YouVersion Logo
Search Icon

યશાયા 8

8
નિશાનીરૂપ યશાયાના પુત્રનું સાંકેતિક નામ
1વળી યહોવાએ મને કહ્યું, “તારે માટે મોટી પાટી લઈને તે પર સાધારણ લિપિમાં ‘માહેર-શાલાલ-હાશ-બાઝને માટે’ લખ; 2અને મારી પોતાની તરફથી વિશ્વાસુ સાક્ષીઓની પાસે, એટલે ઊરિયા યાજક તથા બેરેખ્યાના દીકરા ઝખાર્યાની પાસે સાક્ષી કરાવીશ.” 3પછી હું પ્રબોધિકા પાસે ગયો. તે ગર્ભવતી થઈ, ને તેને દીકરો જન્મ્યો. ત્યારે યહોવાએ મને કહ્યું, “તેનું નામ માહેર-શાલાલ-હાશ-બાઝ રાખ. 4કેમ કે તે છોકરામાં મારા પિતા, ને મારી મા, એમ કહેવાની સમજણ આવશે, તે પહેલાં દમસ્કસનું દ્રવ્ય તથા સમરૂની લૂંટ આશૂરના રાજાની પાસે લઈ જવામાં આવશે.”
આશૂરનો રાજા ચઢી આવશે
5વળી યહોવાએ ફરીથી મારી સાથે વાત કરીને કહ્યું, 6“આ લોકોએ શિલોઆના ધીમે ધીમે વહેતા પાણીને તરછોડયું છે, અને તેઓ રસીન તથા રમાલ્યાના દીકરાથી આનંદ પામે છે. 7એ માટે જુઓ, પ્રભુ તેઓ પર નદીના જબરા તથા પુષ્કળ પાણીને, એટલે આશૂરના રાજાને, તેના પૂરા ઠાઠમાઠસહિત ચઢાવી લાવશે; તે તેનાં સર્વ નાળાં પર ચઢી આવશે, ને તેનાં સર્વ કાંઠાઓ પર ફરી વળશે. 8તે યહૂદિયામાં ધસી આવશે; તે ઊભરાઈને આરપાર જશે; તે ગળા સુધી પહોંચશે; અને તેની પાંખોના વિસ્તારથી, હે ઈમાનુએલ, તારો આખો દેશ ભરપૂર થઈ જશે.”
9હે વિદેશીઓ, થાય તે કરો, ને તમારા ભાંગીને ચૂરેચૂરા થઈ જશે! હે દૂર દેશના સર્વ લોકો, કાન દો, સજ્જ થાઓ, ને તમારા ભાંગીને ચૂરેચૂરા થઈ જશે. 10મસલત કરો, અને તે નિષ્ફળ જશે; ઠરાવ જાહેર કરો, ને તે ફોકટ જશે; કેમ કે ઈશ્વર અમારી સાથે છે.
પ્રભુ પ્રબોધકને ચેતવે છે
11યહોવાએ પોતાના સમર્થ હાથથી મને [ઝાલીને] મારી સાથે આ પ્રમાણે વાત કરી, ને આ લોકોના માર્ગમાં ન ચાલવાની શિખામણ આપીને કહ્યું, 12“આ લોકો જે સર્વને કાવતરું કહે છે તેને તમારે કાવતરું ન કહેવું; અને #૧ પિત. ૩:૧૪-૧૫. જેનાથી તેઓ બીએ છે તેનાથી તમારે બીવું નહિ, ને ડરવું નહિ. 13સૈન્યોના [ઈશ્વર] યહોવાને પવિત્ર માનો; અને તેમનાથી બીઓ તથા તેમનાથી ડરો. 14એટલે તે [તમારું] પવિત્રસ્થાન થશે; પરંતુ ઇઝરાયલનાં બન્ને કુળને માટે તે #૧ પિત. ૨:૮. ઠેસ ખવડાવનાર પથ્થર તથા ઠોકર ખવડાવનાર પહાણો થશે, યરુશાલેમના રહેવાસીઓને માટે તે ફાંસલારૂપ તથા ફાંદારૂપ થઈ પડશે. 15તેઓમાંના ઘણા તેથી ઠોકર ખાઈને પડશે, ને છિન્નભિન્ન થઈ જશે, ને સપડાઈને પકડાશે.”
ભૂવાઓ અને ધંતરમંદર કરનારાથી દૂર રહો
16હું સાક્ષી બાંધી દઈશ, શિક્ષણ પર મહોર કરીને મારા શિષ્યોને [તે સોંપી દઈશ]. 17યહોવા જે યાકૂબનાં સંતાનોથી પોતાનું મુખ ફેરવે છે, તેમને માટે #હિબ. ૨:૧૩. હું વાટ જોઈશ, ને તેમની રાહ જોઈશ. 18#હિબ. ૨:૧૩.જુઓ, હું તથા યહોવાએ જે છોકરા મને આપ્યા છે તેઓ પણ, સિયોન પર્વતમાં વસનાર સૈન્યોના [ઈશ્વર] યહોવાની પાસેથી [મળેલા] ઇઝરાયલમાં ચિહ્નો તથા અદભુત કૃત્યોને અર્થે છીએ.
19જ્યારે તેઓ તમને કહે, ‘ભુવાઓ પાસે, ને ઝીણે અવાજે બડબડનાર ધંતરમંતર કરનારની પાસે જઈને ખબર કાઢો.’ [ત્યારે તારે કહેવું,] ‘લોકોએ પોતાના ઈશ્વરની પાસે જઈને ખબર નહિ કાઢવી? જીવતાંની ખાતર મરેલાં પાસે ખબર કાઢવા જવું?’ 20‘શિક્ષણ તથા સાક્ષીની પાસે [જઈએ] !’ જ્યારે તેમને માટે સૂર્યોદય ખચીત થવાનો નથી, ત્યારે તેઓ એ પ્રમાણે બોલશે.
આફતનો સમય
21દુ:ખી તથા ભૂખ્યા થઈને, તેઓ [દેશમાં] ભટકશે; અને ભૂખ્યા થઈને તેઓ ક્રોધાયમાન થશે, ને પોતાના રાજાને તથા પોતાના ઈશ્વરને શાપ આપશે, તેઓ આકાશ તરફ જોશે; 22અને વળી પૃથ્વી પર નજર કરશે, તો જુઓ, વિપત્તિ તથા અંધકાર અને વેદનાની ગ્લાનિ દેખાશે; અને ઘોર અંધકારમાં તેઓને હાંકી કાઢવામાં આવશે.

Currently Selected:

યશાયા 8: GUJOVBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in