YouVersion Logo
Search Icon

યશાયા 9

9
ભાવિ રાજરાજેશ્વર
1પરંતુ જે [ભૂમિ] પર સંકટ પડયું હતું, તેમાં અંધારું રહેશે નહિ. પ્રથમ તેમણે #માથ. ૪:૧૫. ઝબુલોન તથા નફતાલીના દેશને તિરસ્કારપાત્ર કરી નાખ્યો હતો, પણ છેવટે તેને, એટલે સમુદ્ર તરફના રસ્તા પર યર્દનને પેલે પાર જે વિદેશીઓનો પ્રાંત છે તેને, તેમણે પ્રતિષ્ઠિત કર્યો છે.
2 # માથ. ૪:૧૬; લૂ. ૧:૭૯. અંધકારમાં ચાલનારા લોકોએ
મહાન પ્રકાશ જોયો છે.
મરણછાયાના દેશમાં વસનારા પર
અજવાળું પ્રકાશ્યું છે.
3તેં પ્રજાની વૃદ્ધિ કરી છે,
તેં તેમનો આનંદ વધાર્યો છે.
કાપણિમાં થતા આનંદ પ્રમાણે,
તેમ જ લોક લૂંટ વહેંચતાં હરખાય છે
તે પ્રમાણે તેઓ તારી સમક્ષ
આનંદ કરે છે.
4કેમ કે મિદ્યાનને દિવસે થયું તે પ્રમાણે
તેના ભારની ઝૂંસરીને,
તેની ખાંધ પરની કાઠીને ને
તેના પર જુલમ કરનારની પરોણીને
તેં ભાંગી નાખી છે.
5સૈનિકોના ધબકારા કરતા જોડા,
ને રક્તમાં બોળેલાં વસ્ત્ર,
તે સર્વ બળતણની જેમ અગ્નિમાં
બાળી નાખવામાં આવશે.
6કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે,
આપણને પુત્ર આપવામાં આવ્યો છે;
તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે;
અને તેને “અદભૂત મંત્રી, પરાક્રમી
ઈશ્વર, સનાતન પિતા, ને
શાંતિનો સરદાર, ” એ નામ
આપવામાં આવશે.
7દાઉદના રાજ્યાસન ઉપર,
ને તેના રાજ્ય ઉપર,
તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી
# લૂ. ૧:૩૨-૩૩. તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા
તથા દઢ કરવા માટે
તેમની સત્તાની વૃદ્ધિનો તથા
શાંતિનો પાર રહેશે નહિ.
સૈન્યોના [ઈશ્વર] યહોવાની
ઉત્કંઠાથી આ થશે.
પ્રભુ ઇઝરાયલને સજા કરશે
8પ્રભુએ યાકૂબમાં સંદેશો મોકલ્યો છે, ને ઇઝરાયલને તે પહોંચ્યો છે. 9એફ્રાઈમ તથા સમરૂનના સર્વ રહેવાસીઓ કે, જેઓ ગર્વથી તથા માનની બડાઈ મારીને કહે છે, 10“ઈંટો પડી ગઈ છે, પણ અમે ઘડેલા પથ્થરોથી બાંધીશું; ગુલ્લરઝાડ કાપી નાખવામાં આવ્યાં છે, પણ તેઓને બદલે એરેજવૃક્ષ લાવીશું, ” એ સર્વ લોક તે જાણશે. 11તેથી યહોવાએ રસીનના શત્રુઓને તેના ઉપર ચઢાવ્યા છે, ને તેના વૈરીઓને ઉશ્કેર્યા છે. 12પૂર્વ તરફથી અરામીઓને તથા પશ્ચિમથી પલિસ્તીઓને [તે ઉશ્કેરશે] ; તેઓ મુખ પહોળું કરીને ઈઝરાયલને ગળી જશે. એ સર્વ છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી, ને તેમનો હાથ હજી ઉગામેલો છે.
13તોપણ લોકો પોતાને મારનારની તરફ ફર્યા નથી, સૈન્યોના [ઈશ્વર] યહોવાને તેઓએ શોધ્યા નથી. 14માટે યહોવાએ ઇઝરાયલનું માથું તથા તેનું પૂછડું, ખજૂરીની ટોચ તથા સરકટ એક જ દિવસે કાપી નાખ્યાં છે. 15વડીલ તથા માનવંતા તે માથું, અને અસત્ય શીખવનાર પ્રબોધક તે પૂછડું છે. 16કેમકે આ લોકના નેતાઓ ભૂલા પાડનાર થયા છે; અને તેઓને અનુસરનારા ને ખાઈ જવામાં આવ્યા છે. 17માટે પ્રભુ તેમના જુવાનોથી હરખાશે નહિ. અને તેઓના અનાથો પર, તથા તેમની વિધવાઓ પર દયા રાખશે નહિ; કેમ કે તેઓ સર્વ અધર્મી, ને પાપ કરનારા છે, ને સર્વ મુખો મૂર્ખાઈની વાતો બોલે છે. એ સર્વ છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી, ને તેમનો હાથ હજી ઉગામેલો છે.
18દુષ્ટતા દવની જેમ બળે છે; તે કાંટાને તથા ઝાંખરાંને બાળી નાખે છે; તેથી વનની ઝાડીઓ સળગી ઊઠે છે, એટલે તેના ધુમાડાના ગોટેગોટા ચક્કર ખાતાં ચઢી જાય છે. 19સૈન્યોના [ઈશ્વર] યહોવાના કોપથી દેશ બળી જાય છે, અને લોકો અગ્નિના બળતણ જેવા થાય છે; કોઈ માણસ પોતાના ભાઈ પર દયા રાખતો નથી. 20કોઈક જમણે હાથે ખૂંચવી લેશે, તોપણ ભૂખ્યો રહેશે; અને ડાબે હાથે ખાઈ જશે, તોપણ તેઓ ધરાશે નહિ! તેઓમાંનો દરેક પોતાના ભુજનું માંસ ખાઈ જશે; 21મનાશ્શા એફ્રાઈમને તથા એફ્રાઈમ મનાશ્શાને [ખાઈ જશે]. તેઓ બન્ને યહૂદાની સામે થશે. એ સર્વ છતાં યહોવાનો રોષ શમી ગયો નથી, ને તેમનો હાથ હજી ઉગામેલો છે.

Currently Selected:

યશાયા 9: GUJOVBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in