YouVersion Logo
Search Icon

યશાયા 37

37
રાજા યશાયાની સલાહ શોધે છે
(૨ રા. ૧૯:૧-૭)
1જ્યારે હિઝકિયા રાજાએ એ સાંભળ્યું ત્યારે તેણે પોતાનાં વસ્ત્ર ફાડયાં, ને શરીર પર ટાટ ઓઢીને યહોવાના મંદિરમાં ગયો. 2તેણે મહેલના કારભારી એલિયાકીમને, શેબના ચિટનીસને તથા યાજકોના વડીલોને ટાટ ઓઢાવીને તેમને આમોસના દીકરા યશાયા પ્રબોધક પાસે મોકલ્યા. 3તેઓએ તેને કહ્યું, “હિઝકિયા એવું કહે છે કે, આ તો સંકટનો, ઠપકાનો તથા ફજેતીનો દિવસ છે; કેમ કે છોકરાંનો પ્રસવ થવાની તૈયારી છે, ને જન્મ આપવાની શક્તિ નથી. 4આશૂરના રાજાએ પોતાના સેવક રાબશાકેને જીવતા ઈશ્વરની નિંદા કરવા માટે મોકલ્યો છે. કદાચ તેના સર્વ શબ્દો તમારા ઈશ્વર યહોવા સાંભળશે, ને તે સાંભળીને [તેને માટે] તે તેઓને ધમકાવે; માટે બચી ગયેલાઓને માટે તમે પ્રાર્થના કરો.”
5પછી હિઝકિયા રાજાના સેવકો યશાયા પાસે ગયા. 6યશાયાએ તેમને કહ્યું, “તમારા ધણીને કહેજો કે, યહોવા કહે છે કે, ‘જે શબ્દો તેં સાંભળ્યા છે, એટલે જે વડે આશૂરના રાજાના સેવકોએ મારી વિરુદ્ધ દુર્ભાષણ કર્યું છે, તેથી તારે બીવું નહિ. 7જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ, ને તે અફવા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે; અને ત્યાં હું તેને તરવારથી મારી નંખાવીશ.’”
આશૂરીઓની બીજી ધમકી
(૨ રા. ૧૯:૮-૧૯)
8જ્યારે રાબશાકે પાછો ગયો, ત્યારે તેને માલૂમ પડયું કે આશૂરનો રાજા લિબ્નાની વિરુદ્ધ યુદ્ધ કરે છે. વળી તેણે સાંભળ્યું હતું કે તે લાખીશથી ઊપડયો છે. 9જ્યારે તેણે કૂશના રાજા તિર્હાકા વિષે સાંભળ્યું કે તે મારી સામે યુદ્ધ કરવા ચઢી આવ્યો છે, ત્યારે તેણે ફરીથી યહૂદિયાના રાજા હિઝકિયાની પાસે માણસ મોકલીને કહાવ્યું, 10“જે દેવ પર તું ભરોસો રાખે છે, તે એવું કહીને તમને ન છેતરે કે, ‘યરુશાલેમ આશૂરના રાજાના હાથમાં નહિ પડશે.’ 11આશૂરના રાજાઓએ સર્વ દેશોનો નાશ કરીને તેઓના કેવા હાલ કર્યા છે તે તો તેં સાંભળ્યું છે; અને શું તારો બચાવ થશે? 12જે પ્રજાઓનો, એટલે ગોઝાન, હારાન, રેસેફ તથા તલાસારમાં રહેનાર એદેનપુત્રોનો મારા પૂર્વજોએ નાશ કર્યો છે, તેઓના દેવોએ તેઓને બચાવ્યા છે શું? 13હમાથનો, આર્પાદનો, સફાર્વાઈમ નગરનો, હેનાનો તથા ઈવાનો રાજા ક્યાં છે?”
14પછી હિઝકિયાએ સંદેશીયાઓના હાથમાંથી પત્ર લઈને વાંચ્યો; અને યહોવાના મંદિરમાં ચઢી જઈને તેણે તે પત્ર યહોવાની આગળ ખુલ્લો કર્યો. 15અને તેણે પ્રાર્થના કરી, 16“હે #નિ. ૨૫:૨૨. કરૂબો પર બિરાજમાન, સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, પૃથ્વીનાં સર્વ રાજ્યોના તમે જ એકલા ઈશ્વર છો; તમે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યં છે. 17હે યહોવા, કાન દઈને સાંભળો; હે યહોવા આંખ ઉઘાડીને જુઓ; જીવતા ઈશ્વરની નિંદા કરનારા આ સાનહેરિબના શબ્દો તમે સાંભળો. 18હે યહોવા, ખરેખર આશૂરના રાજાઓએ બીજી પ્રજાઓનો તથા તેઓના દેશનો નાશ કર્યો છે, 19ને તેઓના દેવોને બાળી નાખ્યા છે; કેમ કે તેઓ દેવો નહોતા, માત્ર માણસના હાથની કૃતિ-લાકડાં તથા પથ્થર-હતા; માટે તેઓએ તેમનો નાશ કર્યો છે. 20હવે, હે અમારા ઈશ્વર યહોવા, તેના હાથમાંથી અમારો બચાવ કરજો કે, પૃથ્વીનાં સર્વ રાજ્યો જાણે કે તમે જ એકલા યહોવા છો.”
રાજાને યશાયાનો જવાબ
(૨ રા. ૧૯:૨૦-૩૭)
21ત્યારે આમોસના દીકરા યશાયાએ હિઝકિયાની પાસે [માણસ] મોકલીને કહેવડાવ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા કહે છે, ‘તેં આશૂરના રાજા સાનહેરિબ વિષે મારી પ્રાર્થના કરલી છે, ’ 22તે માટે યહોવા સાનહેરિબ વિષે જે વચન બોલ્યા છે તે આ છે;
‘સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ
ગણ્યો છે, અને હસી કાઢયો ચે;
યરુશાલેમની દીકરીએ તારી તરફ
ડોકું ધુણાવ્યું છે.
23તેં કોની નિંદા તથા કોના વિષે
દુર્ભાષણ કર્યાં છે?
તેં કોની વિરુદ્ધ તારો અવાજ ઉઠાવ્યો છે
ને તારી આંખો ઊંચી કરી છે?
ઇઝરાયલના પવિત્ર ઈશ્વરની વિરુદ્ધ જ.
24તારા સંદેશીયા દ્વારા તેં પ્રભુની નિંદા કરી છે, તેં કહ્યું છે કે, મારા રથોના જૂથ સાથે હું પર્વતોના શિખર પર, લબાનોનના સૌથી અંદરના ભાગોમાં હું ચઢી આવ્યો છું;
તેનાં ઊંચા એરેજવૃક્ષોને તથા ઉત્તમ દેવદારવૃક્ષોને હું કાપી નાખીશ;
હું તેના સૌથી છોવાડા ભાગમાં, તથા તેના ફળદ્રુપ ખેતરના વનમાં પ્રવેશ કરીશ.
25મેં ખોદીને પરદેશના પાણી પીધાં છે, મારા પગના પળિયાથી હું મિસરની બધી નદીઓને સૂકવી નાખીશ.
26[યહોવા કહે છે,] શું તેં નથી સાંભળ્યું કે, મેં પુરાતન કાળથી તે [ઠરાવ] કર્યો ચે, ને પ્રાચીન કાળથી તે ઘાટ ઘડયો છે?
અને હવે હું એવું કરું છું કે કોટવાળાં નગરોને વેરાન કરી નાખીને તેમને ખંડિયેરના ઢગલા તું કરી નાખનાર થાય.
27તે કારણથી તેઓના રહેવાસીઓ કમજોર થઈ ગયા,
તેઓ ગભરાઈને બાવરા બની ગયા;
તેઓ ખેતરના ઘાસ, લીલોતરી, ધાબા પરના ઘાસ તથા પકવ થયા પહેલાં ચીમળાયેલા કર્ષણના જેવા થઈ ગયા.
28પરંતુ તારું ઊઠવું તથા નીચે બેસવું, તારું બહાર જવું તથા તારું અંદર આવવું, તથા મારા પર તારું કોપાયમાન થવું, એ સર્વ હું જાણું છું.
29મારા પર તારા ક્રોધાયમાન થયાને લીધે તથા તારી ઉદ્ધતાઈ મારા સાંભળવામાં આવ્યાને લીધે
હું તારા નાકમાં મારી કડી તથા તારા હોઠોની વચ્ચે મારી લગામ નાખીને જે માર્ગે તું આવ્યો છે તે માર્ગે થઈને હું તને પાછો ફેરવીશ.’
30તારે માટે આ ચિહ્ન થશે:આ વર્ષે પોતાની મેળે નીપજેલું [ધાન્ય] તમે ખાશો, અને બીજા વર્ષે એના પીલામાંથી નીપજેલું [ધાન્ય] તમે ખાશો; અને ત્રીજા વર્ષે તમે વાવશો ને લણશો, ને દ્રાક્ષાવાડીઓ રોપશો ને તેઓની ઊપજ ખાશો. 31યહૂદિયાના કુળનો બચેલો ભાગ ફરીથી નીચે પોતાની જડ નાખશે, ને તેને ફળ આવશે. 32યરુશાલેમમાંથી તથા સિયોન પર્વતમાંથી બચેલા લોકો નીકળી આવશે; સૈન્યોના યહોવાની આતુરતાથી તે થશે. 33તે માટે આશૂરના રાજા વિષે યહોવા કહે છે, ‘તે આ નગર પાસે આવશે નહિ, ત્યાં બાણ પણ મારશે નહિ, ને ઢાલ લઈને તેની આગળ આવશે નહિ, ને તેની સામે મોરચા બાંધશે નહિ. 34જે માર્ગે તે આવ્યો તે જ માર્ગે તે પાછો જશે, અને તે આ નગર પાસે આવશે નહિ, એમ હું યહોવા બોલું છું. 35વળી હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીને તેને બચાવીશ.’”
36યહોવાના દૂતે આવીને આશૂરોની છાવણીમાંના એક લાખ પંચાસી હજાર માણસોને મારી નાખ્યા; પરોઢિયે લોકો ઊઠયા, ત્યારે તે સર્વ મરણ પામ્યા હતા, ને તેઓની લાશો ત્યાં પડી હતી. 37તેથી આશૂરનો રાજા સાનહેરિબ પાછો નિનવે જતો રહ્યો. 38તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, ત્યારે તેના દીકરા આદ્રામેલેખે તથા શારેસેરે તેને તરવારથી મારી નાખ્યો; અને તેઓ અરારાટ દેશમાં નાસી ગયા. તેના દીકરા એસાર-હાદોને તેની જગ્યાએ રાજ કર્યું.

Currently Selected:

યશાયા 37: GUJOVBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Free Reading Plans and Devotionals related to યશાયા 37

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy