યર્મિયા 22
22
યહૂદિયાના રાજકુટુંબને યર્મિયાનો સંદેશો
1યહોવાએ કહ્યું, “તું અહીંથી ઊતરીને યહૂદિયાના રાજાના મહેલની પાસે જા, ને ત્યાં આ વચન બોલ, 2અને કહે, હે યહૂદિયાના રાજા, દાઉદના રાજ્યાસન પર બેસનાર, તું, તારા દાસો, તથા તારા લોકો જેઓ આ દરવાજાઓમાં થઈને અંદર આવે છે, તે તમે યહોવાનું વચન સાંભળો. 3યહોવા કહે છે કે, ન્યાયથી તથા પ્રમાણિકતાથી ચાલો, અને લૂંટાયેલાને જુલમગારના હાથમાંથી છોડાવો; પરદેશી, અનાથ તથા વિધવા પર અન્યાય કે બલાત્કાર ન કરો, ને આ સ્થાનમાં નિર્દોષ રક્ત ન પાડો. 4જો તમે આ પ્રમાણે ખરેખર કરશો, તો દાઉપના રાજ્યાસન પર બિરાજનારા રાજાઓ રથમાં તથા ઘોડાઓ પર બેસીને આ મહેલના દરવાજાઓમાં થઈને અંદર આવશે. તે, તેના દાસો તથા તેના લોકો [અંદર આવશે.] 5પણ જો તમે આ વચનો નહિ માનશો, તો યહોવા કહે છે, હું પોતાના સમ ખાઈને કહું છું કે, આ મહેલ ઉજજડ થઈ જશે.
6કેમ કે યહૂદિયાના રાજાના મહેલ વિષે યહોવા કહે છે કે, તું મારે મન ગિલ્યાદ છે, તું લબાનોનનું શિર છે; તોપણ ખચીત હું તને વગડા તથા વસતિહીન નગરો સરખું કરીશ. 7હું તારી વિરુદ્ધ શસ્ત્રો સજેલા વિનાશકોને તૈયાર કરીશ; તેઓ તારાં ઉત્તમ એરેજવૃક્ષોને કાપીને અગ્નિમાં નાખશે.
8ઘણી પ્રજાઓ આ નગરની પાસે થઈને જશે, તેઓ સર્વ એકબીજાને પૂછશે, ‘યહોવાએ શા માટે આ મોટા નગરની આવી હાલત કરી છે?’ 9ત્યારે તેઓ જવાબ આપશે કે, ‘તેઓએ પોતાના ઈશ્વર યહોવાનો કરાર તજી દીધો, ને અન્ય દેવોની આરાધના તથા સેવા કરી, તે કારણ માટે.’
રાજા શાલ્લૂમ વિષે યર્મિયાનો સંદેશો
10મૂએલાને માટે ન રડો,
તેને માટે શોક ન કરો;
પણ જે [સ્વદેશમાંથી] જાય છે
તેને માટે બહુ રડો;
કેમ કે તે પાછો આવશે નહિ,
ને પોતાની જન્મભૂમિને ફરી જોવા
પામશે નહિ.
11કેમ કે યહૂદિયાના રાજા યોશિયાનો પુત્ર #૨ રા. ૨૩:૩૧-૩૪; ૨ કાળ. ૩૬:૧-૪. શાલ્લૂમ, જેણે પોતાના પિતા યોશિયાને સ્થાને રાજ કર્યું, અને જે આ સ્થાનમાંથી ગયો, તેના વિષે યહોવા કહે છે, ‘તે ત્યાંથી પાછો આવશે નહિ. 12પણ જે સ્થળે તેઓ તેને બંદીવાન કરીને લઈ ગયા છે, ત્યાં તે મરશે, ને તે ફરી આ દેશ જોવા પામશે નહિ.’”
યહોયાકીમ વિષે સંદેશો
13“જે માણસ પોતાનું ઘર અન્યાયથી તથા
પોતાની મેડીઓ અનીતિથી બાંધે છે,
જે પોતાના પડોશીની પાસે
વેઠ કરાવે છે,
ને તેની મજૂરી તેને આપતો નતી,
તે માણસને હાય હાય!
14તે કહે છે, ‘હું મારે માટે વિશાળ મકાન
તથા મોટી મેડીઓ બાંધીશ, ’
ને તે પોતાને માટે [તેમાં]
બારીઓ મૂકે છે;
અને તેની છત પર એરેજકાષ્ટનાં
પાટિયાં જડે છે,
ને તેના પર હિંગળોક ચોપડે છે.
15તું એરેજકાષ્ટના [મહેલો બાંધીને]
પ્રખ્યાતિ મેળવવા ઇચ્છે છે,
એથી શું તારું રાજ્ય ટકશે?
શું તારા પિતાએ ખાધુંપીધું નહોતું,
ને નીતિ તથા ન્યાયથી વર્ત્યો નહોતો?
અને ત્યારે જ તેને સુખ હતું.
16તેણે ગરીબ અને લાચારને ઇનસાફ
આપ્યો; તે સમયે તેને સુખ હતું.
મને ઓળખવો તે એ જ છે કે નહિ?
એવું યહોવા કહે ચે.
17પણ લૂંટી લેવું તથા નિર્દોષ રક્ત પાડવું,
તથા જુલમ અને બલાત્કાર ગુજારવો,
એ સિવાય બીજા કશા પર તારી આંખો તથા
તારું હ્રદય લાગેલાં નથી.”
18તે માટે યહૂદિયાના રાજા યોશિયાના
પુત્ર #૨ રા. ૨૩:૩૬—૨૪:૬; ૨ કાળ. ૩૬:૫-૭. યહોયાકીમ વિષે યહોવા કહે છે,
“તેને માટે, ‘ઓ મારા ભાઈ!’ અથવા
‘ઓ [મારી] બહેન!’ એવું બોલીને
લોક રડાપીટ કરશે નહિ.
અને ‘ઓ [મારા] સ્વામી!’ અથવા,
‘અરે તેની કેવી જાહોજલાલી!’
એવું બોલીને
તેઓ તેને માટે રડાપીટ કરશે નહિ.
19તેને યરુશાલેમના દરવાજાઓની બહાર
ઘસડીને ફેંકી દેવામાં આવશે,
ને ગધેડાને દાટવામાં આવે છે તેમ
તેને દાટશે.
યરુશાલેમના ભાવિ વિષે
20તું લબાનોન પર ચઢીને હાંક માર, અને
બાશાનમાં તારો ઘાંટો પાડ,
અને અબારિમ પર્વત પરથી
હાંક માર,
કેમ કે તારા પર પ્રેમ રાખનારા
સર્વ નાશ પામ્યા છે.
21હું તારી આબાદીના વખતમાં તને
કહેતો; ત્યારે તું બોલતો કે,
‘હું સાંભળીશ નહિ’
તારી તરુણાવસ્થાથી તારી રીતભાત
એવી હતી કે,
તેં મારા કહ્યા પર લક્ષ આપ્યું નહિ.
22પવન તારા સર્વ પાળકોનો આહાર થશે,
ને તારા પ્રીતમો બંદીવાસમાં જશે;
ત્યારે તું ખચીત તારી સર્વ દુષ્ટતાને
લીધે શરમિંદો તથા લજ્જિત થશે.
23રે લબાનોનમાં રહેનારી, તથા
એરેજવૃક્ષોમાં પોતાનો
માળો બાંધનાર,
જ્યારે તને પ્રસૂતાના જેવી વેદના તથા
કષ્ટ થશે,
ત્યારે તું કેવી દયામણી થશે!”
રાજા યહોયાકીમ સામે ઈશ્વરનો ઇનસાફ
24યહોવા પોતાના જીવના સમ ખાઈને કહે છે, “જો યહૂદિયાનો રાજા, એટલે યહોયાકીમનો પુત્ર #યહોયાખીનનું બીજું નામ કોન્યા હતું. ૨ રા. ૨૪:૮-૧૫; ૨ કાળ. ૩૬:૯-૧૦. કોનિયા, મારા જમણા હાથ પરની મુદ્રિકા હોત, તોપણ [હે કોનિયા,] હું ત્યાંથી તને ઉતારી મૂકત! 25જેઓ તારો જીવ શોધે છે, ને જેઓથી તું બીએ છે તેઓના હાથમાં, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના અને ખાલદીઓના હાથમાં, હું તને સોંપીશ. 26જે દેશમાં તમારો જન્મ થયો નહોતો એવા પારકા દેશમાં હું તને તથા તને જન્મ આપનાર તારી માને પણ ફેંકી દઈશ; અને ત્યાં તમે મરી જશો. 27પણ જે દેશમાં પાછા આવવાને તેમનો જીવ તલપે છે, તેમાં તેઓ પાછા આવશે નહિ. 28આ માણસ, એટલે કોનિયા, તે તુચ્છ અને ફૂટેલું માટલું છે શું? તે અણગમતા પાત્ર જેવો હશે શું? તો તેને તથા વંશજોને શા માટે અજાણ્યા દેશમાં ફેંકી દેવામાં આવ્યા છે?
29હે ભૂમિ, ભૂમિ, ભૂમિ,
તું યહોવાનું વચન સાંભળ.
30યહોવા કહે છે કે, લખી રાખો કે,
આ પુરુષ નિ:સંતાન જશે,
તેની આખી જિંદગીમાં
તે સુખી થશે નહિ;
અને તેના વંશમાંનો કોઈ પુરુષ
દાઉદના રાજ્યાસન પર બેસીને,
તથા યહૂદિયામાં અધિકાર ચલાવીને
આબાદ થશે નહિ.”
Currently Selected:
યર્મિયા 22: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.