લૂક 23

23
ઈસુ પિલાત સમક્ષ
(માથ. ૨૭:૧-૨,૧૧-૧૪; માર્ક ૧૫:૧-૫; યોહ. ૧૮:૨૮-૩૮)
1તે પછી તેઓનો આખો સમુદાય ઊઠીને તેમને પિલાતની પાસે લઈ ગયો 2તેઓ તેમના પર એવું તહોમત મૂકવા લાગ્યા, “અમેન એવું માલૂમ પડયું છે કે આ માણસ અમારા લોકોને ભુલાવે છે, અને કાઈસારને ખંડણી આપવાની મના કરે છે, અને, ‘હું પોતે ખ્રિસ્ત રાજા છું’ એમ કહે છે.” 3પિલાતે તેમને પૂછ્યું, “શું તું યહૂદીઓનો રાજા છે?” તેમણે તેને ઉત્તર આપ્યો, “તમે કહો છો.” 4પિલાતે મુખ્ય યાજકોને તથા લોકોને કહ્યું, “આ માણસમાં મને કંઈ અપરાધ જણાતો નથી.” 5પણ તેઓએ વિશેષ આગ્રહથી કહ્યું, “ગાલીલથી માંડીને અહીં સુધી આખા યહૂદિયામાં તે બોધ કરીને લોકોને ઉશ્કેરે છે.”
ઈસુ હેરોદ સમક્ષ
6પણ પિલાતે તે સાંભળ્યું ત્યારે તેણે પૂછ્યું, “શું આ માણસ ગાલીલનો છે?” 7તે હેરોદના તાબાનો છે એમ તેણે જાણ્યું, ત્યારે તેણે તેમને હેરોદની પાસે મોકલ્યો; [હેરોદ] પોતે પણ તે સમયે યરુશાલેમમાં હતો.
8હવે હેરોદ ઈસુને જોઈને ઘણો હર્ષ પામ્યો. કેમ કે તેમના સંબંધી તેણે સાંભળ્યું હતું, તેને લીધે તે ઘણા દિવસથી તેમને જોવા ઇચ્છતો હતો. અને મારા દેખતાં તે કંઈ ચમત્કાર કરશે એવી આશા પણ તે રાખતો હતો. 9તેણે તેમને ઘણી ઘણી વાતો પૂછી. પણ તેમણે તેને કંઈ ઉત્તર આપ્યો નહિ. 10મુખ્ય યાજકો તથા શાસ્‍ત્રીઓ તેમના ઉપર જુસ્સાથી તહોમત મૂકતા ઊભા હતા. 11હેરોદે પોતાના સિપાઈઓ સહિત તેમનો તુચ્છકાર કરીને તથા મશ્કરી કરીને તેમને ભપકાદાર વસ્‍ત્રો પહેરાવીને પિલાતની પાસે પાછા મોકલ્યા. 12તે જ દિવસે પિલાત તથા હેરોદ એકબીજાના મિત્ર થયા; આગળ તો તેઓ એકબીજા પર વૈર રાખતા હતા.
ઈસુને મોતની સજા ફરમાવી
(માથ. ૨૭:૧૫-૨૬; માર્ક ૧૫:૬-૧૫; યોહ. ૧૮:૩૯—૧૯:૧૬)
13પિલાતે મુખ્ય યાજકોને તથા અધિકારીઓને તથા લોકોને એકત્ર કર્યા, અને બોલાવીને 14કહ્યું, “આ માણસ લોકોને ભુલાવે છે, એવું કહીને તમે તેને મારી પાસે લાવ્યા છો; પણ મેં તમારી આગળ તેની તપાસ કર્યા છતાં, જે વાતોનું તમે તેના પર તહોમત મૂકો છો તે સંબંધી કંઈ પણ અપરાધ આ માણસમાં મને જણાયો નથી. 15તેમ જ હેરોદને પણ જણાયો નથી; કેમ કે તેમણે તેને અમારી પાસે પાછો મોકલ્યો; મરણદંડને યોગ્ય તેણે કંઈ કર્યું નથી. 16માટે હું તેને કંઈક શિક્ષા કરીને છોડી દઈશ.” 17[હવે તે પર્વ પર તેને તેઓને માટે કોઈ એકને છોડી મૂકવો પડતો હતો.]
18પણ તેઓએ સામટો મોટો ઘાંટો પાડીને કહ્યું, “એને લઈ જાઓ, અને બારાબાસને અમારે માટે છોડી દો. 19(એને તો શહેરમાં કંઈ તોફાન તથા હત્યા કર્યાને લીધે બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો).
20ત્યારે ઈસુને છોડવાની ઇચ્છા રાખીને પિલાત ફરીથી તેઓની સાથે બોલ્યો. 21પણ તેઓએ પોકારીને કહ્યું, “એને વધસ્તંભે જડાવો, વધસ્તંભે જડાવો.”
22તેણે ત્રીજી વાર તેઓને પૂછ્યું, “શા માટે? તેણે શું ભૂંડું કર્યું છે? તેનામાં મરણદંડ યોગ્ય મને કંઈ પણ જણાયું નથી; માટે હું તેને કંઈક શિક્ષા કરીને છોડી દઈશ.”
23પણ તેઓએ મોટેથી બોલીને દુરાગ્રહથી માગણી કરી, “એને વધસ્તંભે જડાવો.” તેઓના ઘાંટા આખરે ફાવ્યા. 24તેઓના માગ્યા પ્રમાણે કરવાને પિલાતે હુકમ કર્યો. 25તોફાન અને ખૂન કર્યાને લીધે જે માણસને બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો, અને જેની તેઓએ માગણી કરી હતી; તેને તેણે છોડી દીધો; પણ ઈસુને તેણે તેઓની ઇચ્છાને સ્વાધીન કર્યા.
ઈસુનું ક્રૂસારોહણ
(માથ. ૨૭:૩૨-૪૪; માર્ક ૧૫:૨૧-૩૨; યોહ. ૧૯:૧૭-૨૭)
26તેઓ તેમને લઈ જતા હતા ત્યારે સિમોન કરીને કુરેનીનો એક માણસ સીમમાંથી આવતો હતો, તેને પકડીને તેઓએ તેની કાંધે વધસ્તંભ ચઢાવ્યો કે, તે તે ઊંચકીને ઈસુની પાછળ ચાલે.
27લોકો તેમ જ રડનારી તથા વિલાપ કરનારી સ્‍ત્રીઓ, સંખ્યાબંધ માણસો, તેમની પાછળ પાછળ ચાલતાં હતાં. 28પણ ઈસુએ તેઓની તરફ પાછા ફરીને કહ્યું, “યરુશાલેમની દીકરીઓ, મારે માટે રડો નહિ, પણ પોતાને માટે તથા પોતાનાં છોકરાંને માટે રડો. 29કેમ કે એવા દિવસ આવે છે કે જેમાં તેઓ કહેશે કે, “જેઓ વાંઝણી છે તથા જેઓના પેટે કદી સંતાન થયું નથી, અને જેઓએ કદી ધવડાવ્યું નથી, તેઓને ધન્ય છે!” 30ત્યારે #હો. ૧૦:૮; પ્રક. ૬:૧૬. તેઓ પહાડોને કહેવા માંડશે કે, ‘અમારા પર પડો’; અને ટેકરાઓને [કહેશે] કે, ‘અમને ઢાંકી નાખો.’ 31કેમ કે જો તેઓ લીલા ઝાડને આમ કરે છે, તો સૂકાને શું નહિ કરશે?”
32વળી બીજા બે માણસ ગુનેગાર હતા, તેઓને મારી નાખવા માટે તેઓ તેમની સાથે લઈ જતા હતા.
33ખોપરી નામની જગાએ તેઓ આવ્યા, ત્યારે તેઓએ ત્યાં તેમને તથા ગુનેગારોમાંના એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ, વધસ્તંભે જડ્યા.
34ઈસુએ કહ્યું, “હે પિતા, તેઓને માફ કરો. કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી.” #ગી.શા. ૨૨:૧૮. ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તેમનાં વસ્‍ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં. 35લોકો જોતા ઊભા હતા. અધિકારીઓ પણ તેમનો તુચ્છકાર કરીને કહેતા હતા, “તેણે બીજાઓને બચાવ્યા; જો એ ઈશ્વરનો ખ્રિસ્ત, [એટલે] તેમનો પસંદ કરેલો હોય, તો તે પોતાને બચાવે.” 36સિપાઈઓએ પણ તેમની મશ્કરી કરી, અને પાસે આવીને તેમને સરકો આપવા લાગ્યા, 37અને કહ્યું, “જો તું યહૂદીઓનો રાજા છે, તો તું પોતાને બચાવ.” 38તેમના ઉપર એવો લેખ પણ લખેલો હતો કે, ‘આ યહૂદીઓનો રાજા છે.’ 39તેમની સાથે ટાંગેલા ગુનેગારોમાંના એકે તેમની નિંદા કરીને કહ્યું, “શું તું ખ્રિસ્ત નથી? તું પોતાને તથા અમને બચાવ.” 40પરંતુ બીજાએ ઉત્તર આપતાં તેને ધમકાવીને કહ્યું, “તું તે જ શિક્ષા ભોગવે છે, તે છતાં શું તું ઈશ્વરથી પણ બીતો નથી? 41આપણે તો વાજબી રીતે [ભોગવીએ છીએ] ; કેમ કે આપણે આપણાં કામનું યોગ્ય ફળ પામીએ છીએ. પણ એમણે કંઈ પણ ખોટું કર્યું નથી.” 42તેણે કહ્યું, “હે ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને સંભારજો.” 43તેમણે તેને કહ્યું, “હું તને ખચીત કહું છું કે, આજ તું મારી સાથે પારાદૈશમાં હોઈશ.”
ઈસુનું મૃત્યુ
(માથ. ૨૭:૪૫-૫૬; માર્ક ૧૫:૩૩-૪૧; યોહ. ૧૯:૨૮-૩૦)
44હમણાં લગભગ બપોર થયા હતા, અને ત્યારથી ત્રીજા પહોર સુધી સૂર્ય [નું તેજ] ઘેરાઈ જવાથી આખા દેશમાં અંધકાર વ્યાપી રહ્યો. 45વળી મંદિરનો #નિ. ૨૬:૩૧-૩૩. પડદો વચમાંથી ફાટી ગયો. 46ઈસુએ મોટી બૂમ પાડીને કહ્યું, #ગી.શા. ૩૧:૫. “ઓ પિતા, હું મારો આત્મા તમારા હાથમાં સોંપું છું;” એમ કહીને તેમણે પ્રાણ છોડ્યો. 47જે થયું હતું તે જોઈને સૂબેદારે ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું, “ખરેખર આ તો ન્યાયી માણસ હતા.” 48જે લોકો એ જોવા માટે એકત્ર થયા હતા તેઓ સર્વ, જે થયું હતું તે જોઈને, પોતાની છાતી કૂટતા પાછા ગયા. 49તેમના સર્વ ઓળખીતાઓ તથા #લૂ. ૮:૨-૩. જે સ્‍ત્રીઓ ગાલીલમાંથી તેમની પાછળ પાછળ આવી હતી, તેઓ દૂર ઊભાં રહીને આ જોતાં હતાં.
ઈસુનું દફન
(માથ. ૨૭:૫૭-૬૧; માર્ક ૧૫:૪૨-૪૭; યોહ. ૧૯:૩૮-૪૨)
50હવે યૂસફ નામે ન્યાયસભાનો એક સભાસદ હતો, તે સારો તથા ન્યાયી માણસ હતો. 51તે યહૂદીઓના એક શહેર અરીમથાઈનો હતો (તેણે તેઓના ઠરાવો તથા કામમાં પોતાની સંમતિ આપી નહોતી). તે પણ ઈશ્વરના રાજ્યની રાહ જોતો હતો. 52તેણે પિલાતની પાસે જઈને ઈસુનું શબ માગ્યું. 53તેણે તેને ઉતારીને શણના કાપડમાં વીંટાળ્યું, અને ખડકમાં ખોદેલી કબરમાં તેને મૂક્યું કે, જ્યાં કદી કોઈને અગાઉ મૂકવામાં આવ્યો નહોતો. 54તે દિવસ તૈયારીનો હતો, અને વિશ્રામવાર પણ નજીક આવ્યો હતો. 55જે સ્‍ત્રીઓ તેમની સાથે ગાલીલમાંથી આવી હતી, તેઓએ પણ પાછળ પાછળ જઈને કબર જોઈ, અને તેમનું શબ શી રીતે મૂક્યું હતું તે પણ જોયું 56તેઓએ પાછી આવીને સુગંધી તથા અત્તર તૈયાર કર્યાં.
# નિ. ૨૦:૧૦; પુન. ૫:૧૪. આજ્ઞા પ્રમાણે વિશ્રામવારે તેઓએ વિશ્રામ લીધો.

Seçili Olanlar:

લૂક 23: GUJOVBSI

Vurgu

Paylaş

Kopyala

None

Önemli anlarınızın tüm cihazlarınıza kaydedilmesini mi istiyorsunuz? Kayıt olun ya da giriş yapın

લૂક 23 ile ilgili ücretsiz Okuma Planları ve Teşvik Yazıları

YouVersion, deneyiminizi kişiselleştirmek için tanımlama bilgileri kullanır. Web sitemizi kullanarak, Gizlilik Politikamızda açıklandığı şekilde çerez kullanımımızı kabul etmiş olursunuz