ઉત્પત્તિ 19
19
સદોમનું ભ્રષ્ટ જીવન
1પછી સદોમમાં સાંજે એ બે દૂત આવ્યા; અને લોત સદોમના દરવાજામાં બેઠો હતો; અને લોત એઓને જોઈને મળેવા ઊઠયો, ને પ્રણામ કર્યા. 2અને તેણે કહ્યું, “મારા સ્વામીઓ, જુઓ, હવે કૃપા કરીને તમારા દાસને ઘેર પધારો, ને આખી રાત રહો, ને તમારા પગ ધૂઓ, ને મળસકે ઊઠીને તમારે રસ્તે પડજો.” અને તેઓએ કહ્યું, “ના; પણ અમે આખી રાત રસ્તામાં રહીશું.” 3અને તેણે તેઓને બહુ આગ્રહ કર્યો; ત્યારે તેઓ વળીને તેને ત્યાં ગયા ને તેના ઘરમાં પેઠા. અને તેણે તેઓને માટે ભોજન તૈયાર કર્યું, ને બેખમીર રોટલી કરી, ને તેઓએ ખાધું. 4પરંતુ તેઓના સૂવા અગાઉ નગરના માણસોએ, એટલે સદોમના માણસોએ, નાના મોટાં, બધા લોકોએ બધેથી આવીને તે ઘરને ઘેરી લીધું; 5અને તેઓએ લોતને હાંક મારીને કહ્યું, “જે માણસો આજે રાત્રે તારે ત્યાં આવ્યા છે તેઓ કયાં છે? તેઓને અમારી પાસે બહાર લાવ કે, અમે તેઓને જાણીએ.” 6અને લોત બારણા આગળ તેઓની પાસે પહોંચી ગયો, ને પોતાની પાછળ બારણું બંધ કર્યું. 7અને તેણે કહ્યું, “મારા ભાઈઓ, કૃપા કરી તમે એવું દુષ્ટ કામ ન કરશો. 8હવે જુઓ, મારી બે દીકરીઓ છે, તેઓએ કોઈ પુરુષને જાણ્યો નથી. મરજી હોય તો હું તેઓને તમારી પાસે લાવું, ને જે તમને સારું લાગે તે તેઓને તમારી પાસે લાવું, ને જે તમને સારું લાગે તે તેઓને કરો; પણ એ માણસોને તમે કંઈ ન કરો; કેમ કે તેઓ મારા છાપરાના આશ્રય તળે આવ્યા છે.” 9અને તેઓએ કહ્યું, “હઠી જાઓ.” પછી તેઓ બોલ્યા, “આ માણસ અમારામાં રહેવાને આવ્યો, ને હવે અમારો ન્યાયાધીશ થઈ બેઠો છે. હવે તેઓના કરતાં અમે તને વધારે દુ:ખ દઈશું.” અને તેઓએ તે માણસ પર, એટલે લોત પર, બહુ ધક્કાધક્કી કરી, અને કમાડ ભાંગી નાખવાને પાસે આવ્યા. 10પણ પેલા પુરુષોએ પોતાના હાથ લાંબા કરીને લોતને પોતાની પાસે ઘરમાં ખેંચી લીધો, ને બારણું બંધ કર્યું. 11અને ઘરના બારણા પાસે જે હતા, તે નાના મોટા સર્વને તેઓએ આંધળા કરી નાખ્યા; માટે તેઓ બારણું શોધતા શોધતાં થાકી ગયા.
1 લોતે કુટુંબસહ સદોમ છોડયું
12અને તે માણસોએ લોતને કહ્યું, “અહીં તારાં બીજાં કોઈ છે? તારા જમાઈને, તથા તારા દિકરાઓને, તથા નગરમાં જે સર્વ તારાં હોય તેઓને, આ જગમાંથી કાઢ; 13કેમ કે અમે આ જગાનો નાશ કરીશું, કારણ કે તેઓનો બુમાટો યહોવાની આગળ મોટો થયો છે; અને તેનો નાશ કરવાને યહોવાએ અમને મોકલ્ટા છે.” 14અને લોત નીકળ્યો, ને તેની દીકરીઓને પરણનારા તેના જમાઈઓને બોલાવીને તેણે કહ્યું, “ઊઠો, આ જગામાંથી નીકળી જાઓ, કેમ કે યહોવા આ નગરનો નાશ કરવાના છે.” પણ તે ઠઠ્ઠા કરતો હોય એમ તેના જમાઈઓને લાગ્યું. 15અને મળસકે દૂતોએ લોતને તાકીદ કરીને કહ્યું, “ઊઠ, તારી પત્નીને તથા તારી બે દીકરીઓ જે અહીં છે તેઓને સાથે લે; રખેને નગરની ભૂંડાઈથી તારો નાશ થાય.” 16પણ તે વિલંબ કરતો હતો; ત્યારે યહોવા તેના પર કૃપાળુ હતા માટે, #૨ પિત. ૨:૭. તે પુરુષોએ તેનો હાથ તથા તેની પત્નીનો હાથ તથા તેની બે દીકરીઓના હાથ પકડયા; અને તેઓએ તેને કાઢીને નગરની બહાર પહોંચાડયો. 17અને એમ થયું કે તેઓ તેમને બહાર લાવ્યા પછી [યહોવાએ] તેને કહ્યું, “તું પોતાનો જીવ લઈને નાસી જા. તારી પાછળ જોતો ના, ને નીચાણમાં કોઈ ઠેકાણે રહેતો ના; તારો નાશ ન થાય માટે પહાડ પર નાસી જજે.” 18અને લોતે તેઓને કહ્યું, “ઓ મારા સ્વામી, એમ તો નહિ. 19હવે, જો, હું તમારી દષ્ટિમાં કૃપા પામ્યો છું, ને મારો જીવ બચાવવામાં જે કૃપા તમે મારા પર સંકટ આવી પડે, ને હું મરી જાઉં. 20હવે જો, આ નગર પાસે છે, માટે ત્યાં નાસી જવાનું સહેલું છે, ને તે નાનું છે; ત્યાં મને નાસી જવા દો, (શું તે નાનું નથી?) તો મારો જીવ બચશે.” 21અને યહોવાએ કહયું, “જો, આ વાત વિષે પણ મેં તારું સાભંળ્યું છે, જે નગર વિષે પણ મેં તારું સાંભળ્યું છે, જે નગર વિષે તું બોલ્યો છે તેનો નાશ હું નહિ કરીશ. 22તું ઉતાવળે ત્યાં નાસી જા; કેમ કે તારા ત્યાં પહોચ્યા સુધી હું કંઇ કરી શકતો નથી” એ માટે તે નગરનું નામ સોઆર પડ્યું.
સદોમ અને ગમોરાનો વિનાશ
23લોત સોઆરમાં પેઠો ત્યારે પૃથ્વી પર સૂર્ય ઊગ્યો હતો. 24ત્યારે #માથ. ૧૦:૧૫; ૧૧:૨૩-૨૪; લૂ. ૧૦:૧૨; ૧૭:૨૯; ૨ પિત. ૨:૬; યહૂ. ૭. યહોવાએ સદોમ તથા ગમોરા પર ગંધક તથા આગ આકાશમાંથી વરસાવ્યાં. 25અને તેમણે તે નગરનો તથા આખા નીચાણનો તથા નગરનો તથા આખા નીચાણનો તથા નગરમાં સર્વ રહેનારાંનો તથા ભૂમિ પર ઊગેલાંનો નાશ કર્યો. 26પણ #લૂ. ૧૭:૩૨. લોતની પત્ની જે તેની પાછળ ચાલતી હતી તેણે પાછળ જોયું, ને તે ખારનો થાંભલો થઈ ગઈ. 27અને ઇબ્રાહિમ મોટી સવારે ઊઠયો ને જયાં યહોવાની આગળ તે ઊભો રહ્યો હતો ત્યાં ગયો. 28અને તેણે સદોમ તથા ગમોરાની તરફ તથા આખા નીચાણના પ્રદેશ તરફ નજર કરી, અને જુઓ, ભઠ્ઠીના ધુમાડાની જેમ તે દેશનો ધુમાડો ઉપર ચઢતો હતો.
29અને એમ થયું કે ઈશ્વરે નીચાણનાં નગરોનો નાશ કર્યો, ત્યારે ઈશ્વરે ઇબ્રાહિમનું સ્મરણ કર્યું, ને જયાં લોત રહેતો હતો તે નગરનો નાશ તેમણે કર્યો, તે વખતેએ નાશ મધ્યેથી તે લોતને બહાર કાઢી લાવ્યા.
મોઆબીઓ અને આમોનીઓનું મૂળ
30પછી લોત સોઆરમાંથી નીકળીને પોતાની બે દીકરીઓ સહિત પહાડમાં જઈ રહ્યો; કેમ કે સોઆરમાં રહેતાં તે બીધો; અને પોતાની બે દીકરીઓ સહિત તે ગુફામાં રહ્યો. 31અને મોટી દીકરીએ નાનીને કહ્યું, “આપણો પિતા ઘરડો છે, ને આપણી પાસે આવવાને દુનિયાની રીત પ્રમાણે આપણી પાસે આવવાને દુનિયા ઉપર કોઈ પુરુષ નથી. 32ચાલો આપણે પિતાને દ્રાક્ષારસ પાઈએ, ને તેમની સાથે આપણે સૂઈએ કે, આપણાથી આપણા પિતાનું સંતાન રહે.” 33અને તેઓએ પોતાના પિતાને તે જ રાત્રે દ્રાક્ષારસ પાયો; અને મોટી જઈને તેના પિતાની સાથે સૂતી; પણ તે કયારે સૂતી ને કયારે ઊઠી, એ તેણે જાણ્યું નહિ.
34અને સવારે એમ થયું કે, મોટીએ નાનીને કહ્યું, “જો, કાલે રાત્રે હું આપણા પિતાની સાથે સૂતી. આજે રાત્રે પણ આપણે તેને દ્રાક્ષારસ પાઇએ; અને તું પણ જઈને તેમની સાથે સૂ કે, આપણાથી આપણા પિતાનું સંતાન રહે.” 35અને તેઓએ તે રાત્રે પણ તેઓના પિતાને દ્રાક્ષારસ પાયો; અને નાની જઈને તેની સાથે સૂતી; પણ તે કયારે સૂતી ને કયારે ઊઠી, એ તેણે જાણ્યું નહિ. 36એમ લોતની બન્ને દીકરીઓ પોતાના પિતાથી ગર્ભવતી થઈ. 37અને મોટીએ એક દિકરાને જન્મ આપ્યો, ને તેનું નામ તેણે ‘મોઆબ’ પાડયું; તે આજ સુધીના આબીઓનો આદિપિતા છે. 38અને નાનીએ પણ એક દિકરાને જન્મ આપ્યો, ને તેનું નામ તેણે ‘બેન-આમ્મી’ પાડયું; તે આજ સુધીના આમોન-પુત્રોનો આદિપિતા છે.
Okuqokiwe okwamanje:
ઉત્પત્તિ 19: GUJOVBSI
Qhakambisa
Dlulisela
Kopisha

Ufuna ukuthi okuvelele kwakho kugcinwe kuwo wonke amadivayisi akho? Bhalisa noma ngena ngemvume
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.