યોહાન 19
19
1ત્યાર પછી પિલાતે ઈસુને કોરડા મરાવ્યા. 2સિપાઈઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો, અને તેમને જાંબૂડા રંગનો ઝભ્ભો પહેરાવ્યો. 3તેઓએ તેમની પાસે આવીને કહ્યું, “હે યહૂદીઓના રાજા, સલામ!” અને તેઓએ તેમને મુક્કીઓ મારી.
4પછી પિલાત ફરીથી બહાર આવીને તેઓને કહે છે, “જુઓ મને એનામાં કંઈ ગુનો માલૂમ પડતો નથી, એ તમે જાણો માટે હું એને તમારી પાસે બહાર લાવું છું.” 5ત્યારે ઈસુ કાંટાનો મુગટ તથા જાંબુડા રંગનો ઝભ્ભો પહેરેલા એવા બહાર નીકળ્યા. પછી [પિલાત] તેઓને કહે છે, “જુઓ, આ માણસ!”
6જ્યારે મુખ્ય યાજકોએ તથા સિપાઈઓએ તેમને જોયા ત્યારે તેઓએ બૂમ પાડીને કહ્યું, “એને વધસ્તંભે જડો, વધસ્તંભે જડો.” પિલાત તેઓને કહે છે, “તમે પોતે એને લઈને વધસ્તંભે જડો; કેમ કે મને તો એનામાં કંઈ પણ ગુનો માલૂમ પડતો નથી.” 7યહૂદીઓએ તેને ઉત્તર આપ્યો, “અમારે નિયમશાસ્ત્ર છે, તે નિયમશાસ્ત્ર પ્રમાણે એણે મરણદંડ ભોગવવો જોઈએ. કેમ કે એણે પોતે ઈશ્વરનો દીકરો હોવાનો દાવો કર્યો છે.”
8એ વાત સાંભળીને પિલાત વધારે બીધો. 9તે ફરીથી દરબારમાં જઈને ઈસુને પૂછે છે, “તું ક્યાંનો છે?” પણ ઈસુએ તેને ઉત્તર આપ્યો નહિ. 10ત્યારે પિલાત તેમને કહે છે, શું તું મને કશું કહેતો નથી? તને છોડી દેવાનો અધિકાર મને છે, અને તને વધસ્તંભે જડાવવાનો અધિકાર પણ મને છે, એ શું તું જાણતો નથી?”
11ઈસુએ તેને ઉત્તર આપ્યો, “ઉપરથી તમને અપાયા વગર મારા પર તમને કંઈ પણ અધિકાર ન હોત. તેથી જેણે મને તમને સોંપ્યો તેનું પાપ વિશેષ છે.” 12આ ઉપરથી પિલાતે તેને છોડી દેવાને પ્રયત્ન કર્યો. પણ યહૂદીઓએ બૂમ પાડીને કહ્યું, “જો તમે આ માણસને છોડી દો, તો તમે કાઈસારના મિત્ર નથી. જે કોઈ પોતાને રાજા ઠરાવે છે તે કાઈસારની વિરુદ્ધ બોલે છે.”
13જ્યારે પિલાતે આ વાત સાંભળી ત્યારે તે ઈસુને બહાર લાવ્યો, અને ફરસબંદી નામની જગા, જેન હિબ્રૂ ભાષામાં ‘ગાબ્બાથા’ કહે છે, ત્યાં ન્યાયાસન પર તે બેઠો. 14હવે એ દિવસ પાસ્ખાની તૈયારીનો હતો; અને આશરે બપોર થયા હતા. ત્યારે તે યહૂદીઓને કહે છે, “જુઓ તમારો રાજા!”
15ત્યારે તેઓએ મોટો પોકાર કરીને કહ્યું, “એને દૂર કરો, દૂર કરો, વધસ્તંભે જડો.” પિલાત તેઓને કહે છે, “શું હું તમારા રાજાને વધસ્તંભે જડાવું?” મુખ્ય યાજકોએ ઉત્તર આપ્યો, “કાઈસાર સિવાય અમારે [બીજો] કોઈ રાજા નથી. 16ત્યારે તેણે તેમને વધસ્તંભે જડવાને તેઓના હાથમાં સોંપ્યા.
ઈસુને વધસ્તંભે જડ્યા
(માથ. ૨૭:૩૨-૪૪; માર્ક ૧૫:૨૧-૩૨; લૂ. ૨૩:૨૬-૪૩)
તેથી તેઓ ઈસુને પકડીને લઈ ગયા. 17પછી તે પોતાનો વધસ્તંભ ઊંચકીને ખોપરીની જગા, જે હિબ્રૂ ભાષામાં ‘ગલગથા’ કહેવાય છે, ત્યાં બહાર ગયા. 18ત્યાં તેઓએ તેમને તથા તેમની સાથે બીજા બેને વધસ્તંભે જડ્યા. દરેક બાજુએ એકને, તથા વચમાં ઈસુને. 19પિલાતે એક લેખ લખીને વધસ્તંભ પર ચોઢયો. “ઈસુ નાઝારી, યહૂદીઓનો રાજા” એવો એ લેખ હતો. 20વળી જ્યાં ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા, તે સ્થળ શહેરની પાસે હતું. અને તે લેખ હિબ્રૂ, લેટિન તથા ગ્રીક ભાષામાં લખેલો હતો, તેથી ઘણા યહૂદીઓએ તે વાંચ્યો. 21એથી યહૂદીઓના મુખ્ય યાજકોએ પિલાતને કહ્યું, “યહૂદીઓનો રાજા, ” એમ ન લખ; પણ તેણે કહ્યું, “હું યહૂદીઓનો રાજા છું, ” એમ લખ.
22પિલાતે ઉત્તર આપ્યો, “મેં જે લખ્યું તે લખ્યું.”
23હવે સિપાઈઓએ ઈસુને વધસ્તંભે જડયા પછી તેમનાં વસ્ત્ર લઈ લીધાં, અને એના ચાર ભાગ પાડયા, દરેક સિપાઈને માટે એક. અને ઝભ્ભો પણ લીધો. હવે તે ઝભ્ભો સીવણ વગરનો, ઉપરથી આખો વણેલો હતો.
24એ માટે તેઓએ અંદરોઅંદર કહ્યું,
“આપણે એને ફાડવો નહિ,
પણ એ કોને મળે એ જાણવા માટે
ચિઠ્ઠીઓ નાખવી.”
#
ગી.શા. ૨૨:૧૮. ‘તેઓએ અંદરોઅંદર મારાં વસ્ત્ર
વહેંચી લીધાં,
અને મારા ઝભ્ભાને માટે
ચિઠ્ઠીઓ નાખી’
એમ શાસ્ત્રમાં લખેલું છે
એ પૂર્ણ થાય, એ માટે એમ બન્યું.
આ કામો તો સિપાઈઓએ કર્યાં.
25હવે ઈસુના વધસ્તંભની પાસે તેમનાં મા, તેમની માસી, ક્લોપાસની પત્ની મરિયમ તથા મગ્દલાની મરિયમ ઊભાં રહેલાં હતાં. 26તેથી જ્યારે ઈસુએ પોતાનાં માને તથા જેના પર પોતે પ્રેમ રાખતા હતા તે શિષ્યને પાસે ઊભાં રહેલાં જોયાં, ત્યારે તે પોતાનાં માને કહે છે, “બાઈ જો, તારો દીકરો!”
27ત્યાર પછી તે તે શિષ્યને કહે છે, “જો તારાં મા!” તે જ ઘડીએ તે શિષ્ય તેમને પોતાને ઘેર તેડી ગયો.
ઈસુનું મૃત્યુ
(માથ. ૨૭:૪૫-૫૬; માર્ક ૧૫:૩૩-૪૧; લૂ. ૨૩:૪૪-૪૯)
28એ પછી ઈસુ હવે બધું પૂરું થયું એ જાણીને, #ગી.શા. ૬૯:૨૧; ૨૨:૧૫. શાસ્ત્રવચન પૂર્ણ થાય માટે કહે છે, “મને તરસ લાગી છે.”
29હવે ત્યાં સરકાથી ભરેલું એક વાસણ મૂકેલું હતું. માટે તેઓએ એક વાદળી સરકાથી ભરીને ઝૂફા પર મૂકીને તેમના મોં આગળ ધરી. 30માટે ઈસુએ સરકો લીધા પછી કહ્યું, “સંપૂર્ણ થયું.” અને માથું નમાવીને તેમણે પ્રાણ છોડયો.
ઈસુની કૂખ વીંધવામાં આવી
31તે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો (અને તે વિશ્રામવાર મોટો દિવસ હતો), એથી વિશ્રામવારે તેઓનાં શબ વધસ્તંભ પર ન રહે માટે યહૂદીઓએ પિલાતને વિનંતી કરી કે તેઓના પગ ભાંગીને તેઓને ઉપાડી લેવા જોઈએ. 32એથી સિપાઈઓએ આવીને તેમની સાથે વધસ્તંભે જડાયેલા પહેલાના તથા બીજાના પગ ભાંગ્યા 33પણ જ્યારે તેઓ ઈસુની પાસે આવ્યા ત્યારે તેઓએ તેમને મરણ પામેલા જોઈને તેમના પગ ભાંગ્યા નહિ. 34તોપણ એક સિપાઈએ ભાલાથી તેમની કૂખ વીંધી, એટલે તરત તેમાંથી લોહી અને પાણી નીકળ્યા. 35જેણે એ જોયું તેણે જ આ સાક્ષી આપી છે, જેથી તમે પણ વિશ્વાસ કરો. તેની સાક્ષી ખરી છે; અને તે સત્ય કહે છે, એ તે જાણે છે. 36કેમ કે #નિ. ૧૨:૪૬; ગણ. ૯:૧૨; ગી.શા. ૩૪:૨૦. ‘તેનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ.’ એ શાસ્ત્રવચન પૂર્ણ થવા માટે એમ બન્યું. 37વળી બીજું શાસ્ત્રવચન છે કે, #ઝખ. ૧૨:૧૦; પ્રક. ૧:૭. ‘જેને તેઓએ વીંધ્યો તેને તેઓ જોશે.’
ઈસુનું દફન
(માથ. ૨૭:૫૭-૬૧; માર્ક ૧૫:૪૨-૪૭; લૂ. ૨૩:૫૦-૫૬)
38આ બિના બન્યા પછી આરીમથાઈનો યૂસફ, જે ઈસુનો એક શિષ્ય હતો, પણ યહૂદીઓના ધાકને લીધે ગુપ્ત રીતે શિષ્ય બન્યો હતો, તેણે ઈસુનું શબ લઈ જવાની પિલાત પાસે રજા માંગી. અને પિલાતે રજા આપી, તેથી તેણે આવીને તેમનું શબ ઉતારી લીધું. 39વળી નિકોદેમસ, જે #યોહ. ૩:૧-૨. પહેલવહેલો રાત્રે ઈસુની પાસે આવ્યો હતો, તે પણ આશરે સો શેર બોળ તથા અગરનું મિશ્ર લઈને આવ્યો. 40ત્યારે યહૂદીઓની દફનાવવાની રીત પ્રમાણે તેઓએ ઈસુનું શબ લઈને, તેને સુગંધીદ્રવ્ય લગાડીને, શણના વસ્ત્રમાં લપેટયું. 41હવે જ્યાં તે વધસ્તંભે જડાયા હતા, તે સ્થળે એક વાડી હતી; અને તે વાડીમાં એક નવી કબર હતી કે, જેમાં કોઈને કદી મૂકવામાં આવ્યો ન હતો. 42એ માટે તેઓએ યહૂદીઓના [પાસ્ખાની] તૈયારીના દિવસને લીધે ઈસુને ત્યાં જ મૂક્યા. કેમ કે તે કબર પાસે હતી.
Currently Selected:
યોહાન 19: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.