યર્મિયા 20
20
પાશહૂર યાજક સાથે યર્મિયાની અથડામણ
1હવે ઈમ્મેરનો પુત્ર પાશહૂર યાજક, જે યહોવાના મંદિરમાં મુખ્ય અધિકારી હતો, તેણે યર્મિયાને આ ભવિષ્યવચન કહેતો સાંભળ્યો. 2ત્યારે પાશહૂરે યર્મિયા પ્રબોધકને માર્યો, ને યહોવાના મંદિરની પાસે બિન્યામીનના ઉપલા દરવાજામાં હેડ હતી તેમાં તેના પગ નાખ્યા. 3બીજે દીવસે પાશહૂરે યર્મિયાને હેડમાંથી કાઢયો, ત્યારે યર્મિયાએ તેને કહ્યું, “યહોવાએ તારું નામ પાશહૂર નહિ, પણ માગોર-મિસ્સાબીબ (દરેક બાજુએ-ભય) એવું પાડયું છે. 4કેમ કે યહોવા કહે છે કે, તું પોતાને તથા પોતાના સર્વ મિત્રોને ભયરૂપ થઈ પડે એવું હું કરીશ; તેઓ પોતાના શત્રુઓની તરવારથી માર્યા જશે, ને તે તું તારી નજરે જોશે; અને હું આખો યહૂદિયા બાબિલના રાજાના હાથમાં સોંપીશ; ને તે તેઓને બંદીવાન કરીને બાબિલમાં લઈ જશે, ને તરવારથી તેઓને મારી નાખશે. 5વળી હું આ નગરનું સર્વ દ્રવ્ય, તેની સર્વ પેદાશ, ને તેના સર્વ મૂલ્યવાન પદાર્થ, અને યહૂદિયાના રાજાઓનો સર્વ ધનસંગ્રહ તેઓના શત્રુઓના હાથમાં સોંપીશ; ને તેઓ તેને લૂંટશે, ને તેઓને પકડીને બાબિલમાં લઈ જશે. 6વળી હે પાશહૂર, તું ને તારા ઘરમાં રહેનારાં સર્વ બંદીવાન થશો, ને બાબિલ જશો. ત્યાં તું તેમ જ તારા સર્વ મિત્રો જેઓને તેં ખોટું ભવિષ્ય કહ્યું છે, તેઓ પણ ત્યાં મરશે, ને ત્યાં જ તેઓને દાટવામાં આવશે.”
પ્રભુની આગળ યર્મિયાની હૈયાવરાળ
7હે યહોવા, તમે મને ફોસલાવ્યો,
ને હું ફસાઈ ગયો! મારા કરતાં
તમે બળવાન છો, ને
તમે મને જીત્યો છે;
હું આખો દિવસ તિરસ્કારનું કારણ
થઈ પડયો છું,
સર્વ મારી મશ્કરી કરે છે.
8કેમ કે જ્યારે જ્યારે હું બોલું છું
ત્યારે ત્યારે બૂમ પાડું છું;
બલાત્કાર તથા લૂંટ, એવી બૂમ પાડું છું;
કેમ કે યહોવાનું વચન
[બોલ્યાને લીધે] આખો દિવસ
મારી નિંદા તથા તિરસ્કાર થય છે.
9વળી જો હું એવું કહું કે, તેને વિષે
હું વાત કરીશ નહિ,
ને તેને નામે ફરી બોલીશ નહિ,
તો જાણે મારાં હાડકાંમાં બળતો
અગ્નિ સમાયેલો હોય,
એવી મારા હ્રદયમાં પીડા થાય છે,
અને મૂંગા રહેતાં મને કંટાળો આવે છે;
હું [બોલ્યા વગર] રહી શકતો નથી.
10કેમ કે મેં ઘણાઓની વાત સાંભળી,
“ચારે તરફ ભય છે, ” મારા નિકટના
મિત્રો મને ઠોકર ખાતો જોવાને
તાકે છે; તેઓ બધા કહે છે,
“તેના પર ફરિયાદ કરીશું;
કદાચ તે ફસાઈ જાય અને
આપણે તેને જીતીએ,
તો તેના પર આપણે વેર વાળીશું”
11પણ યહોવા પરાક્રમી તથા ભયાનક વીર
તરીકે મારી સાથે છે.
તેથી જેઓ મારી પાછળ પડે છે
તેઓ ઠોકરલ ખાઈને પડશે,
તેઓ ફતેહ પામશે નહિ.
તેઓ અતિશય લજ્જિત થશે,
કેમ કે તેઓ ડહાપણથી ચાલ્યા નથી.
તેઓનું અપમાન કાયમ રહેશે,
તે કદી ભુલાશે નહિ.
12પણ હે સૈન્યોના [ઈશ્વર] યહોવા,
ન્યાયની કસોટી કરનાર ને અંત:કરણ
તથા હ્રદયને પારખનાર,
તેમના ઉપર કરેલો
તમારો પ્રતિકાર મને જોવા દો,
કેમ કે મેં તમારી આગળ
મારી દાદ જાહેર કરી છે.
13યહોવાનું સ્તોત્ર ગાઓ,
યહોવાની સ્તુતિ કરો,
કેમ કે તેમણે દુષ્ટોના હાથમાંથી
દરિદ્રીઓના જીવ બચાવ્યા છે.
14 #
અયૂ. ૩:૧-૧૯. જે દિવસે હું જન્મ્યો, તે શાપિત થાઓ!
જે દિવસે મારી માએ
મને જન્મ આપ્યો
તે દિવસ આશીર્વાદિત ન થાઓ!
15“તને પુત્ર થયો છે, ” એવી વધામણી
જે માણસે મારા પિતાને આપીને
તેમને અતિશય આનંદ પમાડયો
તે માનસ શાપિત થાઓ.
16જે નગરો યહોવાએ નષ્ટ કર્યાં, અને
પસ્તાવો કર્યો નહિ,
તેઓની જેમ તે માણસ [નષ્ટ] થાઓ;
તે માણસ સવારે વિલાપ તથા
મધ્યાહને રણનાદ સાંભળો!
17કેમ કે ગર્ભસ્થાનમાંથી મારા નીકળતાંની
વારમાં તેણે મને મારી નાખ્યો નહિ!
એ પ્રમાણે થાત તો મારી મા
મારી કબર થાત,
ને તેનું ગર્ભસ્થાન સદા
ગરોદર રહ્યું હોત.
18કષ્ટ તથા દુ:ખ ભોગવવા તથા લજ્જિત
રહીને મારા દિવસો પૂરા કરવા માટે
હું ગર્ભસ્થાનમાંથી કેમ બહાર આવ્યો?
Currently Selected:
યર્મિયા 20: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.