યશાયા 56
56
ઈશ્વરની પ્રજામાં બધી પ્રજાઓનો સમાવેશ
1યહોવા કહે છે, “ન્યાયનું પાલન કરો ને પ્રમાણિકપણે વર્તો; કેમ કે મારા તારણનું આવવું ને મારા ન્યાયનું પ્રગટ થવું નજીક છે. 2જે માણસ એ પ્રમાણે વર્તે છે, ને જે પુરુષ એને વળગી રહે છે, અને સાબ્બાથને અપવિત્ર ન કરતાં જે એને પાળે છે, ને પોતાનો હાથ કંઈ પણ ભૂંડું કરવાથી પાછો રાખે છે, તેને ધન્ય છે.”
3વળી જે પરદેશી યહોવાના સંબંધમાં આવેલો છે, તેણે એવું જ કહેવું કે યહોવા મને પોતાના લોકથી ખચીત જુદો પાડશે, વળી ખોજાએ ન કહેવું કે, જુઓ હું તો [માત્ર] સુકાયેલું ઝાડ છું. 4કેમ કે જે ખોજાઓ મારા સાબ્બાથો પાળે છે, ને જે બાબતો મને ગમે છે તે પસંદ કરે છે, ને મારા કરારને વળગી રહે છે, તેઓ વિષે યહોવા કહે છે કે, 5તેમને તો હું મારા મંદિરમાં તથા મારા કોટોમાં દીકરા તથા દીકરીઓ કરતાં ઉત્તમ સ્મારક તથા નામ આપીશ. એમને નષ્ટ નહિ થાય એવું અમર નામ હું આપીશ.
6વળી જે પરદેશીઓ યહોવાની સેવા કરવા માટે, તથા યહોવાના નામ પર પ્રેમ રાખવા માટે, એના સેવક થવા માટે, તેમના સંબંધમાં આવે છે એટલે જે સર્વ મારા સાબ્બાથને અપવિત્ર ન કરતાં એને પાળે છે, ને મારા કરારને વળગી રહે છે; 7તેમને તો હું મારા પવિત્ર પર્વત પર લાવીશ, અને #માથ. ૨૧:૧૩; માર્ક ૧૧:૧૭; લૂ. ૧૯:૪૬. મારા પ્રાર્થનાના મંદિરમાં તેમને આનંદિત કરીશ; તેમનાં દહનીયાર્પણો તથા તેમના યજ્ઞો મારી વેદી પર માન્ય થશે; કેમ કે મારું મંદિર સર્વ પ્રજાઓને માટે પ્રાર્થનાનુમ મંદિર કહેવાશે. 8પ્રભુ યહોવા જે ઇઝરાયલના વિખેરાઈ ગયેલાઓને ભેગા કરે છે તે એવું કહે છે, “તેના ભેગા થયેલા ઉપરાંત હું હજી તેની પાસે બીજાઓને લાવીને ભેગા કરીશ.
ઇઝરાયલના આગેવાનોને ઠપકો
9ખેતરનાં સર્વ શ્વાપદ, વનમાંનાં સર્વ પશુ, તમે ફાડી ખાવાને આવો. 10તેના ચોકીદારો આંધળા છે, તેઓ સર્વ અજ્ઞાન છે; તેઓ સર્વ મૂંગા કૂતરા છે કે, જેઓ ભસી શકતા નથી; તેઓ સ્વપ્નવશ, સૂઈ રહેનારા, અને ઊંઘણશી છે. 11વળી તેઓ ખાઉધરા કૂતરા છે, તેઓ તૃપ્તિ સમજતા નથી; અને ઘેટાંપાળક પોતે કશું સમજતા નથી; તેઓ સર્વ પોતપોતાને માર્ગે, દરેક પોતાનો સ્વાર્થ સાધવાને માટે, ફરી ગયા છે. 12[તેઓ કહે છે કે,] “આવો, હું દ્રાક્ષારસ લાવું, ને આપણે પુષ્કળ દારૂ પીએ; અને આવતી કાલનો દિવસ આજના જેવો થશે, બલકે તે કરતાં પણ બહુ જ આનંદનો થશે.”
Currently Selected:
યશાયા 56: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.