YouVersion 標誌
搜尋圖標

લૂક 16

16
ચાલાક કારભારી
1ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “એક શ્રીમંત માણસને એક કારભારી હતો. કારભારી તેના શેઠના પૈસા વેડફી નાખે છે એવી ફરિયાદ શેઠના સાંભળવામાં આવી. 2તેણે તેને કહ્યું, ‘તારા વિષે હું આ બધું શું સાંભળું છું? મારી જે મિલક્તનો તું કારભાર કરે છે તેનો પૂરેપૂરો હિસાબ આપી દે, કારણ તું હવે મારા કારભારી તરીકે રહી શકે નહિ.’ 3કારભારીએ પોતાના મનમાં કહ્યું, ‘મારા શેઠ હવે મને નોકરીમાંથી કાઢી મૂકશે. હવે મારે શું કરવું? મજૂરી કરવા જેટલી મારામાં તાક્ત નથી અને ભીખ માગતાં મને શરમ લાગે છે. મારે શું કરવું તેની હવે મને સૂઝ પડે છે! 4એથી મારી નોકરી જતી રહેશે, ત્યારે પણ મને તેમના ઘરમાં આવકારનાર મિત્રો હશે!’
5તેથી તેણે પોતાના શેઠના બધા દેવાદારોને એક પછી એક બોલાવ્યા. તેણે પહેલાને કહ્યું, ‘મારા શેઠનું તમારે કેટલું દેવું છે?’ 6તેણે જવાબ આપ્યો, ‘સો પીપ ઓલિવનું તેલ.’ કારભારીએ તેને કહ્યું, ‘આ રહ્યું તમારું ખાતું, બેસીને પચાસ લખો.’ 7તેણે બીજાને કહ્યું, ‘તમારે કેટલું દેવું છે?’ તેણે જવાબ આપ્યો, ‘સો થેલા ઘઉં.’ કારભારીએ તેને કહ્યું, ‘આ તમારું ખાતું છે. એમાં એંસી લખો.’ 8આવું ચાલાકીભર્યું વર્તન જોઈને એ અપ્રામાણિક કારભારીના શેઠે તેની પ્રશંસા કરી; કારણ, પ્રકાશના લોકો કરતાં આ દુનિયાના લોકો તેમના સાથીદારો સાથેના વ્યવહારમાં વધારે ચાલાક હોય છે.”
9વળી, ઈસુએ કહ્યું, “હું તમને પણ એ જ કહું છું: દુન્યવી સંપત્તિ વડે તમે પોતાને માટે મિત્રો કરી લો, જેથી જ્યારે તે સંપત્તિ ખૂટી જાય, ત્યારે સાર્વકાલિક ઘરમાં તમારો સત્કાર થશે. 10જે નાની બાબતોમાં વફાદાર છે, તે મોટી બાબતોમાં પણ થશે; જે નાની બાબતોમાં અપ્રામાણિક છે, તે મોટી બાબતોમાં પણ અપ્રામાણિક થશે. 11તેથી જો તમે દુન્યવી સંપત્તિના વહીવટમાં વફાદાર નહિ રહો, તો તમને સાચી સંપત્તિ કોણ સોંપશે? 12અને જે બીજા કોઈનું છે તેમાં તમે વિશ્વાસુ રહ્યા નથી, તો તમારું પોતાનું તમને કોણ સોંપશે?
13“કોઈ પણ નોકર બે માલિકની નોકરી કરી શકે નહિ; કારણ, તે એકને ધિક્કારશે અને બીજા પર પ્રેમ કરશે; તે એકને વફાદાર રહેશે, અને બીજાનો તિરસ્કાર કરશે. તમે ઈશ્વર અને સંપત્તિ એ બન્‍નેની સેવા કરી શકો નહિ.”
ઈસુનાં કેટલાંક કથનો
(માથ. 11:12-13; 5:31-32; માર્ક. 10:11-12)
14આ બધું સાંભળીને ફરોશીઓ ઈસુની મશ્કરી કરવા લાગ્યા, કારણ, તેઓ દ્રવ્યલોભી હતા. 15ઈસુએ તેમને કહ્યું, “તમે તો પોતાની જાતને માણસોની દૃષ્ટિમાં સાચા દેખાડનારા છો, પણ ઈશ્વર તમારાં હૃદયો જાણે છે, કારણ, માણસ જેને મૂલ્યવાન ગણે છે, તે ઈશ્વરની દૃષ્ટિમાં ધિક્કારપાત્ર છે.
16“મોશેનું નિયમશાસ્ત્ર અને ઈશ્વરના સંદેશવાહકોનાં લખાણો બાપ્તિસ્મા કરનાર યોહાનના સમય સુધી અમલમાં હતાં; ત્યાર પછી ઈશ્વરના રાજ સંબંધીનો શુભસંદેશ કહેવામાં આવી રહ્યો છે, અને બધા તેમાં બળજબરીથી પ્રવેશવા યત્ન કરે છે. 17છતાં નિયમશાસ્ત્રની નાનામાં નાની વિગત નિરર્થક થાય, તે કરતાં આકાશ અને પૃથ્વીનું અસ્તિત્વ મટી જાય એ સહેલું છે.
18“પોતાની પત્નીથી લગ્નવિચ્છેદ કરીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષ વ્યભિચાર કરે છે; તેમ જ જેનો લગ્નવિચ્છેદ થયો હોય તેવી સ્ત્રી સાથે લગ્ન કરનાર પણ વ્યભિચાર કરે છે.”
શ્રીમંત અને ગરીબ
19“એક શ્રીમંત હતો. તે ખૂબ કિંમતી કપડાં પહેરતો અને હંમેશાં ભારે મોજશોખમાં જીવતો હતો. લાઝરસ નામે એક ગરીબ માણસ હતો. તેને આખા શરીરે ગૂમડાં થયેલાં હતાં. 20તેને શ્રીમંત માણસને બારણે રોજ લાવવામાં આવતો. 21અને શ્રીમંત માણસના મેજ પરથી પડતા ખોરાકના ટુકડાથી તે પોતાનું પેટ ભરવાની આશા રાખતો હતો. કૂતરાં પણ આવીને તેનાં ગૂમડાં ચાટતાં! 22તે ગરીબ માણસ મરી ગયો અને દૂતો તેને અબ્રાહામની પાસે લઈ ગયા. પેલો શ્રીમંત માણસ પણ મરી ગયો અને તેને દફનાવવામાં આવ્યો. 23તે નરકમાં ખૂબ પીડા ભોગવતો હતો; અને તેણે ઊંચું જોયું તો દૂર દૂર અબ્રાહામને અને તેમની નજીક લાઝરસને બેઠેલા જોયા. 24તેથી તેણે બૂમ પાડી, ‘પિતા અબ્રાહામ! મારા પર દયા કરો, અને લાઝરસને મોકલો કે જેથી તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડક વાળે; કારણ, આ અગ્નિમાં હું અસહ્ય વેદના ભોગવું છું!’ 25પણ અબ્રાહામે કહ્યું, ‘મારા દીકરા, તારા જીવનકાળ દરમિયાન તને બધાં સારાં વાનાં આપવામાં આવ્યાં હતાં, જ્યારે લાઝરસને બધાં ભૂંડા વાનાં મળ્યાં હતાં, તે યાદ કર; પણ હવે તે અહીં આનંદ કરે છે, જયારે તું યાતના ભોગવે છે. 26એ ઉપરાંત આપણી વચ્ચે એક ઊંડી ખાઈ છે, જેથી અમારી બાજુએથી કોઈ તારી બાજુ આવવા ઇચ્છે તો ન આવી શકે. તેમજ તારી બાજુથી કોઈ અમારી બાજુ આવવા ઇચ્છે તો પણ તેને ઓળંગી શકે નહિ.’ 27શ્રીમંત માણસે કહ્યું, ‘હે પિતા, લાઝરસને મારા પિતાને ઘેર મોકલો એવી આજીજી કરું છું! 28મારે પાંચ ભાઈઓ છે. લાઝરસને તેમને ચેતવણી આપવા જવા દો, જેથી તેઓ આ વેદનાની જગ્યાએ આવી ન પડે.’ 29અબ્રાહામે કહ્યું, ‘તારા ભાઈઓને ચેતવણી આપવા માટે મોશેનું નિયમશાસ્ત્ર અને સંદેશવાહકોનાં પુસ્તકો છે; તેઓ શું કહે છે તે તારા ભાઈઓને સાંભળવા દે.’ 30શ્રીમંત માણસે જવાબ આપ્યો, ‘પિતા અબ્રાહામ, એના કરતાં તો જો કોઈ મરણમાંથી સજીવન થાય અને તેમની પાસે જાય, તો તેઓ તેમનાં પાપથી પાછા ફરે.’ 31પણ અબ્રાહામે કહ્યું, ‘જો તેઓ મોશે તથા સંદેશવાહકોનું ન સાંભળે, તો પછી કોઈ મરણમાંથી સજીવન થાય તોપણ તેઓ માનવાના નથી.”

醒目顯示

分享

複製

None

想在你所有裝置上儲存你的醒目顯示?註冊帳戶或登入