ઉત્પત્તિ 22
22
ઈશ્વર ઇસહાકનું અર્પણ કરવા ઇબ્રાહિમને આજ્ઞા કરે છે
1 # (આખો ફકરો) હિબ. ૧૧:૧૭-૧૯. એ વાતો પછી એમ થયું કે, ઈશ્વરે ઇબ્રાહિમની પરીક્ષા કરી, ને કહ્યું, “ઇબ્રાહિમ.” અને તેણે કહ્યું, “હું આ રહ્યો.” 2અને તેમણે કહ્યું, “હવે તારો દીકરો; તારો એકનો એક દીકરો, ઇસહાક, જેના પર તું પ્રેમ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં ચાલ્યો જા. અને ત્યાં જે પર્વતો હું તને બતાવું તેઓમાંના એક પર તું તેનું દહનીયાર્પણ કર.” 3અને ઇબ્રાહિમ મોટી સવારે ઊઠયો, ને ગધેડા પર જીન બાંધ્યું, ને પોતાના જુવાનોમાંથી બેને તથા પોતાના દિકરા ઇસહાકને પોતાની સાથે લીધા; અને તેણે દહનીયાર્પણને માટે લાકડાં ચીર્યાં, ને તે ઊઠયો, ને ઈશ્વરે તેને જે જગા બતાવી હતી ત્યાં ગયો. 4ત્યારે ત્રીજે દિવસે ઇબ્રાહિમે પોતાની આંખો ઊંચી કરીને દૂરથી તે જગા જોઈ. 5અને ઇબ્રાહિમે પોતાના જુવાનોને કહ્યું, “તમે અહીં ગધેડા પાસે રહો, ને હું તથા છોકરો પેલે ઠેકાણે જઈએ; અને ભજન કરીને તમારી પાસે પાછા આવીશું.” 6અને ઇબ્રાહિમે દહનીયાર્પણનાં લાકડાં પોતાના દિકરા ઇસહાક પર મૂક્યાં; અને તેણે પોતાના હાથમાં અગ્નિ તથા છરો લીધા; અને તેઓ બન્ને સાથે ગયા. 7અને ઇસહાકે પોતાના પિતા ઇબ્રાહિમને કહ્યું, “મારા પિતા”; અને તેણે કહ્યું, “મારા દિકરા, હું આ રહ્યો.” અને તેણે કહ્યું, “જો, અગ્નિ તથા લાકડાં તો છે; પણ દહનીયાર્પણને માટે ઘેટું ક્યાં છે?” 8અને ઇબ્રાહિમે કહ્યું, “મારા દિકરા, દહનીયાર્પણને અર્થે ઈશ્વર પોતાને માટે ઘેટું મેળવશે”. અને તેઓ બન્ને સાથે ગયા. 9અને જે જગા વિષે ઈશ્વરે તેને કહ્યું હતું, ત્યાં તેઓ પહોંચ્યા. અને ઇબ્રાહિમે ત્યાં વેદી બાંધી, ને લાકડાં સિચ્યાં ને #યાકૂ. ૨:૨૧. પોતાના દિકરા ઇસહાકને બાંધીને વેદી પરનાં લાકડાં પર તેને મૂક્યો. 10અને ઇબ્રાહિમે હાથ લાંબો કરીને તેના દિકરાને મારવાને છરો લીધો. 11અને યહોવાના દૂતે આકાશમાંથી તેને હાંક મારીને કહ્યું, “ઇબ્રાહિમ, ઇબ્રાહિમ.” અને તેણે કહ્યું, “હું આ રહ્યો.” 12અને ઈશ્વરે કહ્યું, “તું તારો હાથ છોકરા પર ન નાખ, ને તેને કંઈ ન કર; કેમ કે દિકરાને, મારાથી પાછો રાખ્યો નથી; તેથી હું જાણું છું કે તું ઈશ્વરથી બીહે છે.” 13અને ઇબ્રાહિમે આંખો ઊંચી કરીને જોયું, ને જુઓ, પાછળ એક ઘેટો ઝાડીમાં શિંગડાંએ ભરાયેલો હતો. અને ઇબ્રાહિમ જઈને તે ઘેટાને લાવ્યો, ને પોતાના દિકરાને બદલે તેનું દહનીયાર્પણ કર્યું. 14અને તે જગાનું નામ ઇબ્રાહિમે યહોવા યિરેહ પાડયું; જેમ આજ સુધી કહેવાય છે તેમ કે, યહોવાના પહાડ પર પૂરું પાડવામાં આવશે. 15અને યહોવાના દૂતે આકાશમાંથી ઇબ્રાહિમને બીજી વાર હાંક મારીને કહ્યું, 16“યહોવા કહે છે, #હિબ. ૬:૧૩-૧૪. મેં પોતાના સમ ખાધા છે કે, તેં એ કામ કર્યું છે, ને તારા દિકરાને તારા એકના એક દિકરાને, પાછો રાખ્યો નથી; 17તે માટે ખચીત હું તને આશીર્વાદ પર આશીર્વાદ આપીશ, ને #હિબ. ૧૧:૧૨. આકાશના તારા જેટલાં તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલા તારાં સંતાન વધારીશ જ વધારીશ; અને તારાં સંતાન તેઓના શત્રુઓની ભાગળ કબજામાં લેશે. 18અને #પ્રે.કૃ. ૩:૨૫. તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે; કેમ કે તેં મારું કહ્યું માન્યું છે.” 19અને ઇબ્રાહિમ પોતાના જુવાનો પાસે પાછો આવ્યો, ને તેઓ ઊઠીને બેર-શેબા સુધી સાથે આવ્યા; અને ઇબ્રાહિમ બેર-શેબામાં રહ્યો.
નાહોરના વંશજ
20અને એ વાતો પછી એમ થયું કે, ઇબ્રાહિમને ખબર મળી કે, જો, મિલ્કાએ પણ તારા ભાઈ નાહોરથી દિકરાઓને જન્મ આપ્યો છે; 21એટલે તેનો વડો દીકરો ઉસ, ને તેનો ભાઈ બૂઝ, ને કમુએલ જે અરામનો પિતા; 22અને કેસેદ તથા હઝો તથા પિલ્દાશ તથા યિદલાફ તથા બથુએલ. 23અને બથુએલથી રિબકા થઈ. એ આઠ ઇબ્રાહિમના ભાઈ નાહોરથી મિલ્કાને પેટે જન્મ્યા. 24અને તેની દાસી જેનું નામ રૂમા હતું તેનાથી પણ ટેબા તથા ગાહામ તથા તાહાશ તથા માકા થયા.
Okuqokiwe okwamanje:
ઉત્પત્તિ 22: GUJOVBSI
Qhakambisa
Dlulisela
Kopisha
Ufuna ukuthi okuvelele kwakho kugcinwe kuwo wonke amadivayisi akho? Bhalisa noma ngena ngemvume
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.