લૂક 5
5
પ્રથમ શિષ્યોને તેડું
(માથ. ૪:૧૮-૨૨; માર્ક ૧:૧૬-૨૦)
1હવે #માથ. ૧૩:૧-૨; માર્ક ૩:૯-૧૦; ૪:૧. ઘણા લોકો તેમના પર પડાપડી કરીને ઈશ્વરની વાત સાંભળતા હતા, ત્યારે તે ગન્નેસરેતના સરોવરને કાંઠે ઊભા રહ્યા હતા. 2તેમણે સરોવરના કાંઠે લાંગરેલી બે હોડી જોઈ, પણ માછીઓ તેઓ પરથી ઊતરીને જાળો ધોતા હતા. 3તે હોડીઓમાંની એક સિમોનની હતી, તેના પર તે ચઢયા, ને તેને કાંઠાથી થોડે દૂર હંકારવાનું કહ્યું. તેમણે તેમાં બેસીને લોકોને બોધ કર્યો. 4બોધ કરી રહ્યા પછી તેમણે સિમોનને કહ્યું, “ઊંડા પાણીમાં હંકારીને [માછલાં] પકડવા માટે તમારી જાળો નાખો.” 5સિમોને તેમને ઉત્તર આપ્યો, “સ્વામી, #યોહ. ૨૧:૩. અમે આખી રાત મહેનત કરી, પણ કશું પકડયું નહિ. તોપણ તમારા કહેવાથી હું જાળો નાખીશ.” 6એમ કર્યા પછી #યોહ. ૨૧:૬. તેઓએ માછલાંનો મોટો જથો ઘેરી લીધો, એટલે સુધી કે તેઓની જાળ ફાટવા લાગી. 7તેઓના ભાગિયા બીજી હોડીમાં હતા તેઓને તેઓએ ઇશારો કર્યો કે, તેઓ આવીને તેઓને સહાય કરે. તેઓએ આવીને બન્ને હોડીઓને એવી ભરી કે તેઓ ડૂબવા લાગી. 8તે જોઈને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કહ્યું, “ઓ પ્રભુ, મારી પાસેથી જાઓ; કારણ કે હું પાપી માણસ છું.” 9કેમ કે માછલાંનો જે જથો પકડાયો હતો, તેથી તે તથા તેના સર્વ સાથીઓ નવાઈ પામ્યા. 10ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન, જેઓ સિમોનના ભાગિયા હતા, તેઓને પણ નવાઈ લાગી. ઈસુએ સિમોનને કહ્યું, “ગભરાઈશ નહિ, હવેથી તું માણસો પકડનાર થશે.” 11હોડીઓને કાંઠે લાવ્યા પછી તેઓ બધું મૂકીને તેમની પાછળ ચાલ્યા.
રક્તપિત્તિયો શુદ્ધ કરાયો
(માથ. ૮:૧-૪; માર્ક ૧:૪૦-૪૫)
12તે એક શહેરમાં હતા, ત્યારે જુઓ, એક રક્તપિત્તિયો માણસ ત્યાં હતો, તે ઈસુને જોઈને તેમને પગે પડ્યો, અને તેમને વિનંતી કરી, “હે પ્રભુ, જો તમે ચાહો તો તમે મને શુદ્ધ કરી શકો છો.” 13તેમણે હાથ લાંબો કર્યો, અને તેને અડકીને કહ્યું, “હું ચાહું છું, તું શુદ્ધ થા.” અને તરત તેનું રક્તપિત્ત જતું રહ્યું. 14તેમણે તેને તાકીદ કરી, “તારે આ વિષે કોઈને કહેવું નહિ. પણ તું જઈને યાજકને [તારું શરીર] બતાવ, અને #લે. ૧૪:૧-૩૨. મૂસાના ફરમાવ્યા પ્રમાણે તારા શુદ્ધીકરણને લીધે, તેઓને માટે સાક્ષી તરીકે, અર્પણ ચઢાવ.” 15પણ [ઈસુ] સંબંધીની ચર્ચા ઊલટી વધારે ફેલાઈ ગઈ. અને ઘણાં લોકો સાંભળવા માટે તથા પોતાના મંદવાડથી સાજા થવા માટે તેમની પાસે એકત્ર થયા. 16પણ પોતે એકાંતે રાનમાં જઈને પ્રાર્થના કરતા.
એક પક્ષઘાતીને સાજાપણું
(માથ. ૯:૧-૮; માર્ક ૨:૧-૧૨)
17એક દિવસ તે બોધ કરતા હતા ત્યારે ગાલીલના પ્રત્યેક ગામમાંથી, યહૂદિયાથી તથા યરુશાલેમથી આવીને ફરોશીઓ તથા નિયમોપદેશકો ત્યાં બેઠા હતા. અને [માંદા માણસોને] સાજા કરવા માટે પ્રભુનું પરાક્રમ તેમની પાસે હતું. 18જુઓ, કેટલાક જણ એક પક્ષઘાતી માણસને ખાટલા પર લાવ્યા. તેને અંદર લઈ જઈને તેમની આગળ મૂકવાનો તેઓએ પ્રયત્ન કર્યો. 19પણ ભીડને લીધે તેને અંદર લઈ જવાનો લાગ ન મળ્યાથી તેઓએ ધાબા પર ચઢીને છાપરામાં થઈને તેને ખાટલા સહિત ઈસુની આગળ વચ્ચે ઉતાર્યો. 20ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને તેને કહ્યું, “હે માણસ, તારાં પાપ તને માફ થયાં છે.”
21[તે સાંભળીને] શાસ્ત્રીઓ તથા ફરોશીઓ અંદરોઅંદર વિચાર કરીને કહેવા લાગ્યા, “આ દુર્ભાષણ કરનાર કોણ છે? એકલા ઈશ્વર સિવાય બીજો કોણ પાપની માફી આપી શકે?” 22પણ ઈસુએ તેઓના વિચાર જાણી લઈને તેઓને કહ્યું, “તમે તમારા મનમાં શા તર્કવિતર્ક કરો છો? 23તારાં પાપ તને માફ થયાં છે, એમ કહેવું; અથવા ઊઠીને ચાલ, એમ કહેવું; એ બેમાંથી વધારે સહેલું ક્યું છે? 24પણ પૃથ્વી પર માણસના દીકરાને પાપ માફ કરવાનો અધિકાર છે, એ તમે જાણો માટે (તેમણે પક્ષઘાતીને કહ્યું કે, ) ‘હું તને કહું છું કે, ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘેર ચાલ્યો જા’” 25તરત તે તેઓની આગળ ઊઠીને જે પર તે સૂતો હતો તે તરત ઊંચકીને ઈશ્વરની સ્તુતિ કરતો કરતો પોતાને ઘેર ગયો. 26એથી સર્વ વિસ્મિત થયા, અને તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી. તેઓએ ભયભીત થઈને કહ્યું “આજ આપણે અજાયબ જેવી વાતો જોઈ છે.”
લેવીને તેડું
(માથ. ૯:૯-૧૩; માર્ક ૨:૧૩-૧૭)
27તે પછી તે ત્યાંથી નીકળ્યો, ને લેવી નામે એક જકાતદારને જકાતની ચોકી પર બેઠેલો જોઈને તેમણે કહ્યું, “મારી પાછળ ચાલ.” 28તે બધું મૂકીને ઊઠયો ને તેમની પાછળ ગયો. 29લેવીએ પોતાને ઘેર તેમને માટે મોટી મિજબાની કરી, અને જકાતદારો તથા બીજા ઘણા માણસો તેઓની સાથે જમવા બેઠા હતા. 30#લૂ. ૧૫:૧-૨. ફરોશીઓએ તથા તેઓના શાસ્ત્રીઓએ તેમના શિષ્યોની વિરુદ્ધ કચકચ કરીને કહ્યું, “તમે જકાતદારો તથા પાપીઓની સાથે કેમ ખાઓ પીઓ છો?” 31ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “જેઓ સાજાં છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ માંદાં છે તેઓને છે, 32ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવાને માટે બોલાવવા હું આવ્યો છું.”
ઉપવાસ વિષે પ્રશ્ન
(માથ. ૯:૧૪-૧૭; માર્ક ૨:૧૮-૨૨)
33તેઓએ તેમને કહ્યું, યોહાનના શિષ્યો તેમ જ ફરોશીઓના શિષ્યો પણ વારંવાર ઉપવાસ તથા પ્રાર્થના કરે છે. પણ તમારા શિષ્યો તો ખાયપીએ છે.” 34ઈસુએ તેઓને કહ્યું, “વર જાનૈયાઓની સાથે હોય ત્યાં સુધી તેઓની પાસે તમે ઉપવાસ કરાવી શકો શું? 35પણ એવા દિવસ તો આવશે. વર તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તે સમયે તેઓ ઉપવાસ કરશે.” 36તેમણે તેઓને એક દ્દષ્ટાંત પણ કહ્યું, “નવા કપડાંમાંથી કટકો ફાડીને કોઈ માણસ જૂના વસ્ત્રને થીંગડું મારતું નથી. જો તે મારે તો તે નવું ફાડી નાખશે, અને વળી નવામાંથી લીધેલું થીંગડું જૂનાને મળતું નહિ આવશે. 37વળી નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી. જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખે, અને પોતે ઢળી જશે, ને મશકોનો નાશ થશે. 38પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવો જોઈએ. 39વળી જૂનો દ્રાક્ષારસ પીધા પછી કોઈ નવો પીવા માગતો નથી, કેમ કે તે કહે છે કે, જૂનો સારો છે.”
Currently Selected:
લૂક 5: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.