લૂક 1
1
પ્રસ્તાવના
1આરંભથી જેઓ નજરે જોનારા તથા વચનના સેવકો હતા, તેમણે આપણને કહ્યું છે તે પ્રમાણે, 2આપણામાં બની ગયેલા બનાવોનું વર્ણન કરવાને ઘણાએ હાથમાં લીધું છે. 3માટે, ઓ નેકનામદાર થિયોફિલ, મેં પણ શરૂઆતથી બધી વાતોની શોધ ચોકસાઈથી કરીને તમારા પર વિગતવાર લખવાનો ઠરાવ કર્યો; 4એ માટે કે જે વાતો તમને શીખવવામાં આવી છે, તેઓની સત્યતા તમે જાણો.
યોહાન બાપ્તિસ્તના જન્મની આગાહી
5યહૂદિયાના રાજા હેરોદની કારકિર્દીમાં #૧ કાળ. ૨૪:૧૦. અબિયાના વર્ગમાંનો ઝખાર્યા નામે એક યાજક હતો. તેની પત્ની હારુનની દીકરીઓમાંની હતી, ને તેનું નામ એલિસાબેત હતું. 6તેઓ બન્ને ઈશ્વરની આગળ ન્યાયી હતાં, ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતાં હતાં. 7તેઓને સંતાન નહોતું, કારણ કે એલિસાબેત નિસંતાન હતી; અને તેઓ બન્ને ઘણાં ઘરડાં હતાં.
8હવે તે પોતાના વર્ગના વારા પ્રમાણે યાજકનું કામ ઈશ્વરની આગળ કરતો હતો, 9એવામાં યાજકપદના રિવાજ પ્રમાણે પ્રભુના મંદિરમાં જઈને ધૂપ ચઢાવવાનો તેનો વારો આવ્યો. 10ધૂપ કરતી વેળાએ લોકોની આખી સભા બહાર પ્રાર્થના કરતી હતી. 11એવામાં ધૂપવેદીની જમણી બાજુએ પ્રભુનો એક દૂત ઊભેલો તેને દેખાયો. 12તેને જોઈને ઝખાર્યા ગભરાઈ ગયો, અને તેને બીક લાગી. 13પણ દૂતે તેને કહ્યું, “ગભરાઈશ નહિ ઝખાર્યા, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે, ને તારી પત્ની એલિસાબેતને દીકરો થશે. તેનું નામ તું યોહાન પાડશે. 14તને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે, ને તેના જન્મને લીધે ઘણાં હરખાશે 15કેમ કે તે પ્રભુની આગળ મોટો થશે, ને #ગણ. ૬:૩. દ્રાક્ષારસ કે દારૂ તે પીશે નહિ. તે પોતાની માના પેટથી પવિત્ર આત્માએ ભરપૂર હશે. 16તે ઇઝરાયલના ઘણા વંશજોને તેઓના ઈશ્વર પ્રભુ તરફ ફેરવશે. 17તે #માલ. ૪:૫-૬. એલિયાના આત્માએ તથા પરાક્રમે પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તે પિતાઓનાં મન છોકરાં તરફ તથા ન માનનારાઓને ન્યાયીઓના જ્ઞાન પ્રમાણે [ચાલવાને] ફેરવે, અને પ્રભુને માટે સિદ્ધ થયેલી પ્રજા તૈયાર કરે.”
18ઝખાર્યાએ દૂતને પૂછ્યું, “એ મને શાથી જણાય? કેમ કે હું ઘરડો છું, ને મારી પત્ની ઘણાં વરસની થઈ છે.” 19દૂતે તેને ઉત્તર આપ્યો, “ઈશ્વરની આગળ ઊભો રહેનાર #દા. ૮:૧૬; ૯:૨૧. ગાબ્રીએલ હું છું. અને તારી સાથે બોલવા તથા તને આ શુભ સંદેશો કહેવા માટે મને મોકલવામાં આવ્યો છે. 20અને જો, એ વાત બનશે તે દિવસ સુધી તું મૂંગો રહેશે ને બોલી શકશે નહિ, કેમ કે મારી વાતો જે ઠરાવેલે સમયે પૂરી થશે તેઓનો વિશ્વાસ તેં કર્યો નહિ.”
21લોકો ઝખાર્યાની રાહ જોતા હતા, ને તેને મંદિરમાં વાર લાગી, એથી તેમને નવાઈ લાગતી હતી. 22તે બહાર આવ્યો ત્યારે તેઓની સાથે તે બોલી શક્યો નહિ. મંદિરમાં તેને કંઈ દર્શન થયું હશે એવું તેઓ સમજ્યા. તે તેઓને ઇશારો કરતો હતો, ને મૂંગો રહ્યો. 23તેના સેવા કરવાના દિવસો પૂરા થયા પછી તે પોતાને ઘેર ગયો.
24તે દિવસો પછી તેની પત્ની એલિસાબેતને ગર્ભ રહ્યો; અને પાંચ મહિના સુધી તે ગુપ્ત રહી, ને કહ્યું, 25માણસોમાં મારું મહેણું ટાળવા માટે મારા પર પ્રભુએ પોતાની [કૃપા] દષ્ટિ કરવાના સમયમાં મને આવું કર્યું છે.”
ઈસુના જન્મની જાહેરાત
26છઠ્ઠે મહિને ગાબ્રીએલ દૂતને નાસરેથ નામે ગાલીલના એક શહેરમાં એક કુમારિકાની પાસે ઈશ્વર તરફથી મોકલવામાં આવ્યો. 27#માથ. ૧:૧૮. દાઉદના વંશના, યૂસફ નામે, એક પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી; તે કુમારિકાનું નામ મરિયમ હતું. 28દૂતે તેની પાસે આવીને કહ્યું, “હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે.”
29પણ એ વાત સાંભળીને તે ઘણી ગભરાઈ ને વિચાર કરવા લાગી, “આ તે કઈ જાતની સલામ હશે!” 30દૂતે તેને કહ્યું, “હે મરિયમ, ગભરાઈશ નહિ! કેમ કે તું ઈશ્વરથી કૃપા પામી છે. 31જો, તને ગર્ભ રહેશે, ને દીકરો થશે, ને #માથ. ૧:૨૧. તું તેનું નામ ઈસુ પાડશે. 32તે મોટો થશે, ને પરાત્પરનો દીકરો કહેવાશે; અને પ્રભુ પરમેશ્વર તેને #૨ રા. ૭:૧૨,૧૩,૧૬; યશા. ૯:૭. તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે. 33તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે, ને તેના રાજ્યનો અંત આવશે નહિ.”
34મરિયમે દૂતને કહ્યું, “એ કેમ કરીને થશે? કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી.” 35દૂતે તેને ઉત્તર આપ્યો, “પવિત્ર આત્મા તારા પર આવશે, ને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદાન કરશે; માટે જે [તારાથી] જનમશે તે પવિત્ર, ઈશ્વરનો દીકરો, કહેવાશે 36જો, તારી સગી એલિસાબેતે પણ ઘડપણમાં દીકરાનો ગર્ભ ધર્યો છે. અને જે વાંઝણી કહેવાતી હતી, તેને આ છઠ્ઠો મહિનો જાય છે. 37કેમ કે #ઉત. ૧૮:૧૪. ઈશ્વર પાસેથી [આવેલું] કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહિ થશે.” 38મરિયમે તેને કહ્યું, “જુઓ, હું પ્રભુની દાસી છું; તમારા કહ્યા પ્રમાણે મને થાઓ.” ત્યારે દૂત તેની પાસેથી ગયો.
મરિયમ એલિસાબેતને મળવા જાય છે
39તે દિવસોમાં મરિયમ ઊઠીને પહાડી પ્રદેશમાં યહૂદિયાના એક શહેરમાં ઉતાવળથી ગઈ. 40તેણે ઝખાર્યાને ઘેર જઈને એલિસાબેતને સલામ કહી. 41એલિસાબેતે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું; અને એલિસાબેતે પવિત્ર આત્માથી ભરપૂર થઈને 42મોટા સ્વરે કહ્યું, “સ્ત્રીઓમાં તને ધન્ય છે, ને તારા પેટના ફળને ધન્ય છે! 43એ [કૃપા] મને ક્યાંથી કે, મારા પ્રભુની મા મારી પાસે આવે છે? 44કેમ કે જો તારી સલામનો અવાજ મારા કાને પડતાં બાળક મારા પેટમાં આનંદથી કૂદ્યું. 45જેણે વિશ્વાસ કર્યો તેને ધન્ય છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂરી થશે.”
મરિયમનું સ્તુતિગાન
46મરિયમે કહ્યું,
#
૧ રા. ૨:૧-૧૦. “મારો જીવ પ્રભુને મોટો માને છે,
47અને ઈશ્વર મારા તારનારમાં
મારો આત્મા આનંદ પામ્યો છે.
48કારણ કે તેમણે પોતાની દાસીની
દીનાવસ્થા પર દષ્ટિ કરી છે;
કેમ કે, જો હવેથી બધી પેઢીઓ
મને ધન્ય કહેશે.
49કેમ કે, પરાક્રમીએ મારે માટે
મહાન કૃત્યો કર્યાં છે;
તેમનું નામ પવિત્ર છે.
50જેઓ તેમનું ભય રાખે છે તેઓ પર પેઢી
દરપેઢી તેમની દયા રહે છે.
51તેમણે પોતાના હાથે બળ દેખાડ્યું છે;
અને ગર્વિષ્ડોને તેઓનાં હ્રદયની
કલ્પનામાં તેમણે વિખેરી નાખ્યા છે.
52તેમણે સરદારોને રાજ્યાસન પરથી
ઉતારી નાખ્યા છે,
અને તેમણે દીન જનોને ઊંચા કર્યા છે.
53અને તેમણે ભૂખ્યાંઓને સારાં વાનાંથી
તૃપ્ત કર્યાં છે;
અને શ્રીમંતોને ખાલી હાથે
પાછા કાઢ્યા છે.
54આપણા બાપદાદાઓને
તેમના કહ્યા પ્રમાણે,
#
ઉત. ૧૭:૭. ઇબ્રાહિમ પર તથા તેના વંશ પર
55સદા દયા રાખવાનું સંભારીને,
તેમણે પોતાના સેવક
ઇઝરાયલને સહાય કરી.”
56મરિયમ આશરે ત્રણ મહિના સુધી તેની સાથે રહી, ને પછી પોતાને ઘેર ગઈ.
યોહાન બાપ્તિસ્તનો જન્મ
57હવે એલિસાબેતના દિવસ પૂરા થયા, એટલે તેને દીકરો થયો. 58તેના પાડોશીઓએ તથા સગાંઓએ સાંભળ્યું કે, પ્રભુએ તેના પર મોટી દયા કરી છે, ત્યારે તેઓ તેની સાથે હર્ષ પામ્યાં. 59#લે. ૧૨:૩. આઠમે દિવસે તેઓ છોકરાંની સુન્નત કરવા આવ્યાં, ત્યારે તેઓ તેના પિતાના નામ ઉપરથી તેનું નામ ઝખાર્યા પાડત. 60પણ તેની માએ તેઓને કહ્યું, “એમ નહિ; પણ તેનું નામ યોહાન પાડવું.” 61તેઓએ તેને કહ્યું, “તારા સગાંમાંના કોઈનું એવું નામ પાડેલું નથી.” 62તેઓએ ઇશારો કરીને તેના પિતાને પૂછ્યું, “તું તેનું નામ શું પાડવા ચાહે છે?” 63ત્યારે તેણે પાટી માગીને તેના પર લખ્યું, “તેનું નામ યોહાન છે.” 64એથી તેઓ સર્વ નવાઈ પામ્યા. તરત તેનું મોં ઊઘડી ગયું, ને તેની જીભ [છૂટી થઈ] , ને તે ઈશ્વરની સ્તુતિ કરતો બોલવા લાગ્યો. 65તેઓની આસપાસના સર્વ રહેવાસીઓને બીક લાગી, ને યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાં એ સર્વ વાતોની ચર્ચા ચાલી. 66વળી જેઓએ તે વાતો સાંભળી તે બધાએ તે પોતાના મનમાં રાખીને કહ્યું, “ત્યારે આ છોકરો કેવો થશે?” કેમ કે પ્રભુનો હાથ તેના પર હતો.
ઝખાર્યાનું ભવિષ્યકથન
67તેના પિતા ઝખાર્યાએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એવો પ્રબોધ કર્યો:
68“ઇઝરાયલના ઈશ્વર પ્રભુ
સ્તુતિમાન થાઓ;
કેમ કે તેમણે પોતાના લોકોની મુલાકાત
લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે.
69જગતના આરંભથી થતા આવેલા
પવિત્ર પ્રબોધકોનાં મોંથી
તેમણે જે કહ્યું હતું તે પ્રમાણે,
70તેમણે પોતાના સેવક દાઉદના કુળમાં,
આપણે માટે તારણનું શિંગ
ઊભું કર્યું છે કે,
71તે આપણા શત્રુઓથી તથા આપણા પર
દ્વેષ રાખનારા સર્વના હાથમાંથી
આપણને બચાવે;
72એ માટે કે તે આપણા બાપદાદાઓ પ્રત્યે
દયા દર્શાવે,
તથા પોતાનો પવિત્ર કરાર સંભારે;
73એટલે તેમણે આપણા પિતા ઇબ્રાહિમની
આગળ જે સમ ખાધા તે.
74એ માટે કે તે આપણા માટે એવું કરે કે,
આપણે પોતાના શત્રુઓના હાથમાંથી
છૂટકો પામીને નિર્ભયતાથી
આપણા આખા આયુષ્યભર
તેમની આગળ
75શુદ્ધતાથી તથા ન્યાયીપણાથી
તેમની સેવા કરીએ.
76અને, ઓ છોકરા, તું પરાત્પરનો
પ્રબોધક કહેવાશે;
કેમ કે તું પ્રભુની આગળ ચાલશે, એ
માટે કે તું #માલ. ૩:૧. પ્રભુના માર્ગો તૈયાર કરે;
77તથા તેમના લોકનાં પાપની માફી
મળવાથી જે તારણ છે,
તેનું જ્ઞાન તું તેઓને આપે.
78આપણા ઈશ્વરની ઘણી દયાથી
અરુણોદય ઉપરથી
આપણા પર આવશે,
79જેથી #યશા. ૯:૨. અંધારામાં તથા મરણની છાયામાં
જેઓ બેઠેલા છે તેઓને તે પ્રકાશ પમાડે.
તથા આપણા પગને શાંતિના માર્ગમાં
દોરી જાય.”
80છોકરો મોટો થયો, અને આત્મામાં બળવાન થતો ગયો, અને ઇઝરાયલમાં તેના પ્રગટ થવાના દિવસ સુધી તે રાનમાં રહ્યો.
Currently Selected:
લૂક 1: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.