પ્રેરિતોનાં કૃત્યો 14
14
ઈકોનિયમમાં
1ઈકોનિયમમાં તેઓ બન્ને યહૂદીઓના સભાસ્થાનમાં ગયા, અને એવી રીતે બોલ્યા કે ઘણા જ યહૂદીઓએ તથા ગ્રીક લોકોએ વિશ્વાસ કર્યો, 2પણ અવિશ્વાસી યહૂદીઓએ વિદેશીઓને ઉશ્કેરીને તેઓના મનમાં ભાઈઓની વિરુદ્ધ વેરભાવ ઉત્પન્ન કર્યો. 3તેથી તેઓ લાંબી મુદત સુધી ત્યાં રહીને પ્રભુના આશ્રયથી હિંમત રાખીને બોલતા રહ્યા, અને પ્રભુએ તેઓની હસ્તક ચમત્કારો તથા અદભુત કૃત્યો કરાવીને પોતાની કૃપાના વચનના ટેકામાં સાક્ષી આપી. 4પણ શહેરના લોકોમાં ભાગલા પડ્યા. કેટલાકે યહૂદીઓનો પક્ષ લીધો, અને કેટલાકે પ્રેરિતોનો પક્ષ લીધો.
5તેઓનું અપમાન કરવા તથા તેઓને પથ્થરે મારવા માટે જયારે વિદેશીઓએ તથા યહૂદીઓએ પોતાના અધિકારીઓ સહિત હિલચાલ ઊભી કરી, 6ત્યારે તેની ખબર પડતાં તેઓ લુકાનીયાનાં શહેરો લુસ્રા તથા દેર્બેમાં તથા આસપાસના પ્રાંતોમાં નાસી ગયા. 7ત્યાં તેઓ સુવાર્તા પ્રગટ કરતા હતા.
લુસ્રા અને દર્બેમાં
8લુસ્રામાં એક લંગડો માણસ બેઠેલો હતો, તે જન્મથી લંગડો હતો, અને કદી ચાલ્યો ન હતો. 9તે પાઉલને બોલતો સાંભળતો હતો. અને [પાઉલે] તેની તરફ એકી નજરે જોઈ રહીને, તથા તેને સાજો થવાનો વિશ્વાસ છે, 10એ જાણીને મોટે અવાજે કહ્યું, “તું પોતાના પગ પર સીધો ઊભો રહે, ” ત્યારે તે કૂદીને ઊભો થયો, અને ચાલવા લાગ્યો. 11પાઉલે જે કર્યું હતું તે જોઈને લોકોએ લુકાનિયાની ભાષામાં પોકારીને કહ્યું કે, માણસોનું રૂપ લઈને દેવો આપણી પાસે ઊતરી આવ્યા છે. 12તેઓએ બાર્નાબાસને ઝૂસ કહ્યો; અને પાઉલને હેર્મેસ કહ્યો, કેમ કે તે મુખ્ય બોલનાર હતો. 13હવે ઝૂસ [નું મંદિર] શહેરને મોખરે હતું, તેનો યાજક ગોધાઓ તથા ફૂલના હાર દરવાજા આગળ લાવીને લોકો સહિત બલિદાન આપવા ઇચ્છતો હતો.
14પણ બાર્નાબાસ તથા પાઉલ પ્રેરિતોએ તે વિષે સાંભળ્યું ત્યારે તેઓએ પોતાનાં વસ્ત્રો ફાડયાં, ને લોકોમાં દોડી જઈને મોટે સાદે કહ્યું, 15સદગૃહસ્થો, તમે આવું કામ શા માટે કરો છો? અમે પણ તમારા જેવી પ્રકૃતિના માણસ છીએ, અને આ મિથ્યા વાતો તજી દઈને આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેઓમાંનાં બધાંને ઉત્પન્ન કરનાર જીવતા ઈશ્વરની તરફ તમે ફરો, માટે અમે તમને સુવાર્તા પ્રગટ કરીએ છીએ. 16તેમણે તો આગલા જમાનાઓમાં સર્વ લોકોને તેમને પોતાને માર્ગે ચાલવા દીધા. 17તોપણ કલ્યાણ કરતાં, અને આકાશથી વરસાદ તથા ફળવંત ઋતુઓ તમને આપતાં, અને અન્નથી તથા આનંદથી તમારાં મન તૃપ્ત કરતાં તે પોતાને વિષે સાક્ષી આપ્યા વગર રહ્યા નથી.” 18તેઓએ લોકોને એ વાતો કહીને પોતાને બલિદાન આપતાં મુશ્કેલીથી અટકાવ્યા.
19પણ અત્યોંખ તથા ઈકોનિયમથી કેટલાક યહૂદીઓ ત્યાં આવ્યા. તેઓએ લોકોને સમજાવીને પાઉલને પથ્થરો માર્યા, અને તે મરી ગયો છે એવું ધારીને તેઓ તેને શહેર બહાર ઘસડી લઈ ગયા. 20પણ તેની આસપાસ શિષ્યો ઊભા હતા તેવામાં તે ઊઠીને શહેરમાં આવ્યો; અને બીજે દિવસે બાર્નાબાસ સાથે દેર્બે ગયો.
સિરિયાના અંત્યોખમાં બંને પાછા આવ્યા
21તે શહેરમાં સુવાર્તા પ્રગટ કર્યા પછી, તથા ઘણા શિષ્યો કર્યા પછી તેઓ લુસ્ત્રા તથા ઈકોનિયમ થઈને અંત્યોખ પાછા આવ્યા. 22તેઓએ શિષ્યોનાં મન દઢ કરતાં તેઓને વિશ્વાસમાં ટકી રહેવાને સુબોધ કર્યો, અને [કહ્યું કે,] “આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવું પડે છે.” 23વળી તેઓએ દરેક મંડળીમાં [મત લઈને] તેઓને માટે વડીલો નીમ્યા, અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેમને જે પ્રભુ ઉપર તેઓએ વિશ્વાસ કર્યો હતો તેમને સોંપ્યા. 24પછી તેઓ પિસીદિયા થઈને પામ્ફૂલિયા આવ્યા. 25પેર્ગામાં ઉપદેશ કર્યા પછી તેઓ અત્તાલિયા આવ્યા. 26પછી ત્યાંથી તેઓ વહાણમાં બેસીને અંત્યોખ ગયા કે, જ્યાં તેઓ જે કામ પૂરું કરી આવ્યા હતા તેને માટે તેઓને ઈશ્વરની કૃપાને સોંપવામાં આવ્યા હતા. 27તેઓએ ત્યાં આવીને મંડળીને એકત્ર કરીને જે જે કામ ઈશ્વરે તેઓની મારફતે કરાવ્યાં હતાં તે, અને શી રીતે તેમણે વિદેશીઓને માટે વિશ્વાસનું બારણું ઉઘાડ્યું હતું તે બધું કહી સંભળાવ્યું. 28પછી તેઓ શિષ્યોની સાથે ત્યાં ઘણા દિવસ રહ્યા.
Currently Selected:
પ્રેરિતોનાં કૃત્યો 14: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.