ઉત્પત્તિ 11

11
બાબિલનો બુરજ
1અને આખી પૃથ્વીમાં એક જ ભાષા તથા એક જ બોલી હતી. 2અને એમ થયું કે, તેઓ પૂર્વ તરફ રખડતા રખડતા શિનઆર દેશના એક મેદાનમાં આવી પહોંચ્યા, ને ત્યાં રહ્યા. 3અને તેઓએ એકબીજને કહ્યું, “ચાલો, આપણે ઈંટો પાડીએ, ને તે સારી પેઢે પકવીએ.” અને પથ્થરને ઠેકાણે તેઓની પાસે ઇંટો હતી, ને છોને ઠેકાણે ડામર હતો. 4અને તેઓએ કહ્યું, “ચાલો, આપણે પોતાના માટે એક શહેર બાંધીએ તથા જેની ટોચ આકાશ સુધી પહોંચે, એવો બુરજ બાંધીએ, અને એમ આપણે પોતાને માટે નામના મેળવીએ; કે આખી પૃથ્વી પર આપણે વિખેરાઈ ન જઈએ.”
5અને જે નગર તથા બુરજ માણસોના દિકરાઓ બાંધતા હતા, તે જોવાને યહોવા ઊતર્યાં. 6અને યહોવાએ કહ્યું, “જુઓ, આ લોકો એક છે, ને તે સર્વની ભાષા એક છે; અને તેઓએ આવું કરવા માંડયું છે: તો હવે જે કંઈ તેઓ કરવા ધારે તેમાં તેઓને અટકાવ નહિ થશે. 7ચાલો, આપણે ત્યાં ઊતરીએ, ને તેઓની ભાષા ઉલગાવી નાખીએ કે, તેઓ એકબીજાની બોલી ન સમજે.” 8એમ યહોવાએ તેઓને ત્યાંથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા; અને તેઓએ નગર બાંધવાનું મૂકી દીધું. 9એ માટે તેનું નામ બાબિલ [એટલે ગૂંચવણ] પડ્યું; કેમ કે યહોવાએ ત્યાં આખી પૃથ્વીની ભાષામાં ગૂંચવણ કરી નાખી. અને યહોવએ તેઓને ત્યાંથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા.
શેમના વંશજ
10શેમની વંશાવાળી આ પ્રમાણે છે: શેમ સો વર્ષનો હતો, ને જળપ્રલયને બે વર્ષ થયા પછી તેને આર્પાકશાદ થયો. 11અને આર્પાકશાદનો જન્મ થયા પછી શેમ પાંચસો વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.
12અને આર્પાકશાદ પાંત્રીસ વર્ષનો થયો, ત્યારે તેને શેલા થયો; 13અને શેલાનો જન્મ થયા પછી આર્પાકશાદ ચારસો ત્રણ વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.
14અને શેલા ત્રીસ વર્ષનો થયો, ત્યારે તેને હેબેર થયો. 15અને હેબરનો જન્મ થયા પછી શેલા ચારસો ત્રણ વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.
16અને હેબેર ચોત્રીસ વર્ષનો થયો ત્યારે તેને પેલેગ થયો. 17અને પલેગનો જન્મ થયા પછી હેબેર ચારસો ત્રીસ વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.
18અને પેલેગ ત્રીસ વર્ષનો થયો, ને તેને રેઉ થયો. 19અને રેઉનો જન્મ થયા પછી પેલેગ બસો નવ વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.
20અને રે ઉ બત્રીસ વર્ષનો થયો, ને તેને સરૂગ થયો. 21અને સરૂગનો જન્મ થયા પછી રેઉ બસો સાત વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.
22અને સરૂગ ત્રીસ વર્ષનો થયો, ને તેને નાહોર થયો. 23અને નાહોરનો જન્મ થયા પછી સરૂગ બસો વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.
24અને નાહોર ઓગણત્રીસ વર્ષનો થયો, ને તેને તેરા થયો. 25અને તેરાનો જન્મ થયા પછી નાહોર એકસો ઓગણીસ વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.
26અને તેરા સિત્તેર વર્ષનો થયો, ને તેને ઇબ્રામ તથા નાહોર તથા હારાન થયા.
તેરાના વંશજ
27હવે તેરાની વંશાવળી આ પ્રમાણે છે: તેરાને ઇબ્રામ તથા નાહોર તથા હારાન થયા. અને હારાનથી લોત થયો. 28અને હારાન પોતાના પિતા તેરાની અગાઉ, પોતાના જન્મદેશમાં કાસ્દીઓના ઉર [નગર] માં મરી ગયો. 29ઇબ્રામે તથા નાહોરે પત્નીઓ કરી:ઇબ્રામની પત્નીનું નામ સારાય; અને નાહોરની પત્નીનું નામ મિલ્કા, જે હારાનની દીકરી હતીલ; તે હારાન તો મિલ્કા તથા યિસ્કાનો પિતા હતો. 30પણ સારાય વાંઝણી હતી. તેને કંઈ છોકરું ન હતું. 31અને તેરા પોતાના દિકરાનો દીકરો લોત, જે હારાનનો દીકરો તેને, તથા પોતાના દિકરા ઇબ્રામની પત્ની સારાયને લઈને તેઓ સુદ્ધાં કાસ્દીઓના ઉરમાંથી, કનાન દેશમાં જવાને નીકળ્યો; અને તેઓ હારાનમાં આવીને ત્યાં રહ્યાં. 32અને તેરાના દિવસો બસો પાંચ વર્ષ હતાં. અને તેરા હારાનમાં મરી ગયો.

Qhakambisa

Dlulisela

Kopisha

None

Ufuna ukuthi okuvelele kwakho kugcinwe kuwo wonke amadivayisi akho? Bhalisa noma ngena ngemvume