:૧૨)
27પણ હું તમ સાંભળનારાઓને કહું છું કે, તમારા વૈરીઓ પર પ્રેમ કરો, જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું ભલું કરો. 28જેઓ તમને શાપ આપે છે તેઓને આશીર્વાદ આપો, જેઓ તમારું અપમાન કરે છે તેઓને માટે પ્રાર્થના કરો. 29જે કોઈ તને એક ગાલ પર તમાચો મારે, તેની આગળ બીજો પણ ધર. વળી જે તારો ડગલો લઈ લે, તેનાથી તારું પહેરણ પણ પાછું રાખતો ના. 30જે કોઈ તારી પાસે કંઈ માગે, તેને તે આપ; અને જે કોઈ તારો માલ લઈ જાય તેની પાસેથી તું પાછો માગીશ નહિ. 31અને #માથ. ૭:૧૨. જેમ તમે ચાહો છો કે માણસો તમારા પ્રત્યે વર્તે તેમ જ તમે પણ તેઓ પ્રત્યે વર્તો.
32તમારા પર જેઓ પ્રેમ રાખે છે તેઓના પર જો તમે પ્રેમ રાખો, તો તેમાં તમારી મહેરબાની શાની? કેમ કે પાપીઓ પણ તેમના પર પ્રેમ રાખનારા પર પ્રેમ રાખે છે. 33જેઓ તમારું ભલું કરે છે તેઓનું ભલું જો તમે કરો, તો તેમાં તમારી મહેરબાની શાની? કેમ કે પાપીઓ પણ એમ જ કરે છે. 34વળી જેઓની પાસેથી તમે પાછું લેવાની આશા રાખો છો, તેઓને જો તમે ઉછીનું આપો, તો તેમાં તમારી મહેરબાની શાની? કેમ કે પાછું લેવા માટે પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે. 35પણ તમે તમારા વૈરીઓ પર પ્રેમ રાખો, તેઓનું ભલું કરો, ને કચવાયા વગર ઉછીનું આપો; એથી તમને ઘણું પ્રતિફળ મળશે, અને તમે સર્વોચ્ચ ઈશ્વરના દીકરાઓ થશો; કેમ કે અનુપકારીઓ પર તથા ભૂંડાઓ પર તે માયાળુ છે. 36માટે જેવા તમારા પિતા દયાળુ છે, તેવા તમે દયાળુ થાઓ.
બીજાંઓનો ન્યાય ન કરો
(માથ. ૭:૧-૫)
37કોઈનો ઇનસાફ ન કરો, એટલે તમારો ઇનસાફ કરવામાં નહિ આવે. કોઈને દોષિત ન ઠરાવો, અને તમને કોઈ દોષિત નહિ ઠરાવશે. છોડો ને તમને છોડવામાં આવશે. 38આપો ને તમને અપાશે; સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઊભરાતું તમારા ખોળામાં તેઓ [ઠાલવી] દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી આપવામાં આવશે.”
39તેમણે તેઓને એક દ્દષ્ટાંત પણ કહ્યું, #માથ. ૧૫:૧૪. “શું આંધળો આંધળાને દોરી શકે? શું બન્ને ખાડામાં નહિ પડે? 40#માથ. ૧૦:૨૪-૨૫; યોહ. ૧૩:૧૬; ૧૫:૨૦. શિષ્ય પોતાના ગુરુ કરતાં મોટો નથી, પણ પ્રત્યેક જન સંપૂર્ણ રીતે કેળવાયા પછી પોતાના ગુરુ સરખો થશે. 41તારી પોતાની આંખમાંનો ભારોટિયો ધ્યાનમાં લીધા વિના તારા ભાઈની આંખમાંનું તણખલું કેમ જુએ છે? 42અથવા તારી પોતાની આંખમાંનો ભારોટિયો ન જોતાં તું તારા ભાઈને કેમ કહી શકે કે, ‘ભાઈ, તારી આંખમાંથી મને તણખલું કાઢવા દે?’ ઓ ઢોંગી, તું પહેલાં પોતાની આંખમાંથી ભારોટિયો કાઢ, અને ત્યાર પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાને તને સારી રીતે સૂઝશે.
જેવું ઝાડ તેવું ફળ
(માથ. ૭:૧૬-૨૦; ૧૨:૩૩-૩૫)
43કેમ કે કોઈ સારા ઝાડને ખરાબ ફળ આવતું નથી; વળી ખરાબ ઝાડને સારું ફળ આવતું નથી. 44#માથ. ૧૨:૩૩. હરેક ઝાડ પોતાનાં ફળથી ઓળખાય છે; કેમ કે કાંટાના ઝાડ પરથી લોક અંજીર વીણતા નથી, અને ઝાંખરા પરથી દ્રાક્ષા વીણતા નથી. 45સારું માણસ પોતાના મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે; અને ભૂંડું માણસ પોતાના મનના ભૂંડા ભંડારમાંથી ભૂંડું કાઢે છે: કારણ કે #માથ. ૧૨:૩૪. મનના ભરપૂરપણામાંથી તેનું મોં બોલે છે.
ઘર બાંધનારા બે માણસ
(માથ. ૭:૨૪-૨૭)
46તમે મને ‘પ્રભુ, પ્રભુ, ‘કેમ કહો છો, અને હું જે કહું છું તે કરતા નથી? 47દરેક જે મારી પાસે આવે છે, અને મારી વાતો સાંભળે છે તથા પાળે છે, તે કોના જેવો છે, એ હું તમને બતાવીશ: 48તે એક ઘર બાંધનાર માણસના જેવો છે, જેણે ઊંડું ખોદીને ખડક પર પાયો નાખ્યો. જ્યારે રેલ આવી, ત્યારે તે ઘરને નદીનો સપાટો લાગ્યો. પણ તે તેને હલાવી ન શક્યો. કેમ કે તે સારી રીતે બાંધેલું હતું. 49પણ [મારી વાતો] જે સાંભળીને પાળતો નથી તે એક માણસના જેવો છે, જેણે પાયો નાખ્યા વિના ભોંય પર ઘર બાંધ્યું. તેને નદીનો સપાટો લાગ્યો, એટલે તે તરત પડી ગયું; અને તે ઘરનો સમૂળગો નાશ થયો.”
Currently Selected:
લૂક 6: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.