પ્રેરિતોનાં કૃત્યો 15
15
યરુશાલેમમાં મંડળીની પ્રથમ સભા
1કેટલાકે યહૂદિયાથી આવીને ભાઈઓને શીખવ્યું, #લે. ૧૨:૩. “જો મૂસાના નિયમ પ્રમાણે તમારી સુન્નત કરવામાં ન આવે તો તમે તારણ પામી શકતા નથી.” 2પાઉલ તથા બાર્નાબાસને તેઓની સાથે બહુ તકરાર અને વાદવિવાદ થયો. ત્યાર પછી [ભાઈઓએ] ઠરાવ કર્યો કે પાઉલ તથા બાર્નાબાસ, અને પોતાનામાંનાં બીજા કેટલાક એ વિવાદ સબંધી યરુશાલેમમાંના પ્રેરિતો તથા વડીલો પાસે જાય.
3એથી મંડળીએ તેઓને વળાવ્યા પછી તેઓએ ફિનીકિયા તથા સમરૂનમાં થઈને જતાં વિદેશીઓના [પ્રભુ તરફ] ફર્યાના સમાચાર કહ્યા. અને [તે સાંભળીને] બધા ભાઈઓને ઘણો આનંદ થયો. 4તેઓ યરુશાલેમ પહોંચ્યા ત્યારે મંડળીએ, પ્રેરિતોએ તથા વડીલોએ તેઓનો આદરસત્કાર કર્યો, અને ઈશ્વરે જે કામ તેઓની મારફતે કરાવ્યું હતું તે સર્વ તેઓએ તેમને કહી સંભળાવ્યું. 5પણ ફરોશીપંથના કેટલાક વિશ્વાસીઓએ ઊઠીને કહ્યું, “તેઓની સુન્નત કરાવવી જોઈએ, તથા મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાનું તેઓને ફરમાવવું જોઈએ.”
6ત્યારે પ્રેરિતો તથા વડીલો એ વાત વિષે વિચાર કરવાને એક્ત્ર થયા. 7ઘણો વાદવિવાદ થયા પછી પિતરે ઊભા થઈને તેઓને કહ્યું, “ભાઈઓ, તમે જાણો છો કે શરૂઆતમાં ઈશ્વરે તમારામાંથી મને પસંદ કરીને [ઠરાવ્યું] કે, #પ્રે.કૃ. ૨:૪. મારા મોંથી વિદેશીઓ સુવાર્તાની વાત સાંભળે અને વિશ્વાસ કરે. 8અંતર્યામી ઈશ્વરે #પ્રે.કૃ. ૧૦:૪૪. જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપીને તેઓ વિષે સાક્ષી પૂરી. 9અને વિશ્વાસથી તેઓનાં મન પવિત્ર કરીને આપણામાં તથા તેઓમાં કંઈ ભેદ રાખ્યો નથી. 10તો હવે જે ઝૂંસરી આપણા પૂર્વજો તેમ જ આપણે પોતે પણ સહન કરી શક્યા નહિ તે શિષ્યોની ગરદન પર મૂકીને ઈશ્વરનું પરીક્ષણ કેમ કરો છો? 11પણ જેમ તેઓ પ્રભુ ઈસુની કૃપાથી તારણ પામશે, તેમ આપણે પણ પામીશું, એવું આપણે માનીએ છીએ.”
12ત્યારે બધા લોકો છાના રહ્યા, અને બાર્નાબાસ તથા પાઉલની મારફતે ઈશ્વરે જે ચમત્કારો તથા અદભુત કામો વિદેશીઓમાં કરાવ્યાં હતાં તેઓની હકીકત તેઓએ તેમના મોંથી સાંભળી. 13તેઓ બોલી રહ્યા પછી યાકૂબે કહ્યું, “ભાઈઓ, મારું સાંભળો, 14પહેલાં ઈશ્વરે વિદેશીઓમાંથી પોતાના નામની ખાતર એક પ્રજાને [પસંદ કરી] લેવાને કઈ રીતે તેઓની મુલાકાત લીધી, એ તો સિમોને કહી સંભળાવ્યું છે. 15વળી પ્રબોધકોનાં વચનો એની સાથે મળતાં આવે છે. લખેલું છે કે,
16 #
આમો. ૯:૧૧-૧૨. ‘એ પછી હું પાછો આવીશ, અને
દાઉદનો પડી ગયેલો મંડપ
હું પાછો બાંધીશ.
હું તેનાં ખંડિયેર સમારીશ, અને
તેને પાછો ઊભો કરીશ.
17જેથી બાકી રહેલા લોકો તથા બધા
વિદેશીઓ જેઓ મારા નામથી
ઓળખાય છે તેઓ પ્રભુને શોધે;
18પ્રભુ જે દુનિયાના આરંભથી એ વાતો
પ્રગટ કરે છે તે એમ કહે છે.’
19માટે મારો એવો અભિપ્રાય છે કે વિદેશીઓમાંથી ઈશ્વર તરફ જેઓ ફરે છે તેઓને આપણે હેરાન ન કરીએ. 20પણ તેઓને લખી મોકલીએ કે તમારે #નિ. ૩૪:૧૫-૧૭. મૂર્તિઓની ભ્રષ્ટતાથી, #લે. ૧૮:૬-૨૩. વ્યભિચારીથી, ગૂંગળાવીને મારેલાંથી તથા #લે. ૧૭:૧૦-૧૬. લોહીથી દૂર રહેવું. 21કેમ કે પ્રાચીનકાળથી મૂસાના ઉપદેશકો દરેક શહેરમાં છે, અને તેનાં વચનો દર વિશ્રામવારે સભાસ્થાનોમાં વાંચવામાં આવે છે.”
વિદેશી વિશ્વાસીઓને પત્ર
22ત્યારે આખી મંડળી સહિત પ્રેરિતોએ તથા વડીલોએ પોતાનામાંથી પસંદ કરેલા માણસોનો એટલે યહૂદા જે બર્સબા કહેવાય છે તે, તથા સિલાસ, જેઓ ભાઈઓમાં આગેવાન હતા, તેઓને પાઉલની તથા બાર્નાબાસની સાથે અંત્યોખ મોકલવાનો ઠરાવ કર્યો. 23તેઓની મારફતે તેઓએ લખી મોકલ્યું,
“અંત્યોખમાં, સિરિયામાં તથા કિલીકિયામાં, વિદેશીઓમાંના જે ભાઈઓ છે, તેઓને પ્રેરિતોની તથા વડીલ ભાઈઓની કુશળતા. 24અમારા સાંભળવામાં આવ્યું છે કે અમારામાંથી કેટલાક જેઓને અમે કંઈ આજ્ઞા આપી નહોતી તેઓએ [તમારી પાસે] આવીને [તેમની પોતાની] વાતોથી તમારાં મન ભમાવીને તમને ગૂંચવણમાં નાખ્યા છે. 25માટે અમોએ સર્વાનુમતે ઠરાવ કર્યો છે કે, માણસોને પસંદ કરીને તેઓને આપણા વહાલા બાર્નાબાસ તથા પાઉલ 26કે, જેઓએ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને માટે પોતાના જીવ જોખમમાં નાખ્યા છે, તેઓની સાથે તમારી પાસે મોકલવા. 27માટે અમે યહૂદાને તથા સિલાસને મોકલ્યા છે, તેઓ પોતે પણ તમને મોઢામોઢ એ જ વાતો કહેશે, 28કેમ કે પવિત્ર આત્માને તથા અમને એ સારું લાગ્યું કે આ અગત્યની વાતો કરતાં ભારે બોજો તમારા પર મૂકવો નહિ. 29એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, તથા ગૂંગળાવીને મારેલાંથી તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું. જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે. તમને કુશળતા થાઓ.”
30પછી તેઓ વિદાય લઈને અંત્યોખ ગયા. અને લોકોને એકત્ર કરીને તેઓએ પત્ર આપ્યો. 31તે વાંચીને તેઓ તેમાં આપેલા દિલાસાથી આનંદ પામ્યા. 32અને યહૂદા તથા સિલાસ પોતે પણ પ્રબોધકો હતા, તેઓએ ભાઈઓની ઘણી વાતોથી સુબોધ કરીને તેઓનાં મન દઢ કર્યાં. 33તેઓએ કેટલીક મુદત ત્યાં ગાળ્યા પછી જેઓએ તેમને મોકલ્યા હતા તેઓની પાસે પાછા જવા માટે ભાઈઓ પાસેથી તેઓએ શાંતિથી વિદાય લીધી. 34[પણ સિલાસને તો ત્યાં રહેવું સારું લાગ્યું.] 35પણ પાઉલ તથા બાર્નાબાસ અંત્યોખમાં રહીને બીજા ઘણા [ભાઈઓ] ની સાથે પ્રભુના વચનનું શિક્ષણ આપતા તથા ઉપદેશ કરતા રહ્યા.
બાર્નાબાસ અને પાઉલ અલગ થયા
36કેટલાક દિવસ પછી પાઉલે બાર્નાબાસને કહ્યું, “ચાલો, હવે આપણે પાછા ફરીએ, અને જે જે શહેરોમાં આપણે પ્રભુની વાત પ્રગટ કરી હતી, તેમાંના આપણા ભાઈઓની મુલાકાત લઈને જોઈએ કે તેઓ કેમ છે.” 37યોહાન જે માર્ક કહેવાય છે, તેને પણ સાથે લેવાની બાર્નાબાસની ઇચ્છા હતી. 38પણ પાઉલે ધાર્યું કે જે#પ્રે.કૃ. ૧૩:૧૩. આપણને પામ્ફૂલિયામાં મૂકીને પાછો જતો રહ્યો, અને આપણી સાથે કામ કરવા આવ્યો નહિ, તેને સાથે તેડી જવો એ યોગ્ય નથી. 39ત્યારે એવી તકરાર થઈ કે જેથી તેઓ એકબીજાથી વિખૂટા પડ્યા, અને બાર્નાબાસ માર્કને સાથે લઈને વહાણમાં બેસીને સાયપ્રસ ગયો. 40પણ પાઉલે સિલાસને પસંદ કર્યો, અને ભાઈઓએ તેને ઈશ્વરની કૃપાને સોંપ્યા પછી તે ચાલી નીકળ્યો. 41તેણે સિરિયામાં તથા કિલીકિયામાં ફરીને મંડળીઓને દઢ કરી.
Currently Selected:
પ્રેરિતોનાં કૃત્યો 15: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.