YouVersion Logo
Search Icon

યર્મિયા 30

30
પ્રભુનું પોતાના લોકોને શાંતિનું વચન
1યહોવા તરફથી જે વચન યર્મિયાની પાસે આવ્યું તે એ કે, 2“યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જે વચનો મેં તને કહ્યાં છે તે સર્વ તું પુસ્તકમાં લખ. 3કેમ કે યહોવા કહે છે, જો, એવો સમય આવે છે કે, જ્યારે હું મારા લોકોનો એટલે ઇઝરાયલ તથા યહૂદિયા નો બંદીવાસ ફેરવી નાખીશ; અને જે દેશ મેં તેઓના પૂર્વજોને આપ્યો હતો તેમાં હું તેઓને પાછા લાવીશ, ને તે તેઓનું વતન થશે, એમ યહોવા કહે છે.”
4જે વચનો યહોવા ઇઝરાયલ તથા યહૂદિયા વિષે બોલ્યા, તે આ.
5“યહોવા કહે છે કે, [તમે કહો છો કે,]
‘અમે કંપારી આવે એવો અવાજ
સાંભળ્યો છે,
તે તો શાંતિનો નહિ, પણ ભયનો
[અવાજ] છે.’
6હવે તમે પૂછી જુઓ કે શું પુરુષને
પ્રસવવેદના થાય?
પ્રસુતાની જેમ દરેક પુરુષને પોતાના
હાથથી કમર દાબતાં મેં જોયો છે,
એનું કારણ શું હશે?
વળી સર્વનાં મુખ ફિક્કાં કેમ
પડી ગયાં છે?
7હાય હાય! તે દિવસ એવો ભારે છે કે
તેના જેવો બીજો કોઈ નથી.
તે તો યાકૂબના સંકટનો વખત છે;
તોપણ તે તેમાંથી બચશે.”
8સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “તે દિવસે હું તેની ઝૂંસરી તારી ગરદન પરથી ભાંગી નાખીશ, ને તારાં બંધનો તોડી નાખીશ. પરદેશીઓ ફરી તેની પાસે સેવા કરાવશે નહિ. 9પણ તેઓના ઈશ્વર યહોવાની સેવા તેઓ કરશે, તથા તેઓને માટે તેઓના રાજા તરીકે હું દાઉદને ઊભો કરીશ, તેની [સેવા તેઓ કરશે].”
10 # યર્મિ. ૪૬:૨૭-૨૮. તે માટે યહોવા કહે છે, “હે મારા સેવક
યાકૂબ, તું બીશ નહિ; અને,
રે ઇઝરાયલ, તું ભયભીત ન થા;
કેમ કે હું તને દૂરથી તથા તારા સંતાનને
તેઓના બંદીવાસના
દેશમાંથી છોડાવીશ.
અને યાકૂબ પાછો આવશે.
ને તે શાંત તથા સ્વસ્થ થશે,
કોઈ તેને બીવડાવશે નહિ.
11યહોવા કહે છે, હું તને બચાવવા માટે
તારી સાથે છું;
અને જે સર્વ પ્રજાઓમાં
મેં તને વિખેરી નાખ્યો છે
તેઓનું હું સત્યાનાશ વાળી નાખીશ,
પણ તારું સત્યાનાશ હું નહિ વાળું.
પણ હું ન્યાયની રૂએ
તને શિક્ષા કરીશ, ને
ખચીત તને શિક્ષા કર્યા વગર
જવા દઈશ નહિ.
12કેમ કે યહોવા કહે છે કે, તારો ઘા રુઝાય
એવો નથી, તારો જખમ કારી છે.
13કોઈ તારો પક્ષ કરીને બોલતો નથી.
તારી પાસે અકસીર મલમ નથી કે,
જે લગાડીને પાટો બાંધવામાં આવે.
14તારા સર્વ આશકો તને વીસરી ગયા છે,
તેઓ તને શોધતા નથી;
કેમ કે તારાં પાપો ઘણાં થવાને લીધે
તારા અપરાધો વધી ગયા છે.
માટે મેં શત્રુ કરે એવા ઘાથી, હા,
નિર્દય માણસ કરે એવી શિક્ષાથી,
તને ઘાયલ કરી છે.
15તારા ઘાને લીધે તું કેમ બૂમ પાડે છે?
તારું દુ:ખ મટાડવાનો
કંઈ ઇલાજ નથી.
તારાં પાપો ઘણાં થવાને લીધે
તારા અપરાધો વધી ગયા છે,
તેથી મેં તને આ બધું કર્યું છે.
16તેથી જેઓ તને ખાઈ જાય છે તેઓ
સર્વને ખાઈ જવામાં આવશે.
અને તારા સર્વ શત્રુઓ એકેએક
બંદીવાસમાં જશે;
અને જેઓ તારું હરી લે છે
તેઓનું પણ હરી લેવામાં આવશે,
ને જેઓ લૂંટે છે તે સર્વને
હું લૂંટાવી દઈશ.
17કેમ કે હું તને આરોગ્ય આપીશ,
ને તારા ઘા રુઝાવીશ,
એવું યહોવા કહે છે;
કેમ કે તેઓએ તને ‘કાઢી મૂકેલી’
કહી છે. વળી, ‘આ સિયોન છે,
તેના વિષે કોઈને ચિંતા નથી, ’
એમ તેઓએ કહ્યું છે.”
18યહોવા કહે છે, “જુઓ, હું યાકૂબના
તંબુઓનો બંદીવાસ ફેરવી નાખીશ,
ને તેનાં ઘરો પર દયા કરીશ.
અને નગર પોતાની
ટેકરી પર બંધાશે,
ને રાજમહેલ [માં રજવાડા] ની રીત
પ્રમાણે લોકો વસશે.
19તેઓમાં આભારસ્તુતિ તથા હર્ષ
કરનારાઓનો સાદ સંભળાશે.
હું તેઓને વધારીશ, ને
તેઓ ઓછા નહિ થશે;
હું તેઓને મહિમાવાન કહીશ,
ને તેઓ નમાલા થશે નહિ.
20તેઓના પુત્રો પણ અગાઉના જેવા થશે,
ને મારી સમક્ષ તેઓની સભા
સ્થાપિત થશે,
ને જેઓ તેઓને ઉપદ્રવ કરે છે તે
સર્વને હું જોઈ લઈશ.
21તેમનો યુવરાજ તેઓમાંનો જ થશે,
ને તેઓમાંથી તેમનો અધિકારી થશે;
અને હું તેને પાસે લાવીશ,
ને તે મારી પાસે આવશે.
કેમ કે મારી પાસે આવવા
જેણે હિમ્મત ધરી છે તે કોણ?
એવું યહોવા કહે છે.
22તમે મારા લોકો થશો, ને
હું તમારો ઈશ્વર થઈશ.”
23જુઓ, યહોવાનો વંટોળિયો, હા, તેમનો ક્રોધ, પ્રગટયો છે; તે વંટોળિયાની જેમ દુષ્ટોને માથે આવી પડશે. 24યહોવા પોતાના હ્રદયના સંકલ્પો અમલમાં લાવે અને પૂરા કરે ત્યાં સુધી તેમનો ઉગ્ર કોપ સમશે નહિ. પાછલા દિવસોમાં તેમને એ વિષેની સમજ પડશે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for યર્મિયા 30