YouVersion Logo
Search Icon

યશાયા 38

38
હિઝકિયા રાજાની માંદગી અને સાજાપણું
(૨ રા. ૨૦:૧-૧૧)
1તે સમયે હિઝકિયા મરણતોલ માંદો પડયો. ત્યારે આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું, “યહોવા એમ કહે છે, ‘તારા ઘરનો બંદોબસ્ત કર; કેમ કે તું મરવાનો છે, ને જીવવાનો નથી.’” 2ત્યારે હિઝકિયાએ પોતાનું મુખ ભીંત તરફ ફેરવીને યહોવાની પ્રાર્થના કરીને કહ્યું, 3“હે યહોવા, હું તમારા કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હ્રદયથી તમારી સમક્ષ ચાલ્યો છું, ને તમારી દષ્ટિમાં જે સારું તે મેં કર્યું છે, એનું સ્મરણ કરો.” પછી હિઝકિયા બહુ રડયો.
4ત્યારે યશાયાની પાસે યહોવાનો એવો સંદેશો આવ્યો, 5“જઈને હિઝકિયાને કહે, ‘તારા પિતા દાઉદના ઈશ્વર યહોવા એમ કહે છે, તારી પ્રાર્થના મેં સાંભળી છે, તારાં આંસુ મેં જોયાં છે; હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારીશ. 6હું તને તથા આ નગરને આશૂરના રાજાના હાથમાંથી છોડાવીશ; અને હું આ નગરનું રક્ષણ કરીશ.’ 7યહોવાએ જે વચન કહ્યું છે, તે તે પૂરું કરશે, એનું આ ચિહ્ન તને યહોવાથી મળશે: 8‘જુઓ, આહાઝના સમય-દર્શક યંત્રમાં જે છાંયડો દશ અંશ પર છે, તેને હું દશ અંશ પાછો હઠાવીશ.’” તેથી છાંયડો જે સમયદર્શક યંત્ર પર હતો તે દશ અંશ પાછો હઠયો.
9યહૂદિયાનો રાજા હિઝકિયા માંદો પડીને સાજો થયો ત્યારે તેણે જે લખ્યું તે આ:
10“મેં કહ્યું, મારા આયુષ્યના મધ્યકાળમાં
હું શેઓલની ભાગળોમાં જવાનો છું;
મારાં બાકીનાં વર્ષો મારી પાસેથી લઈ
લેવામાં આવ્યાં છે.
11મેં કહ્યું, હું યહોવાને જોઈશ નહિ,
જીવતાંઓની ભૂમિમાં
હું યહોવાને જોઈશ નહિ;
સંસારના રહેવાસીઓની સાથે
હું ફરી માણસને નિહાળીશ નહિ.
12ભરવાડોની રાવટીની જેમ
મારું રહેઠાણ ઉખેડી નંખાયું છે,
ને મારી પાસેથી દૂર કરવામાં આવ્યું છે;
મેં વણકરની જેમ મારું જીવન
વીંટાળી લીધું છે;
તે મને તાણામાંથી કાપી નાખશે;
એક દિવસ ને રાત સુધી
તમે મને પૂરો કરી નાખશો.
13સવાર સુધી મેં વિચાર કર્યો કે,
તે સિંહની જેમ મારાં સર્વ
હાડકાં ભાંગી નાખે છે;
એક દિવસ ને રાત સુધીમાં તમે
મને પૂરો કરી નાખશો.
14અબાબીલ કે બગલાની જેમ
હું ચૂંચું કરતો;
હોલાની જેમ હું વિલાપ કરતો;
મારી આંખ ઉચ્ચસ્થાન તરફ જોવાથી
નબળી થઈ છે;
હે યહોવા, હું દબાઈ ગયો છું,
તમે મારા જામીન થાઓ.
15હું શું બોલું? પ્રભુ મારી સાથે
બોલ્યા છે, ને તેમણે જ તે કર્યું છે;
મારા જીવની વેદનાને લીધે
હું મારી આખી જિંદગી સુધી
હળવે હળવે ચાલીશ.
16હે પ્રભુ, એવાં વચનો વડે માણસો જીવન
ઘારણ કરે છે,
ફકત તેઓમાં મારા આત્માનું જીવન છે;
તમે મને સાજો કરશો,
ને મને જીવતો રાખશો.
17જુઓ, [મારી] શાંતિને અર્થે
મને અતિ શોક થયો હતો;
અને તમે પ્રેમથી મારો જીવ વિનાશના
ખાડામાંથી બહાર કાઢયો છે;
કેમ કે તમે મારાં સર્વ પાપ તમારી પીઠ
પાછળ નાખી દીધાં છે.
18કેમ કે શેઓલ તમારી
આભારસ્તુતિ કરે નહિ,
મરણ તમારાં સ્તોત્ર ગાય નહિ;
જેઓ કબરમાં ઊતરે છે તેઓ
તમારી સત્યતાની આશા રાખે નહિ.
19જીવતો, હા, જીવતો માણસ તો,
જેમ આજે હું કરું છું તેમ,
તમારી આભારસ્તુતિ કરશે;
પિતા [પોતાનાં] સંતાનોને તમારી
સત્યતા જાહેર કરશે.
20યહોવા મને તારવાના છે;
તેથી અમે અમારી આખી જિંદગી સુધી
યહોવાના મંદિરમાં અમારાં
વાજિંત્રો વગાડીશું.”
21હવે યશાયાએ કહ્યું હતું, “અંજીરની એક થેપલી લઈને ગૂમડા પર બાંધો, એટલે તે સાજો થશે.” 22વળી હિઝકિયાએ કહ્યું હતું, “હું યહોવાના મંદિરમાં ચઢી જઈશ એનું શું ચિહ્ન થશે?”

Currently Selected:

યશાયા 38: GUJOVBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in