YouVersion Logo
Search Icon

યાકૂબનો પત્ર 4

4
દુનિયા સાથે દોસ્તી
1તમારામાં લડાઈ તથા ઝઘડા કયાંથી થાય છે? શું તમારા અવયવોમાંની લડાઈ કરનારી દુર્વાસનાથી નહિ? 2તમે કુઇચ્છા રાખો છો, પણ તે તૃપ્ત થતી નથી. તમે હત્યા કરો છો, અને લોભ રાખો છો, પણ કંઈ મેળવી શક્તા નથી. તમે લડાઈ ઝઘડા કરો છો; પણ તમારી પાસે કંઈ નથી, કેમ કે તમે માગતા નથી. 3તમે માગો છો પણ તમને મળતું નથી, કેમ કે તમે તમારા મોજશોખ પર ખરચી નાખવાના ખોટા ઇરાદાથી માગો છો. 4ઓ વ્યભિચારિણીઓ, શું તમને માલૂમ નથી કે, જગતની મૈત્રી ઈશ્વર પ્રત્યે વૈર છે? માટે જે કોઈ જગતનો મિત્ર થવાની ઇચ્છા રાખે છે, તે ઈશ્વરનો વૈરી થાય છે. 5જે આત્માને તેમણે આપણામાં વસાવ્યો, તેને તે પોતાનો જ કરવાની ઉમળકાથી ઇચ્છા રાખે છે, એમ શાસ્‍ત્રમાં કહેલું છે તે ફોકટ છે, એમ તમે ધારો છો? 6પણ તે તો વધારે ને વધારે કૃપા આપે છે. માટે [શાસ્‍ત્ર] કહે છે કે, #નીતિ. ૩:૩૪. ઈશ્વર ગર્વિષ્ડોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.
7માટે તમે ઈશ્વરને આધીન થાઓ; પણ શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે. 8તમે ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ, તમે તમારા હાથ શદ્ધ કરો. અને ઓ બે મનવાળાઓ, તને તમારાં મન પવિત્ર કરો. 9તમે ઉદાસ થાઓ, ને શોક કરો, ને રડો. તમને હાસ્યને બદલે શોક તથા આનંદને બદલે ખેદ થાય. 10પ્રભુની આગળ તમે દીન થાઓ, એટલે તે તમને ઉચ્ચપદે મૂકશે.
બીજાનો ન્યાય ન કરો
11ઓ ભાઈઓ, તમે એકબીજાનું ભુંડું ન બોલો, જે પોતાના ભાઈનું ભૂંડું બોલે છે, અથવા પોતાના ભાઈને દોષિત ઠરાવે છે, તે નિયમને દોષિ ઠરાવે છે, ને નિયમનો ન્યાય કરે છે. અને જો તું નિયમનો ન્યાય કરે છે તો તું નિયમનો પાળનાર નથી, પણ તેનો ન્યાય કરનાર છે. 12નિયમ આપનાર તથા ન્યાય કરનાર એક જ છે, તે તો તારવાને તથા નાશ કરવાને શક્તિમાન છે. પણ બીજાનો ન્યાય કરનાર તું કોણ છે?
બડાઈ મારવી નહિ
13 # નીતિ. ૨૭:૧. હવે ચાલો, તમે કહો છો, “આજે અથવા કાલે અમે અમુક શહેરમાં જઈને ત્યાં એક વર્ષભર રહીશું, અને વેપાર કરીને કમાણી કરીશું.” 14તોપણ કાલે શું થશે એની તમને ખબર નથી. તમારી જિંદગી શાના જેવી છે? તમે તો ધૂમર [જેવા] છો, તે થોડી વાર દેખાય છે, અને પછી અદ્રશ્ય થાય છે. 15પણ ઊલટું તમારે તો એમ કહેવું જોઈએ કે, જો પ્રભુની ઇચ્છા હશે, તો અમે જીવતા રહીશું, અને આમ કે તેમ કરીશું. 16પણ હવે તમે તો ગર્વ કરીને બડાઈ કરો છો, એવી બધી બડાઈ ખોટી છે.
17માટે જે ભલું કરી જાણે છે, પણ કરતો નથી, તેને પાપ લાગે છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in