ઉત્પત્તિ 20
20
ઇબ્રાહિમ અને અબીમેલેખ
1પછી ઇબ્રાહિમ ત્યાંથી નેગેબ દેશ તરફ જઈને કાદેશ તથા શૂરની વચ્ચે રહ્યો; અને તેણે ગેરારમાં મુકામ કર્યો. 2અને ઇબ્રાહિમે પોતાની પત્ની સારા વિશે કહ્યું, #ઉત. ૧૨:૧૩; ૨૬:૭. “તે મારી બહેન છે;” અને ગેરારના રાજા અબીમેલેખે સારાને બોલાવી લીધી. 3પણ રાત્રે સ્વપનમાં ઈશ્વરે અબીમેલેખની પાસે આવીને કહ્યું, જો, જે સ્ત્રી તેં લીધી છે તેને લીધે તું પોતાને મૂએલો જ જાણજે; કેમ કે તે પરણેલી છે.” 4પણ અબીમેલેખ તેની પાસે ગયો ન હતો. અને તેણે કહ્યું, “પ્રભુ, શું તમે ન્યાયી લોકનો પણ નાશ કરશો? 5‘તે મારી બહેન છે, ’ એમ શું તેણે મને નથી કહ્યું? સારાએ પોતે પણ કહ્યું, ‘તે મારો ભાઈ છે;’ મેં સાચા અંત:કરણે તથા શુદ્ધ હાથે આ કામ કર્યું છે.” 6અને ઈશ્વરે સ્વપ્નમાં તેને કહ્યું, “હા, હું જાણું છું કે તેં સાચા અંત:કરણે એ કર્યું છે, ને મેં પણ મારી સામે અપરાધ કરવાથી તને અટકાવ્યો; માટે મેં તને તેને અડકવા ન દીધો. 7માટે હવે તું તે માણસની પત્ની તેને પાછી આપ; કેમ કે તે પ્રબોધક છે, ને તારે માટે તે પ્રાર્થના કરશે, ને તું જીવશે. પણ જો તું તેને પાછી નહિ આપે, તો તું તારા સર્વ લોક સહિત નિશ્વય મરેલો જાણજે.”
8એ માટે અબીમેલેખ મોટી સવારે ઊઠયો, ને પોતાના સર્વ દાસોને બોલાવીને એ સર્વ વાતો તેઓને તેણે કહી સંભળાવી; અને તે માણસો ઘણા બીધા. 9અને અબીમેલેખે ઇબ્રાહિમને તેડાવીને તેને કહ્યું, “આ તેં અમને શું કર્યું છે? મેં તારો શો અપરાધ કર્યો છે કે, તું મારા પર તથા મારા રાજ્ય પર મોટું પાપ લાવ્યો છે? જે કામો કરવાં યોગ્ય નથી તે તેં મારા પ્રત્યે કર્યાં છે.” 10અને અબીમેલેખે ઇબ્રાહિમને કહ્યું, “તેં શું જોઈને આ કામ કર્યું છે?” 11અને ઇબ્રાહિમ બોલ્યો, ખચીત આ ઠેકાણે ઈશ્વરનું ભય નથી, ને મારી પત્નીને લીધે તેઓ મને મારી નાંખશે, એવું ધારીને મેં એમ કર્યું છે. 12વળી તે મારી બહેન છે, એ પણ ખરું, એટલે મારા પિતાની દીકરી, પણ મારી માની દીકરી નહિ; અને તે મારી પત્ની થઈ. 13અને એમ થયું કે ઈશ્વરે મને મારા પિતાના ઘરમાંથી કાઢ્યો ત્યારે મેં તેને કહ્યું હતું, ‘જયાં જયાં આપણે જઈએ ત્યાં ત્યાં તું મારા વિષે કહેજે કે, તે મારો ભાઈ છે, એવી કૃપા તું મારા પર કરજે.’”
14અને અબીમેલેખે ઘેટાં તથા ઢોર, દાસો તથા દાસીઓ લઈને ઇબ્રાહિમને આપ્યાં, ને તેની પત્ની સારા પણ તેને પાછી આપી. 15અને અબીમેલેખે કહ્યું, “જો, મારો દેશ તારી આગળ છે; જયાં તને સારું લાગે ત્યાં રહે.” 16સારાને પણ તેણે કહ્યું, “જો, મારો દેશ તારા ભાઈને મેં હજાર રૂપિયા આપ્યા છે. જો, તારા ભાઈને મેં હજાર રૂપિયા આપ્યા છે. જો તે તારી સાથેના બધાની આગળ તારે માટે પડદારૂપ છે; અને બધા વિષે તું નિર્દોષ ઠરેલી છે.” 17ઇબ્રાહિમે ઈશ્વરની પ્રાર્થના કરી; અને ઈશ્વરે અબીમેલેખને તથા તેની પત્નીને તથા તેની પત્નીને તથા તેની દાસીઓને સાજાં કર્યાં. અને તેઓને છોકરાં થયાં. 18કેમ કે ઇબ્રાહિમની પત્ની સારાને લીધે યહોવાએ અબીમેલેખના ઘરમાંનાં સર્વનાં ગર્ભસ્થાન બંધ કર્યાં હતાં.
موجودہ انتخاب:
ઉત્પત્તિ 20: GUJOVBSI
سرخی
شئیر
کاپی
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fur.png&w=128&q=75)
کیا آپ جاہتے ہیں کہ آپ کی سرکیاں آپ کی devices پر محفوظ ہوں؟ Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.