YouVersion Logo
Search Icon

કરિંથીઓને પહેલો પત્ર 6

6
ભાઈની વિરુદ્ધ કોર્ટમાં ન જાઓ
1તમારામાંના કોઈને બીજા કોઈની સાથે તકરાર થઈ હોય, તો સંતોની આગળ ન જતાં શું અધર્મીઓની આગળ ન્યાય માગવા જવાની હિંમત ચલાવે? 2સંતો જગતનો ન્યાય કરશે એ શું તમે જાણતા નથી? જો તમે જગતનો ન્યાય કરશો, તો શું તમે તદ્દન નજીવી તકરારોનો ચુકાદો કરવાને લાયક નથી? 3આપણે દૂતોનો ન્યાય કરીશું, એ શું તમે જાણતા નથી? તો આ જિંદગીને લગતી બાબતોનો [ન્યાય કરવાને] શું આપણે [લાયક નથી] છીએ? 4માટે જો તમારે આ જિંદગીને લગતી બાબતોનો ન્યાય કરાવવાનો હોય તો મંડળીમાં જેઓ કંઈ વિસાતમાં નથી તેઓને તે ન્યાય ચૂકવવાને બેસાડો છો? 5હું તમને શરમાવવાને કહું છું. શું ભાઈ ભાઈની વચ્ચે ન્યાય કરી શકે, એવો તમારામાં એકે ની માણસ નથી? 6પણ ભાઈ ભાઈ પર ફરિયાદ કરે છે; અને તે વળી અવિશ્વાસીઓની આગળ!
7હાલ આ તમારામાં ખરેખરી ખોડ છે કે, તમે એકબીજા પર ફરિયાદ કરો છો. એમ [કરવા] કરતાં તમે પોતે કેમ અન્યાય સહન કરતા નથી? અને નુકશાન કેમ વેઠતા નથી? 8ઊલટું તમે પોતે અન્યાય કરો છો, તથા [બીજાનું] પડાવી લો છો, અને તે વળી [તમારા] ભાઈઓનું! 9શું તમે જાણતા નથી કે અધર્મીઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ? ભૂલ ન ખાઓ, વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ, પુંમૈથુનીઓ, 10ચોરો, લોભીઓ, છાકટા, નિંદકો તથા જુલમથી પૈસા પડાવનારા, તેઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ. 11વળી તમારામાંના કેટલાક એવા હતા; પણ તમે પ્રભુ ઈસુને નામે તથા આપણા ઈશ્વરના આત્માથી શુદ્ધ થયા, અને પવિત્રીકરણ તથા ન્યાયીકરણ પામ્યા.
ઈશ્વરના મહિમા માટે શરીરનો ઉપયોગ
12 # ૧ કોરીં. ૧૦:૨૩. બધી વસ્તુઓની મને છૂટ છે. પણ બધી લાભકારી નથી. બધી વસ્તુઓની મને છૂટ છે, પણ હું કોઈને આધીન થવાનો નથી. 13અન્‍ન પેટને માટે અને પેટ અન્‍નને માટે છે. પણ ઈશ્વર તે બન્‍નેનો નાશ કરશે. હવે શરીર વ્યભિચારને માટે નથી, પણ પ્રભુને માટે છે; અને પ્રભુ શરીરને માટે. 14ઈશ્વરે પ્રભુને ઉઠાડયા, તેમ જ પોતાના સામર્થ્યથી તે આપણને પણ ઉઠાડશે.
15તમારાં શરીર ખ્રિસ્તના અવયવો છે, એ શું તમે નથી જાણતા? વારું ત્યારે, શું હું ખ્રિસ્તના અવયવોને લઈને તેમને વેશ્યાના અવયવો બનાવું? એમ ન થાઓ. 16શું તમે નથી જાણતા કે વેશ્યાની સાથે જે જોડાય છે તે [તેની સાથે] એક શરીર થાય છે? કેમ કે [ઈશ્વર] કહે છે, #ઉત. ૨:૨૪. “એ બન્‍ને એક દેહ થશે.” 17પણ પ્રભુની સાથે જે જોડાય છે તે [તેમની સાથે] એક આત્મા થાય છે.
18વ્યભિચારથી નાસો. માણસ જે કંઈ [બીજાં] પાપ કરે તે તેના શરીરની બહાર છે, પણ વ્યભિચારી પોતાના શરીરની વિરુદ્ધ પાપ કરે છે. 19તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને ઈશ્વર પાસેથી મળેલો છે #૧ કોરીં. ૩:૧૬; ૨ કોરીં. ૬:૧૬. તેનું મંદિર તમારું શરીર છે, એ તમે નથી જાણતા? વળી તમે પોતાના નથી. 20કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા; તો તમારા શરીર દ્વારા ઈશ્વરને મહિમા આપો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in