YouVersion Logo
Search Icon

યર્મિયા 24

24
અંજીરની બે ટોપલી
1યહૂદિયાના રાજા યહોયાકીમના પુત્ર #૨ રા. ૨૪:૧૨-૧૬; ૨ કાળ. ૩૬:૧૦. યકોન્યાને, યહૂદિયા ના સરદારોને, કારીગરોને તથા લુહારોને બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યરુશાલેમથી બંદીવાન કરીને લઈ ગયો; ત્યાર પછી, યહોવાના મંદિરની આગળ મૂકેલી અંજીરની બે ટોપલી યહોવાએ મને દેખાડી. 2એક ટોપલીમાં સહુથી પહેલાં પાકેલાં અંજીરના જેવાં બહુ સારાં અંજીર હતાં; અને બીજી ટોપલીમાં બહુ બગડી ગયેલાં અંજીર હતાં, તે ખવાય નહિ એટલે સુધી બગડી ગયેલાં હતાં. 3પછી યહોવાએ મને કહ્યું, “યર્મિયા, તું શું જુએ છે?” મેં કહ્યું, “હું તો અંજીર જોઉં છું; જે અંજીર સારાં છે, તેઓ બહુ સારાં છે; અને જે બગડી ગયેલાં છે, તેઓ બહુ બગડી ગયાં છે, ખવાય નહિ એટલે સુધી બગડી ગયાં છે.”
4યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું: 5“યહોવા, જે ઇઝરાયલના ઈશ્વર, તે કહે છે કે, યહૂદિયામાંના જેઓ બંદીવાસમાં છે, જેઓને આ જગામાંથી ખાલદીઆ દેશમાં મેં તેઓના હિતને માટે મોકલ્યા છે, તેઓને આ સારાં અંજીરના જેવા હું ગણીશ. 6કેમ કે હું તેમનું હિત કરવા માટે તેમના પર મારી નજર રાખીશ, ને તેઓને આ દેશમાં પાછા લાવીશ; અને હું તેઓને બાંધીશ, ને પાડી નાખીશ નહિ; અને હું તેઓને રોપીશ, ને ઉખેડી નાખીશ નહિ. 7જ્યારે તેઓ પોતાના ખરા હ્રદયથી મારી તરફ ફરશે ત્યારે મને ઓળખનારું, એટલે યહોવા તે હું છું એવું ઓળખનારું, હ્રદય હું તેઓને આપીશ; અને તેઓ મારા લોકો થશે, ને હું તેઓનો ઈશ્વર થઈશ.’”
8વળી યહોવા એવું પણ ખાતરીથી કહે છે, “જેમ અંજીર બગડી ગયાં, ખવાય નહિ એટલે સુધી બગડી ગયાં, તેમની જેમ યહૂદિયાનો રાજા સિદકિયા, તેના સરદારો, તથા યરુશાલેમના બાકી રહેલા લોકો જેઓ આ દેશમાં રહે છે, તથા મિસર દેશમાં વસે છે, તેઓને હું તજી દઈશ; 9હા, તેઓ ત્રાસ પામીને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં અહીં તહીં રઝળતા ફરે એ માટે હું તેઓને તજી દઈશ; જે જે જગાઓમાં હું તેઓને હાંકી મૂકીશ, ત્યાં સર્વત્ર તેઓ નિંદા, મહેણાં, હાંસી તથા શાપરૂપ થશે. 10વળી જે ભૂમી મેં તેઓને તથા તેઓના પૂર્વજોને આપી, તે [ભૂમિ] પરથી તેઓ નષ્ટ થાય ત્યાં સુધી હું તેઓ પર તરવાર, દુકાળ તથા મરકી મોકલીશ.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for યર્મિયા 24