યોહાન 18
18
ઈસુની ધરપકડ
(માથ. ૨૬:૪૭-૫૬; માર્ક ૧૪:૪૩-૫૦; લૂ. ૨૨:૪૭-૫૩)
1એ વાતો કહીને ઈસુ પોતાના શિષ્યો સહિત કિદ્રોન નાળાને પેલે પાર ગયા. ત્યાં એક વાડી હતી, જેમાં પોતે તથા તેમના શિષ્યો ગયા. 2હવે તેમને પરસ્વાધીન કરનાર યહૂદા પણ તે સ્થળ જાણતો હતો, કેમ કે ઈસુ પોતાના શિષ્યોની સાથે ઘણી વાર ત્યાં જતા હતા. 3ત્યારે યહૂદા પોતાની સાથે સૈનિકોની ટુકડી લઈને અને મુખ્ય યાજકો તથા ફરોશીઓની પાસેથી સિપાઈઓને લઈને ફાનસો તથા મશાલો તથા હથિયારો સહિત ત્યાં આવે છે. 4ઈસુ તો પોતાના પર જે વીતવાનું હતું તે બધું જાણતા હતા, તે માટે તેમણે બહાર જઈને તેઓને પૂછયું કે, તમે કોને શોધો છો?” 5તેઓએ તેમને ઉત્તર આપ્યો, “ઈસુ નાઝારીને.” ઈસુએ તેઓને કહ્યું, “હું તે છું.” તેમને પરસ્વાધીન કરનાર યહૂદા પણ તેઓની સાથે ઊભો રહ્યો હતો. 6જ્યારે તેમણે તેઓને કહ્યું, “હું તે છું, ” ત્યારે તેઓ પાછા હઠયા, અને જમીન પર પડી ગયા. 7ત્યારે તેમણે ફરીથી તેઓને પૂછયું, “તમે કોને શોધો છો?” તેઓએ કહ્યું, “ઈસુ નાઝારીને.”
8ઈસુએ ઉત્તર આપ્યો, “મેં તમને કહ્યું કે, હું તે છું; માટે જો તમે મને શોધતા હો તો આ માણસોને જવા દો.” 9જેથી જેઓને તમે મને આપ્યાં છે તેઓમાંથી એકને પણ મેં ખોયું નથી, એ વચન તે બોલ્યા હતા તે પૂર્ણ થાય. 10ત્યારે પોતાની પાસે જે તરવાર હતી તે સિમોન પિતરે કાઢી અને પ્રમુખ યાજકના ચાકરને મારીને તેનો જમણો કાન કાપી નાખ્યો. તે ચાકરનું નામ માલ્ખસ હતું. 11ઈસુએ પિતરને કહ્યું, “તારી તરવાર મ્યાનમાં નાખ; જે #માથ. ૨૬:૩૯; માર્ક ૧૪:૩૬; લૂ. ૨૨:૪૨. પ્યાલો મારા પિતાએ મને આપ્યો છે તે શું હું ના પીઉં?”
ઈસુ આન્નાસની આગળ
12ત્યારે [રોમન] સૈનિકોએ, જમાદારે તથા યહૂદીઓના સિપાઈઓએ ઈસુને પકડયા અને તેમને બાંધીને 13પ્રથમ તમને આન્નાસની પાસે લઈ ગયા, કેમ કે તે વરસના પ્રમુખ યાજક કાયાફાનો તે સસરો હતો. 14હવે #યોહ. ૧૧:૪૯-૫૦. જે કાયાફાએ યહૂદીઓને સલાહ આપી હતી કે, ‘લોકોને માટે એક માણસે મરવું લાભકારક છે, ’ તે એ જ હતો
પિતરે કરેલો નકાર
(માથ. ૨૬:૬૯-૭૦; માર્ક ૧૪:૬૬-૬૮; લૂ. ૨૨:૫૫-૫૭)
15પછી સિમોન પિતર તથા બીજો એક શિષ્ય ઈસુની પાછળ પાછળ ગયા. હવે તે શિષ્ય પ્રમુખ યાજકનો ઓળખીતો હતો, તેથી તે ઈસુની સાથે પ્રમુખ યાજકના [ઘરના] ચોકમાં ગયો. 16પણ પિતર બહાર બારણા આગળ ઊભો રહ્યો. માટે તે બીજો શિષ્ય જે પ્રમુખ યાજકનો ઓળખીતો હતો તે બહાર આવ્યો, અને દરવાજો સાચવનારીને કહીને પિતરને અંદર લઈ ગયો. 17ત્યારે તે દરવાજો સાચવનારી દાસી પિતરને પૂછે છે, “શું તું પણ એ માણસના શિષ્યોમાંનો છે?” તે કહે છે કે, “હું નથી.” 18હવે ચાકરો તથા સિપાઈઓ કોયલાનો દેવતા સળગાવીને ઊભા રહીને તાપતા હતા, કેમ કે ટાઢ પડતી હતી. પિતર પણ તેઓની સાથે ઊભો રહીને તાપતો હતો.
પ્રમુખ યાજક ઈસુને પ્રશ્નો પૂછે છે
(માથ. ૨૬:૫૯-૬૬; માર્ક ૧૪:૫૫-૬૪; લૂ. ૨૨:૬૬-૭૧)
19પ્રમુખ યાજકે ઈસુને તેમના શિષ્યો વિષે તથા તેમના બોધ વિષે પૂછયું. 20ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હું જગતની આગળ પ્રગટ રીતે બોલતો આવ્યો છું. સભાસ્થાનોમાં તથા મંદિરમાં જ્યાં સર્વ યહૂદીઓ એકત્ર થાય છે, ત્યાં હું નિત્ય બોધ કરતો હતો. અને હું ગુપ્તમાં કંઈ બોલ્યો નથી. 21તમે મને કેમ પૂછો છો? તેઓને મેં શું કહ્યું તે મારા સાંભળનારાઓને પૂછો; મેં જે વાતો કહી તે તેઓ જાણે છે.” 22જ્યારે તેમણે એમ કહ્યું ત્યારે સિપાઈઓમાંનો એક પાસે ઊભો હતો, તેણે ઈસુને તમાચો મારીને કહ્યું, “શું તું પ્રમુખ યાજકને એવી રીતે ઉત્તર આપે છે?” 23ઈસુએ તેને ઉત્તર આપ્યો, “જો મેં ખોટું કહ્યું હોય તો તે સાબિત કર; પણ જો ખરું [કહ્યું હોય] , તો તું મને કેમ મારે છે?” 24ત્યારે આન્નાસે તેમને બાંધીને પ્રમુખ યાજક કાયાફાની પાસે મોકલ્યા.
પિતરે ઈસુનો ફરીથી નકાર કર્યો
(માથ. ૨૬:૭૧-૭૫; માર્ક ૧૪:૬૯-૭૨; લૂ. ૨૨:૫૮-૬૨)
25હવે સિમોન પિતર ઊભો રહીને તાપતો હતો, ત્યારે તેઓએ તેને પૂછયું, “શું તું પણ એમના શિષ્યોમાંનો એક છે?” તેણે નકાર કરીને કહ્યું, “હું નથી.” 26જેનો કાન પિતરે કાપી નાખ્યો હતો, તેનો સગો પ્રમુખ યાજકના ચાકરોમાંનો એક હતો, તે કહેવા લાગ્યો, “વાડીમાં મેં તને તેમની સાથે જોયો નથી શું?” 27ત્યારે પિતરે ફરીથી ના પાડી; અને તરત મરઘો બોલ્યો.
ઈસુ પિલાત આગળ
(માથ. ૨૭:૧-૨,૧૧-૧૪; માર્ક ૧૫:૧-૫; લૂ. ૨૩:૧-૫)
28ત્યારે તેઓ ઈસુને કાયાફા પાસેથી દરબારમાં લઈ જાય છે. તે વખતે વહેલી સવાર હતી. તેઓ અશુદ્ધ ન થાય, અને પાસ્ખા ખાઈ શકે, માટે તેઓ પોતે દરબારમાં ગયા નહિ. 29તેથી પિલાતે તેઓની પાસે બહાર આવીને પૂછયું, “એ માણસ પર તમે શું તહોમત મૂકો છો?” 30તેઓએ ઉત્તર આપ્યો, “જો એ માણસ ભૂંડું કરનાર ન હોત તો અમે એને તમને સોંપત નહિ.” 31ત્યારે પિલાતે તેઓને કહ્યું, “તમે પોતે એને લઈ જાઓ, અને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે એનો ન્યાય કરો.” યહૂદીઓએ તેને કહ્યું, કોઈને મારી નાખવાનો અમને અધિકાર નથી.” 32#યોહ. ૩:૧૪; ૧૨:૩૨. પોતે ક્યા મોતથી મરવાનો હતો તે સૂચવતાં ઈસુએ જે વચન કહ્યું હતું તે પૂર્ણ થાય માટે [એમ થયું].
33એથી પિલાતે ફરીથી દરબારમાં જઈને ઈસુને બોલાવીને તેમને પૂછયું, “શું તું યહૂદીઓનો રાજા છે?” 34ઈસુએ ઉત્તર આપ્યો, “આ શું તમે પોતાના તરફથી કહો છો કે, કોઈ બીજાઓએ મારા સંબંધી એ તમને કહ્યું?” 35પિલાતે ઉત્તર આપ્યો, “શું હું યહૂદી છું? તારા દેશના લોકોએ તથા મુખ્ય યાજકોએ તને મારે હવાલે કર્યો; તેં શું કર્યું છે?” 36ઈસુએ ઉત્તર આપ્યો, “મારું રાજ્ય આ જગતનું નથી; જો મારું રાજ્ય આ જગતનું હોત, તો મને યહૂદીઓને સ્વાધીન કરવામાં ન આવે, માટે મારા સેવકો લડાઈ કરત; પણ મારું રાજ્ય તો અહીંનું નથી.” 37એથી પિલાતે તેમને પૂછયું, “ત્યારે શું તું રાજા છે.” ઈસુએ ઉત્તર આપ્યો કે, “તમે કહો છો કે હું રાજા છું. એ જ માટે હું જનમ્યો છું, અને એ જ માટે હું જગતમાં આવ્યો છું કે, સત્ય વિષે હું સાક્ષી આપું! જે સત્યનો છે, તે દરેક મારી વાણી સાંભળે છે.” 38પિલાત તેમને કહે છે, સત્ય શું છે?”
ઈસુને મોતની સજા ફરમાવી
(માથ. ૨૭:૧૫-૩૧; માર્ક ૧૫:૬-૨૦; લૂ. ૨૩:૧૩-૨૫)
એમ કહીને તે ફરીથી યહૂદીઓની પાસે બહાર આવ્યો, અને તેઓને કહે છે, “મને તો તેનામાં કંઈ પણ ગુનો માલૂમ પડતો નથી.” 39પણ પાસ્ખાપર્વમાં તમારે માટે એક [બંદીવાન] ને હું છોડી દઉં, એવી તમારી રીત છે. માટે હું તમારે માટે યહૂદીઓના રાજાને છોડી દઉં, એમ તમે ચાહો છો શું?” 40ત્યારે તે બધાએ ફરીથી બૂમ પાડીને કહ્યું, “એને તો નહિ, પણ બરાબાસને” હવે બરાબાસ તો લૂંટારો હતો.
Currently Selected:
યોહાન 18: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.