YouVersion Logo
Search Icon

યશાયા 48

48
ભવિષ્યનો સ્વામી પણ ઈશ્વર જ
1હે યાકૂબનાં સંતાનો,
તમે આ સાંભળો;
તમે તો ઇઝરાયલના નામથી
ઓળખાઓ છો,
ને યહૂદિયાના ઝરાથી નીકળી
આવેલાં છો; તમે તો યહોવાના
નામના સમ ખાઓ છો, અને
ઇઝરાયલના ઈશ્વરનું સ્મરણ કરો છો,
પણ સચ્ચાઈથી નહિ, ને
પ્રામાણિકપણાથી નહિ.
2કેમ કે ‘અમે પવિત્ર નગરના [રહેવાસી]
છીએ, ’ એવું તેઓ કહે છે, ને તેમનો
આધાર ઇઝરાયલના ઈશ્વર પર છે.
તેમનું નામ સૈન્યોના [ઈશ્વર]
યહોવા છે.
3આગલી બિનાઓને મેં અગાઉથી પ્રગટ
કરી; હા મારા મુખમાંથી તે નીકળી,
મેં તે [તને] કહી સંભળાવી;
મેં તેમને એકદમ પૂરી કરી,
ને તે બની આવી.
4મેં જાણ્યું કે તું જિદ્દી છે, અને તારા
ડોકાના સ્નાયુઓ લોખંડ જેવા છે,
ને તારું કપાળ પિત્તળ જેવું છે;
5તેથી તો મેં તને પુરાતન કાળથી વિદિત
કર્યું હતું; તે થયા પહેલાં
મેં [આગળથી] તને કહી સંભળાવ્યું
હતું; રખેને તું કહે,
‘મારી મૂર્તિએ તે કામો કર્યાં છે,
ને મારી કોરેલી મૂર્તિએ તથા મારી
ઢાળેલી મૂર્તિએ તે ફરમાવ્યાં છે.’
6તેં તે સાંભળ્યું છે; આ સર્વ જો;
અને શું તમે તે વિષે સાક્ષી
પૂરશો નહિ?
હવેથી નવી ને ગુપ્ત રાખેલી બિનાઓ
કે જે તેં જાણી નથી,
તે હું તને કહી સંભળાવું છું.
7હમણાં તે ઉત્પન્ન થઈ છે, અગાઉથી
તે નહોતી; આજ સુધી તો તેં તે
સાંભળી પણ નહોતી; રખેને
તું કહે, ‘હું તે જાણતો હતો.’
8વળી તેં સાભળ્યું નહિ;
વળી તેં જાણ્યું નહિ;
વળી તારા કાન અગાઉથી ઊઘડયા
નહિ; કેમ કે હું જાણતો હતો કે,
તું તદ્દન કપટી છે, ને ગર્ભસ્થાનથી
માંડીને તું બંડખોર કહેવાતો
આવ્યો છે.
9મારા પોતાના નામની ખાતર હું મારો
કોપ શમાવીશ, ને મારી સ્તુતિને
અર્થે તારા પ્રત્યે મારા [રોષને]
હું કબજામાં રાખીશ કે,
જેથી હું તને નાબૂદ ન કરું.
10જુઓ, મેં તને ચોખ્ખો કર્યો છે,
પણ રૂપાની જેમ નહિ;
વિપત્તિરૂપી ભઠ્ઠીમાં તને કસ્યો છે.
11મારે પોતાને માટે, મારે પોતાને માટે જ
હું તે કામ કરીશ;
કેમ કે [મારું નામ]
કેવું ભ્રષ્ટ કરવામાં આવ્યું છે?
હું મારો મહિમા બીજાને આપીશ નહિ.
પ્રભુનો પસંદિત આગેવાન:કોરેશ
12હે યાકૂબ, ને મારા બોલાવેલા
ઇઝરાયલ, મારું સાંભળો;
હું તે જ છું. #યશા. ૪૪:૬; પ્રક. ૧:૧૭; ૨૨:૧૩. હું આદિ છું,
હું અંત પણ છું.
13વળી મારે હાથે પૃથ્વીનો પાયો નાખ્યો,
ને મારે જમણે હાથે આકાશોને
પ્રસાર્યાં; હું તેમને બોલાવું છું,
એટલે તેઓ એકત્ર ઊભાં થાય છે.
14તમે સર્વ એકઠા થાઓ, ને સાંભળો;
તેઓમાંના કોણે એ બિનાઓ
જાહેર કરી છે?
જેના પર યહોવા પ્રેમ રાખે છે,
તે બાબિલ પર
તેનો ઈરાદો પૂરો કરશે,
ને તેના હાથ ખાલદીઓ પર પડશે.
15હું, હું જ બોલ્યો છું; વળી મેં જ તેને
બોલાવ્યો છે, હું તેને લાવ્યો છું,
તે પોતાના માર્ગમાં સફળ કરશે.
16મારી પાસે આવો, આ સાંભળો;
પ્રારંભથી હું ગુપ્તમાં બોલ્યો નથી;
તે થયું ત્યારથી હું ત્યાં છું.
અને હવે પ્રભુ યહોવાએ પોતાના
આત્મા સહિત મને મોકલ્યો છે.”
પોતાના લોકોને માટે પ્રભુની યોજના
17તારો ઉદ્ધાર કરનાર યહોવા,
ઇઝરાયલનો પવિત્ર [ઈશ્વર] એવું
કહે છે, “હું યહોવા તારો ઈશ્વર છું,
ને તારા લાભને અર્થે હું તને શીખવું છું;
જે માર્ગે તારે જવું જોઈએ તે પર
તારો ચલાવનાર હું છું.
18જો તેં મારી આજ્ઞાઓ ધ્યાનમાં લીધી
હોત તો કેવું સારું!
ત્યારે તો તારી શાંતિ નદીના જેવી,
ને તારું ન્યાયીપણું સમુદ્રનાં મોજાં
જેવું થાત.
19વળી તારાં સંતાન રેતી જેટલાં ને તારા
પેટથી પેદા થયેલાં તેની રજકણો
જેટલાં થાત;
તેનું નામ મારી સમક્ષ નાબૂદ થાત
નહિ ને તે વિનાશ પામત નહિ.
20 # પ્રક. ૧૮:૪. બાબિલમાંથી નીકળો, ખલદીઓની
પાસેથી નાસી જાઓ.
હર્ષનાદથી આ જાહેર કરીને સંભળાવો;
પૃથ્વીના છેડા સુધી તેને પ્રગટ કરો;
કહો કે, યહોવાએ પોતાના સેવક
યાકૂબનો ઉદ્ધાર કર્યો છે.
21તે તેઓને રણમાં દોરી લઈ ગયા,
તોપણ તેઓ તરસ્યા રહ્યા નહિ;
તેમણે તેઓને માટે ખડકમાંથી
પાણી વહેતું કર્યું;
વળી તેમણે ખડક ફાડયા, અને
[તેમાંથી] પાણી ખળખળ વહ્યું.”
22 # યશા. ૫૭:૨૧. યહોવાએ કહ્યું છે, “દુષ્ટોને કંઈ શાંતિ
હોતી નથી.”

Currently Selected:

યશાયા 48: GUJOVBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in