યર્મિયા 23
23
ઉજજવળ ભાવિની આશા
1“જે પાળકો મારા બીડનાં ઘેટાંનો નાશ કરે છે, તથા તેઓને વિખેરી નાખે છે, તેઓને હાય હાય! એવું યહોવા કહે છે, 2તે માટે જે પાળકો મારા લોકનું પાલન કરે છે, તેઓ વિષે યહોવા, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, તમે મારું ટોળું વિખેરી નાખ્યું છે, ને હાંકી કાઢયું છે, અને તેઓની સંભાળ લીધી નથી. જુઓ, હું તમારાં દુષ્કર્મોનલે લીધે તમને જોઈ લઈશ, એમ યહોવા કહે છે. 3વળી જે જે દેશોમાં મેં મરા ટોળાને હાંકી કાઢયું છે, તે સર્વમાંથી બાકી રહેલાઓને હું ભેગા કરીશ, ને તેઓને તેઓના વાડાઓમાં પાછા લાવીશ. અને તેઓ સફળ થશે ને વૃદ્ધિ પામશે. 4તેઓનું પાલન કરે એવા પાળકોને હું તેમના પર ઠરાવીશ. તેઓ ફરી બીશે નહિ, ગભરાશે નહિ, ને ભૂલા પડશે નહિ, ” એમ યહોવા કહે ચે.
5યહોવા કહે છે, #ઉત. ૧૮:૨૦. “જુઓ, એવો સમય આવે છે કે, જે સમયે હું દાઉદના વંશમાં એક ન્યાયી અંકુર ઉગાવીશ, તે રાજા થઈને રાજ કરશે, ને ડહાપણથી વર્તશે, ને દેશમાં ન્યાય તથા નીતિ પ્રવર્તાવશે. 6તેની કારકીર્દીમાં યહૂદિયા તારણ પામશે, ને ઇઝરાયલ નિર્ભય રહેશે; અને યહોવા અમારું ન્યાયીપણું, એ નામથી તને બોલાવશે.”
7તે માટે યહોવા કહે છે, “જુઓ એવો સમય આવે છે કે જે સમયે, ઇઝરાયલી લોકોને મિસર દેશમાંથી બહાર લાવનાર યહોવા જીવંત છે’ એવું ફરી કહેવામાં આવશે નહિ. 8પણ ‘ઇઝરાયલના લોકોને ઉત્તર દેશમાંથી તથા જે જે દેશોમાં મેં તેઓને હાંકી કાઢયા હતા તે સર્વ દેશમાંથી બહાર કાઢી લાવનાર યહોવા જીવંત છે, ’ એવું કહેવામાં આવશે. અને તેઓ પોતાના વતનમાં રહેશે.”
જૂઠા પ્રબોધકો માટે સંદેશો
9પ્રબોધકો વિષેની વાત. મારું હ્રદય
મારામાં ફૂટેલું છે,
મારાં સર્વ હાડકાં કંપે છે!
યહોવાને લીધે તથા
તેમનાં પવિત્ર વચનોને લીધે હું છાકટા
માણસના જેવો તથા દ્રાક્ષારસને વશ
થયેલા માણસના જેવો છું.
10કેમ કે દેશ વ્યભિચારીઓથી ભરેલો છે.
શાપને લીધે દેશ રડે છે;
વગડામાંનાં બીડો સુકાઈ ગયાં છે;
તેઓની વર્તણૂક દુષ્ટ છે,
ને તેઓનું બળ નીતિમય નથી.
11યહોવા કહે ચે, “કેમ કે પ્રબોધક તથા
યાજક બન્ને અધર્મી થયા છે; હા,
મારા મંદિરમાં મને તેઓની દુષ્ટતા
માલૂમ પડી ચે,
12તેથી અંધકારમાં અને સરકણાં ઠેકાણાંમાં
થઈને તેઓનો માર્ગ થશે;
ત્યાં તેઓને હડસેલી મૂકવામાં
આવશે, તેમાં તેઓ પડશે;
કેમ કે તેઓ પર હું વિપત્તિ, એટલે
તેઓના શાસનનું વર્ષ લાવીશ” એવું
યહોવા કહે છે.
13સમરૂનના પ્રબોધકોમાં
મેં મૂર્ખાઈ દીઠી છે;
તેઓએ બાલને નામે પ્રબોધ કર્યો છે,
ને મારા લોકો ઇઝરાયલને
ભમાવ્યા છે.
14વળી યરુશાલેમમાંના પ્રબોધકોમાં
મેં અઘોર કામ જોયું છે;
તેઓ વ્યભિચાર કરે છે, તથા અસત્ય
માર્ગે ચાલે છે,
ને દુષ્ટોના હાથને મજબૂત કરે છે,
તેથી કોઈ પોતાની દુષ્ટતાથી
પાછો ફરતો નથી.
તેઓ સર્વ મારી નજરમાં
સદોમના જેવા,
અને તેના રહેવાસીઓ ગમોરાના
સરખા, થઈ ગયા છે.
15તે માટે પ્રબોધકો વિષે સૈન્યોના [ઈશ્વર]
યહોવા કહે છે,
“જુઓ, હું તેઓને નાગદમણ
ખવડાવીશ,
ને તેઓને ઝેર પાઈશ;
કેમ કે યરુશાલેમના પ્રબોધકોથી આખા
દેશમાં અધર્મ ફેલાઈ ગયો છે.”
16સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જે પ્રબોધકો તમને પ્રબોધ કરે છે તેઓનાં વચનો સાંભળશો નહિ; તેઓ તમને વ્યર્થ વાતો શીખવે છે. તેઓ યહોવાના મુખનું નહિ, પણ પોતાના હ્રદયમાં કલ્પેલું સંદર્શન પ્રગટ કરે છે. 17જેઓ મને તુચ્છ ગણે છે તેઓને તેઓ કહેતા ફરે છે, ‘યહોવા બોલ્યા છે કે, તમને શાંતિ થશે.’ અને જોએ પોતાના હ્રદયના દુરાગ્રહ પ્રમાણે ચાલે છે તે સર્વને તેઓ કહે છે, ‘તમારા પર વિપત્તિ આવશે નહિ.’
18પણ યહોવાનું વચન જાણવાને તથા સાંભળવાને યહોવાના મંત્રીમંડળમાં કોણ ઊભો રહ્યો છે? કોણે મારા વચન પર લક્ષ લગાડયું છે, ને કોણે તે સાંભળ્યું છે? 19જુઓ, યહોવાનો વંટોળિયો, એટલે તેમનો કોપ, પ્રગટ થયો છે. હા, ઘૂમરી મારતો વંટોળિયો; દુષ્ટોના માથા પર આવી પડશે. 20યહોવા પોતાના હ્રદયના મનોરથો અમલમાં ન લાવે, તથા પૂરા ન કરે, ત્યાં સુધી તેમનો કોપ શાંત થશે નહિ. પાછલા દિવસોમાં તમને એ વિષેની સારી પેઠે સમજ પડશે. 21મેં આ પ્રબોધકોને મોકલ્યા નહોતા, તોપણ તેઓ દોડી ગયા; મેં તેઓની સાથે વાત કરી નહોતી, તોપણ તેઓએ પ્રબોધ કર્યો, 22તેઓ મારા મંત્રીમંડળમાં ઊભા હોત તો તેઓ મારા લોકોને મારાં વચનો સંભળાવત, ને તેઓને તેઓના કુમાર્ગથી તથા તેઓની કરણીઓની દુષ્ટતાથી પાછા વાળત.”
23યહોવા કહે છે, “શું હું ફકત પાસેનો ઈશ્વર છું, ને દૂરનો ઈશ્વર નથી? 24શું ગુપ્તસ્થાનોમાં કોઈ પોતાને એવી રીતે સંતાડી શકે છે કે, હું તેને નહિ જોઉં? એવું યહોવા કહે છે. શું હું આકાશમાં તથા પૃથ્વીમાં વ્યાપક નથી? એવું યહોવા કહે છે. 25‘મને સ્વપ્ન આવ્યું છે, મને સ્વપ્ન આવ્યુમ છે, ’ એવો જે પ્રબોધકો મારે નામે ખોટો પ્રબોધ કરે છે, તેઓએ જે કહ્યું તે મેં સાંભળ્યું છે. 26જે પ્રબોધકો ખોટો પ્રબોધ કરે છે, ને પોતાના હ્રદયમાં રહેલા કપટનો પ્રબોધ કરે છે, તેઓના હ્રદયમાં એ ક્યાં સુધી રહેશે? 27જેમ તેઓના પૂર્વજો બાલને લીધે મારું નામ વીસરી ગયા છે તેમ તેઓ પોતાનાં સ્વપ્નો એકબીજાને કહીને, તેઓ વડે મારા લોકોની પાસે મારું નામ વિસ્મૃત કરાવવા ધારે છે. 28જે પ્રબોધકને સ્વપ્ન આવ્યું હોય, તે ભલે સ્વપ્ન પ્રગટ કરે; અને જેની પાસે મારું વચન આવ્યું હોય, તે મારું વચન સત્યતાથી બોલે. ઘઉંની આગળ પરાળ શી વિસાતમાં છે?” એવું યહોવા કહે છે. 29વળી યહોવા કહે છે, “મારું વચન અગ્નિ સરખું, તથા ખડકને ફોડનાર હથોડા સરખું નથી?”
30તે માટે યહોવા કહે છે, “જુઓ, જે પ્રબોધકો પોતપોતાના પડોશી પાસેથી મારાં વચનો ચોરી લે છે, તેઓની વિરુદ્ધ હું છું. 31યહોવા કહે છે કે, જુઓ, જે પ્રબોધકો, ‘આ તેમનું બોલવું છે, ’ એમ પોતાની જ જીભ વાપરીને બોલે છે તેઓની વિરુદ્ધ હું છું. 32યહોવા કહે છે, જુઓ, જેઓ ખોટાં સ્વપ્નો પ્રગટ કરીને બોલે છે, ને પોતાની જૂઠી વાતોથી તથા ખાલી બડાઈ મારીને મારા લોકોને ભમાવે છે, તેઓની વિરુદ્ધ હું છું; મેં તેઓને મોકલ્યા નથી, મેં તેઓને આજ્ઞા પણ આપી નથી; તેઓ આ લોકોને જરા પણ હિતકારક થશે નહિ, એવું યહોવા કહે છે.
પ્રભુની વાણીનો ભાર
33વળી જ્યારે આ લોકો કે કોઈ પ્રબોધક કે કોઈ યાજક તને પૂછે, ‘યહોવાની ઈશ્વરવાણી કઈ છે?’ ત્યારે તું તેઓને કહેજે, ‘કઈ ઈશ્વરવાણી!’ યહોવા કહે છે, હું તમને કાઢી મૂકીશ. 34વળી ‘યહોવાની ઈશ્વરવાણી, ’ એમ જે પ્રબોધક કે યાજક કે કોકો કહેશે, તે માણસને તથા તેના ઘરને હું જોઈ લઈશ. 35‘યહોવાએ શો ઉત્તર આપ્યો છે? યહોવા શું બોલ્યા છે?’ એવું તમારે પોતપોતાના પડોશીને તથા પોતપોતાનાં ભાઈને કહેવું જોઈએ. 36‘યહોવાની ઈશ્વરવાણી, ’ એમ તમે ફરી બોલશો નહિ; કેમ કે દરેકનું વચન તે જ પોતાની દેવવાણીરૂપ થશે; કેમ કે જીવતા ઈશ્વર, એટલે સૈન્યોના [ઈશ્વર] યહોવા જે આપણા ઈશ્વર છે, તેમનાં વચનો તમે મરડી નાખ્યાં છે. 37‘યહોવાએ તને શો ઉત્તર આપ્યો? યહોવા શુમ બોલ્યા છે?’ એવું તું પ્રબોધકને પૂછીશ. 38પણ યહોવાની ઈશ્વરવાણી, એવું જો તમે બોલશો; તો ‘યહોવા કહે છે, જો કે ‘યહોવાની’ ઈશ્વરવાણી, આ પ્રમાણે તમારે બોલવું નહિ, એમ મેં તમને કહ્યું છે તોપણ તમે ‘યહોવાની’ ઈશ્વરવાણી, એવું કહેતા જાઓ છો! 39તેથી જુઓ, હું તમને છેક વીસરી જઈશ, ને તમને તથા જે નગર મેં તમને તથા તમારા પૂર્વજોને આપ્યું, તેને હું મારી આગળથી દૂર કરીશ. 40અને જે કદી વીસરી જવાશે નહિ, એવી નિરંતર નિંદા તથા સતત અપમાન હું તમારા પર લાવીશ.”
Currently Selected:
યર્મિયા 23: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.