YouVersion Logo
Search Icon

થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 3

3
અમારે માટે પ્રાર્થના કરો
1છેવટે, ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો કે જેમ તમારે ત્યાં થાય છે તેમ પ્રભુની વાતનો ઝડપથી પ્રચાર થાય અને તેમનો મહિમા વધે. 2અને આડા તથા દુષ્ટ માણસોથી અમારો બચાવ થાય એ માટે [પ્રાર્થના કરો] ; કેમ કે સર્વ માણસો વિશ્વાસ કરનાર નથી.
3પણ પ્રભુ વિશ્વસનીય છે, તે તમને દઢ કરશે, ને દુષ્ટ [શેતાન] થી તમારું રક્ષણ કરશે. 4જે આજ્ઞા અમે કરીએ છીએ તે તમે પાળો છો અને પાળશો, એવો તમારા વિષે અમે પ્રભુમાં ભરોસો રાખીએ છીએ.
5પ્રભુ તમારાં હ્રદયોને ઈશ્વરના પ્રેમ તરફ તથા ખ્રિસ્તની ધીરજ તરફ દોરો.
દરેકે કામ કરવું જોઈએ
6હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે, જે ભાઈ આડો ચાલે છે, અને અમે આપેલા શિક્ષણ પ્રમાણે ચાલતો નથી, તેનાથી તમે અલગ રહો. 7કેમ કે કેવી રીતે અમારું અનુકરણ કરવું તે તમે પોતે જાણો છો, કેમ કે અમે તમારી સાથે [રહીને] અયોગ્ય રીતે વર્ત્યા નહોતા. 8અમે કોઈ માણસનું અન્‍ન મફત ખાધું નહોતું, પણ તમારામાંના કોઈને બોજારૂપ ન થઈએ માટે અમે રાતદિવસ મહેનત તથા કષ્ટથી ઉદ્યોગ કરતા હતા. 9અમને અધિકાર નહોતો, એટલા માટે નહિ, પણ તમે અમારું અનુકરણ કરો માટે અમે તમને નમૂનો આપ્યો હતો. 10કેમ કે અમે તમારી પાસે હતા ત્યારે પણ અમે [તમને] એવી આજ્ઞા કરી હતી કે, જો કોઈ માણસ કામ ન કરે, તો તેને ખવડાવવું પણ નહિ.
11કેમ કે તમારામાંના કેટલાક સ્વચ્છંદીપણે ચાલે છે, તેઓ કંઈ ઉદ્યોગ કરતા નથી, પણ ઘાલમેલ કરે છે, એવું અમારા સાંભળવામાં આવે છે. 12હવે એવા માણસોને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે આજ્ઞા કરીએ છીએ તથા સલાહ આપીએ છીએ કે, તેઓ શાંતિથી ઉદ્યોગ કરીને પોતાનું કમાયેલું ખાય.
13પણ ભાઈઓ, તમે ભલું કરતાં થાકશો નહિ. 14કોઈ અમારી આ પત્રમાંની વાત ન માને, તો તેને ધ્યાનમાં રાખીને તેની સાથે વ્યવહાર ન રાખો, જેથી તે શરમાઈ જાય. 15તોપણ તેને શત્રુ ન ગણો, ભાઈ જાણીને તેને શિખામણ આપો.
આખરી શબ્દો
16હવે શાંતિના પ્રભુ પોતે સર્વ સમયે તથા સર્વ પ્રકારે તમને શાંતિ આપો. પ્રભુ તમ સર્વની સાથે હો.
17હું પાઉલ મારે પોતાને હાથે ક્ષેમકુશળ [લખું છું] ; મારા સર્વ પત્રોમાં એ નિશાની છે; એવી રીતે હું લખું છું. 18આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર હો. ?? ?? ?? ?? 1

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 3