પ્રેરિતોનાં કૃત્યો 27
27
રોમ તરફ સફર
1અમારે જળમાર્ગે ઇટાલી ઊપડી જવું એવો ઠરાવ થયા પછી તેઓએ પાઉલને તથા બીજા કેટલાક બંદીવાનોને પાદશાહી પલટણના જુલિયસ નામના સૂબેદારને સોંપ્યા. 2આસિયાના કિનારા પરનાં બંદરોએ જનારા અદ્રમુત્તિયાના એક વહાણમાં બેસીને અમે સફરે નીકળ્યા. મકદોનિયાના થેસ્સાલોનિકાનો આરિસ્તાર્ખસ અમારી સાથે હતો. 3બીજે દિવસે અમે સિદોનમાં બંદર કર્યું, અને જુલિયસે પાઉલ પર મહેરબાની રાખીને તેને તેના મિત્રોને ત્યાં જઈને આરામ લેવાની રજા આપી. 4ત્યાંથી નીકળ્યા પછી પવન સામો હોવાને લીધે અમે સાયપ્રસની ઓથે હંકારી ગયા. 5અને કિલીકિયા તથા પામ્ફૂલિયાની પાસેનો સમુદ્ર ઓળંગીને અમે લૂકિયાના મૂરા [બંદરે] પહોંચ્યા. 6ત્યાં સૂબેદારને ઇટાલી જનારું એલેકઝાંડ્રિયાનું એક વહાણ મળ્યું. તેમાં તેણે અમને બેસાડ્યા.
7પણ અમે ઘણા દિવસ સુધી ધીમે ધીમે હંકારીને કનીદસની સામા મુશ્કેલીથી પહોંચ્યા. ત્યાર પછી પવનને લીધે આગળ જવાયું નહિ, માટે અમે સાલ્મોનની આગળ ક્રિતની ઓથે હંકાર્યું. 8અમે તેને કિનારે કિનારે હંકારીને મુશ્કેલીથી સુંદર બંદર નામની એક જગાએ આવ્યા; તેની પાસે લાસિયા શહેર છે.
9વખત ઘણો ગયો હતો, અને હવે સફર કરવી એ જોખમ ભરેલું હતું, (કેમ કે ઉપવાસ [નો દિવસ] વીતી ગયો હતો), ત્યારે પાઉલે તેઓને ચેતવણી આપીને કહ્યું, 10“ભાઈઓ, મને લાગે છે કે, આ સફરમાં એકલા માલને તથા વહાણને હાનિ તથા ઘણું નુકસાન થશે એટલું જ નહિ, પણ આપણા જીવનું પણ જોખમ થશે.” 11પણ પાઉલે જે કહ્યું તે કરતાં કપ્તાન તથા વહાણના માલિકના કહેવા પર સૂબેદારે વધારે લક્ષ આપ્યું. 12વળી શિયાળો કાઢવા માટે તે બંદર સગવડ ભરેલું પણ ન હોવાથી ઘણાએ એવી સલાહ આપી કે, આપણે અહીંથી નીકળીએ, અને કોઈ પણ રીતે ફેનીકસ પહોંચીને ત્યાં શિયાળો કાઢીએ. તે ક્રિતનું એક બંદર છે, અને ઇશાન તથા અગ્નિકોણની સામે તેનું મુખ છે.
દરિયામાં તોફાન
13દક્ષિણ દિશાથી મંદ પવન વાવા લાગ્યો, ત્યારે અમારી ઇચ્છા પ્રમાણે થશે એમ સમજીને લંગર ઉપાડીને અમે ક્રિતને કિનારે કિનારે હંકાર્યું. 14પણ થોડી વાર પછી તે તરફથી યુરાકુલોન [ઇશાની] નામનો તોફાની પવન છૂટયો. 15અને વહાણ તેમાં સપડાયું અને પવનની સામે ટકી શક્યું નહિ, ત્યારે અમે તેને ઘસડાવા દીધું. 16કૌદા નામના એક નાના બેટની ઓથે અમે ગયા, ત્યારે મછવાને બચાવી લેવામાં ઘણી મુસીબત પડી. 17તેને ઉપર તાણી લીધા પછી તેઓએ વહાણની નીચે બચાવનાં દોરડાં બાંધ્યાં; અને સીર્તસ ઉપર અથડાઈ પડવાની બીકથી સઢસામાન ઉતાર્યા, અને એમનાએમ અમે તણાવા લાગ્યા. 18અમને બહુ તોફાન નડવાથી બીજે દિવસે તેઓએ માલ વામી નાખવા માંડ્યો. 19અને ત્રીજે દિવસે તેઓએ પોતાને હાથે વહાણનો સામાન નાખી દીધો. 20ઘણા દિવસ સુધી સૂર્ય કે તારા દેખાયા નહિ, ભારે તોફાન ચાલું રહ્યું, તેથી અમારા બચાવની બિલકુલ આશા રહી નહિ.
21પણ ઘણી લાંઘણ થયા પછી પાઉલે તેઓની વચ્ચે ઊભા થઈને કહ્યું, “ભાઈઓ, તમારે મારું માનવું જોઈતું હતું, અને ક્રિતથી નીકળીને આ હાનિ તથા નુકસાન વહોરી લેવાની જરૂર નહોતી. 22પણ હવે હું તમને વિનંતી કરું છું કે, હિંમત રાખો, કેમ કે તમારામાંના કોઈના જીવને હાનિ થનાર નથી, એકલા વહાણની જ [હાનિ] થશે. 23કેમ કે જે ઈશ્વરનો હું છું, અને જેમની સેવા હું કરું છું તેમના દૂતે આજે રાત્રે મારી પાસે ઊભા રહીને કહ્યું કે, 24‘પાઉલ, ગભરાઈશ નહિ. કાઈસારની રૂબરૂ તારે ઊભા રહેવું પડશે. અને જો, તારી સાથે સફર કરનારા સર્વને ઈશ્વરે તારી ખાતર બચાવ્યા છે.’ 25માટે, ભાઈઓ, હિંમત રાખો; કેમ કે ઈશ્વર પર મને ભરોસો છે કે જેમ મને કહેવામાં આવ્યું છે તેમ જ થશે. 26તથાપિ આપણે એક બેટ પર અથડાવું પડશે.”
27ચૌદમી રાત આવી ત્યારે અમે આદ્રિયા [સમુદ્ર] માં આમતેમ ઘસડાતા હતા, અને લગભગ મધરાતે ખલાસીઓને લાગ્યું કે અમે કોઈ એક દેશની નજીક આવી પહોંચ્યા છીએ. 28તેઓએ પાણી માપવાની દોરી નાખી, ત્યારે વીસ વામ [પાણી] માલૂમ પડ્યું. અને થોડે આગળ ગયા પછી તેઓએ ફરીથી દોરી નાખી, ત્યારે પંદર વામ માલૂમ પડ્યું. 29રખેને કદાચ અમે ખડક પર અથડાઈએ, એવી બીકથી તેઓ ડબૂસા [એટલે વહાણના પાછલા ભાગ] પરથી ચાર લંગર નાખીને દિવસ ઊગવાની વાટ જોતા બેઠા. 30ખલાસીઓ વહાણમાંથી નાસી જવાની તક શોધતા હતા, અને નાળ [એટલે વહાણનો આગલો ભાગ] પરથી લંગર નાખવાનો ડોળ દેખાડીને તેઓએ સમુદ્રમાં મછવો ઉતાર્યો હતો. 31ત્યારે પાઉલે સૂબેદારને તથા સિપાઈઓને કહ્યું, “જો તેઓ વહાણમાં નહિ રહે તો તમે બચી શકવાના નથી.” 32ત્યારે સિપાઈઓએ મછવાનાં દોરડાં કાપી નાખીને તેને જવા દીધો.
33દિવસ ઊગવાનો હતો એટલામાં પાઉલે સર્વને ખોરાક લેવાને વિનંતી કરીને કહ્યું, “આજ ચૌદ દિવસ થયા રાહ જોતાં જોતાં તમે લાંઘણ કરીને કંઈ ખાધું નથી. 34માટે હું તમને વિનંતી કરું છું કે, કંઈક ખોરાક ખાઓ, કેમ કે એ તમારા રક્ષણને માટે છે. કારણ કે તમારામાંના કોઈના માથાનો એક વાળ પણ ખરવાનો નથી.” 35એમ કહીને તેણે રોટલી લીધી, અને સર્વની આગળ ઈશ્વરની સ્તુતિ કરી, અને તે તે ભાંગીને ખાવા લાગ્યો. 36ત્યારે તેઓ સર્વને હિંમત આવી, અને તેઓએ પણ ખોરાક લીધો. 37વહાણમાં અમે સર્વ મળીને બસો છોંતેર માણસ હતા. 38ખાઈને તૃપ્ત થયા પછી તેઓએ ઘઉં સમુદ્રમાં ફેંકી દઈને વહાણને હલકું કર્યું.
વહાણ ભંગ
39દિવસ ઊગ્યો ત્યારે તેઓ તે પ્રદેશને ઓળખી શકયા નહિ. પણ [રેતીના] કાંઠાવાળી એક ખાડી જોઈ અને વહાણને હંકારીને તે [કિનારા] પર છિતાવી શકાય કે નહિ એ વિષે તેઓએ મસલત કરી. 40તેઓએ લંગરો છૂટાં કરીને સમુદ્રમાં રહેવાં દીધાં, અને તે જ વખતે સુકાનનાં બંધ છોડીને આગલો સઢ પવન તરફ ચઢાવીને કાંઠા તરફ જવા લાગ્યા. 41બે પ્રવાહના સંગમની જગાએ આવી પડ્યાથી તેઓએ વહાણ છિતાવ્યું. અને નાળ અથડાઈને સજ્જડ ચોંટી બેઠી, પણ ડબૂસો મોજાંના જોરથી ભાંગી જવા લાગ્યો.
42ત્યારે રખેને બંદીવાનોમાંનો કોઈ તરીને નાસી જાય, માટે સિપાઈઓએ તેઓને મારી નાખવાની સલાહ આપી. 43પણ સૂબેદારે પાઉલને બચાવવાના ઇરાદાથી તેમને તેમની ધારણા અમલમાં લાવતાં અટકાવ્યા. અને આજ્ઞા કરી કે, જેઓને તરતાં આવડતું હોય તેઓએ કૂદી પડીને પહેલા કિનારે જવું. 44અને બાકીનામાંના કેટલાકે પાટિયાને તથા કેટલાકે વહાણના કંઈ બીજા સામાનને વળગીને કિનારે જવું, તેથી તેઓ સર્વ સહીસલામત કિનારે પહોંચ્યાં.
Currently Selected:
પ્રેરિતોનાં કૃત્યો 27: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.