ઉત્પત્તિ 12

12
અબ્રામને ઈશ્વરનું આમંત્રણ
1પ્રભુએ અબ્રામને કહ્યું, “તારો દેશ, તારાં સ્વજનો અને તારા પિતાનું ઘર તજીને હું તને બતાવું તે દેશમાં જા.#પ્રે.કા. 7:2-3; હિબ્રૂ. 11:8. 2હું તારો વંશવેલો વધારીશ અને તારા વંશજો મોટી પ્રજા બનશે. હું તને આશિષ આપીશ અને તારા નામની કીર્તિ વધારીશ; જેથી તું આશિષરૂપ થશે. 3તને આશિષ આપનારાઓને હું આશિષ આપીશ; જ્યારે તને શાપ આપનારાઓને હું શાપ આપીશ. તારા#12:3 “તારા દ્વારા.....આપીશ.,” અથવા “મેં તને આશિષ આપી છે તે પ્રમાણે તેમને પણ આશિષ આપવા પૃથ્વીની બધી પ્રજાઓ મને વિનવશે.” દ્વારા હું પૃથ્વીની સર્વ પ્રજાઓને આશિષ આપીશ.”#ગલા. 3:8.
4આમ, પ્રભુની આજ્ઞા પ્રમાણે અબ્રામ ચાલી નીકળ્યો અને લોત તેની સાથે ગયો. અબ્રામ હારાનથી નીકળ્યો ત્યારે તે પંચોતેર વર્ષનો હતો. 5અબ્રામ પોતાની પત્ની સારાય, ભત્રીજો લોત, પોતાની સર્વ સંપત્તિ અને હારાનમાં મેળવેલા સર્વ નોકરોને લઈને કનાન દેશ તરફ જવા નીકળ્યો.
તેઓ કનાન દેશમાં આવી પહોંચ્યા. 6તે દેશમાં મુસાફરી કરતાં કરતાં અબ્રામ શખેમ નગરની સીમમાં આવેલા મોરેહના પવિત્ર વૃક્ષ સુધી ગયો. તે સમયે તે દેશમાં કનાનીઓ વસતા હતા. 7પ્રભુએ અબ્રામને દર્શન દઈને કહ્યું, “હું તારા વંશજોને આ જ દેશ આપવાનો છું.” તેને દર્શન આપનાર પ્રભુને માટે તેણે ત્યાં એક વેદી બાંધી.#પ્રે.કા. 7:5; ગલા. 3:16. 8ત્યાંથી તે દક્ષિણ તરફ બેથેલ નગરની પૂર્વમાં આવેલ પહાડીપ્રદેશ તરફ ગયો. ત્યાં બેથેલ અને આયની વચમાં તેણે તંબુ માર્યો. ત્યાંથી પશ્ર્વિમે બેથેલ અને પૂર્વમાં આય હતાં. ત્યાં અબ્રામે એક વેદી બાંધી અને યાહવેને નામે ભજન કર્યું. 9પછી તે ત્યાંથી નીકળીને દેશના દક્ષિણ ભાગ નેગેબ તરફ આગળ વધ્યો.
અબ્રામ ઇજિપ્તમાં
10તે દેશમાં દુકાળ પડયો. દુકાળ તીવ્ર હોવાથી અબ્રામ થોડા સમય માટે ઇજિપ્તમાં ગયો. 11ઇજિપ્તની સરહદ વટાવતાં તેણે પોતાની પત્ની સારાયને કહ્યું, “મને ખબર છે કે તું ઘણી સુંદર સ્ત્રી છે. 12ઇજિપ્તના રહેવાસીઓ તને જોઈને કહેશે, ‘આ તેની પત્ની છે’; તેથી તેઓ મને મારી નાખશે પણ તને જીવતી રાખશે. 13માટે તું એમ કહેજે કે તું મારી બહેન છે, જેથી તારે લીધે તેઓ મારી સાથે સારી રીતે વર્તે અને મારો જીવ બચી જાય.”#ઉત. 20:2; 26:7. 14અબ્રામ ઇજિપ્તમાં પ્રવેશ્યો ત્યારે ઇજિપ્તના રહેવાસીઓએ જોયું કે અબ્રામની પત્ની ઘણી સુંદર છે. 15ફેરોના કેટલાક અધિકારીઓએ સારાયને જોઈને ફેરોની આગળ સારાયની સુંદરતાની પ્રશંસા કરી. તેથી સારાયને ફેરોના મહેલમાં લઈ જવામાં આવી. 16સારાયને લીધે ફેરોએ અબ્રામ પ્રત્યે સારો વર્તાવ કર્યો અને અબ્રામને ઘેટાં, ઢોરઢાંક, ગધેડાં, દાસદાસીઓ અને ઊંટો આપ્યાં.
17ફેરોએ સારાયને પોતાને ત્યાં રાખી તેથી પ્રભુએ ફેરો અને તેના પરિવાર પર ભયંકર રોગ મોકલ્યો. 18તેથી ફેરોએ અબ્રામને બોલાવીને કહ્યું, “તું મારી સાથે એવી રીતે કેમ વર્ત્યો? તે તારી પત્ની છે એવું તેં કેમ કહ્યું નહિ? 19તે તારી બહેન છે એવું તેં શા માટે કહ્યું? એથી તો મેં તેને મારી પત્ની તરીકે રાખી! તો હવે આ રહી તારી પત્ની; જા, તેને લઈને જતો રહે.” 20ફેરોએ પોતાના માણસોને અબ્રામ વિષે આજ્ઞા આપી એટલે તેઓ અબ્રામને તેની પત્ની અને તેની સઘળી સંપત્તિ સાથે દેશ બહાર મૂકી આવ્યા.

Qhakambisa

Dlulisela

Kopisha

None

Ufuna ukuthi okuvelele kwakho kugcinwe kuwo wonke amadivayisi akho? Bhalisa noma ngena ngemvume