YouVersion Logo
Search Icon

પિતરનો પહેલો પત્ર 4

4
બદલાયેલાં જીવનો
1હવે ખ્રિસ્તે આપણે માટે દેહમાં દુ:ખ સહ્યું છે, માટે તમે પણ એવું જ મન રાખીને હથિયારબંધ થાઓ. કેમ કે જેણે દેહમાં [દુ:ખ] સહ્યું છે તે પાપથી મુક્ત થયો છે; 2કે જેથી તે‍ ત્યાર પછી દેહમાંનો બાકી રહેલો વખત માણસોના ભૂંડા વિકારો પ્રમાણે નહિ, પણ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ગુજારે. 3કેમ કે જેમાં વિદેશીઓ આનંદ માને છે એવાં કૃત્યો કરવામાં તમે તમારા આયુષ્યનો જેટલો વખત ગુમાવ્યો છે તે બસ છે. તે વખતે તમે વ્યભિચારમાં, વિષયભોગમાં, મદ્યપાનમાં, મોજશોખમાં તથા ધિક્કારપાત્ર મૂર્તિપૂજામાં મગ્ન હતા. 4આ બાબતમાં તમે તેઓની સાથે તે જ દુરાચારના પૂરમાં ધસી પડતા નથી, તેથી તેઓ આશ્ચર્ય પામીને તમારી નિંદા કરે છે. 5જીવતાંઓનો તથા મૂએલાંઓનો ન્યાય કરવાને જે તૈયાર છે તેમને તેઓ હિસાબ આપશે. 6કેમ કે મૂએલાંઓને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવી હતી કે જેથી દેહમાં રહેનાર માણસોના જેવો ન્યાય થયા પછી તેઓ ઈશ્વરના જેવા આત્મામાં જીવે.
ઈશ્વરનાં દાનોના સારા કારભારીઓ
7પણ સર્વનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ, ને સાવધ રહીને પ્રાર્થના કરો. 8વિશેષે કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો; કેમ કે #નીતિ. ૧૦:૧૨. પ્રેમ પાપના પુંજને ઢાંકે છે. 9જીવ કચવાયા વગર તમે એકબીજાને પરોણા રાખો. 10દરેકને જે કૃપાદાન મળ્યું તે એકબીજાની સેવા કરવામાં ઈશ્વરની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓ તરીકે વાપરવું. 11જો કોઈ બોધ કરે, તો તેણે ઈશ્વરનાં વચન પ્રમાણે બોધ કરવો. જો કોઈ સેવા કરે, તો તેણે ઈશ્વરે આપેલા સામર્થ્ય પ્રમાણે [સેવા] કરવી. જેથી સર્વ બાબતમાં ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર મહિમાવાન થાય. તેમને સદાસર્વકાળ મહિમા તથા સત્તા છે. આમીન.
ખ્રિસ્તને માટે દુ:ખો સહન કરવાં
12વહાલાંઓ, તમારી કસોટી કરવાને માટે તમારા પર જે અગ્નિરૂપી દુ:ખ પડે છે, તેમાં જાણે તમને કંઈ નવું થયું હોય, એમ સમજીને આશ્ચર્ય ન પામો. 13પણ [એને બદલે] ખ્રિસ્તનાં દુ:ખોના તમે ભાગીદાર છો, એને લીધે હરખાઓ. જેથી તેમનો મહિમા પ્રગટ થાય ત્યારે તમે પણ બહુ ઉલ્લાસથી આનંદ કરો. 14જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય, તો તમને ધન્ય છે. કેમ કે મહિમાનો તથા ઈશ્વરનો આત્મા તમારા પર રહે છે. 15પણ ખૂની, દુષ્કર્મી, ચોર, અથવા [બીજા માણસોના કામમાં] ઘાલમેલ કરનાર તરીકે તમારામાંના કોઈને શિક્ષા ન થાય. 16પણ ખ્રિસ્તી હોવાને લીધે જો કોઈને સહેવું પડે છે, તો તેથી શરમાય નહિ; પણ તે નામમાં તે ઈશ્વરની સ્તુતિ કરે. 17કેમ કે ન્યાયકરણનો આરંભ ઈશ્વરની મંડળીમાં થાય, એવો સમય આવ્યો છે; અને જો આપણામાં તેનો આરંભ થાય, તો ઈશ્વરની સુવાર્તા જેઓ માનતા નથી તેઓના શા હાલ થશે?
18અને #નીતિ. ૧૧:૩૧. જો ન્યાયી માણસનો ઉદ્ધાર
મુશ્કેલીથી થાય છે,
તો અધર્મી અને પાપી માણસનું
ઠેકાણું ક્યાં પડશે?
19માટે જેઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુ:ખસહન કરે છે, તેઓ સારું કરીને પોતાના આત્માઓને વિશ્વાસ ઉત્પન્‍ન કરનારને સોંપી દે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for પિતરનો પહેલો પત્ર 4