યોહાન 9
9
જન્મથી આંધળો દેખતો થયો
1રસ્તે જતાં ઈસુએ જન્મથી આંધળા એક માણસને જોયો. 2તેમના શિષ્યોએ પૂછયું, “ગુરુજી, કોના પાપે એ આંધળો જનમ્યો? પોતાનાં કે તેનાં માતાપિતાનાં?”
3ઈસુએ જવાબ આપ્યો, “એના અંધાપાને એનાં કે એનાં માતાપિતાનાં પાપ સાથે કંઈ સંબંધ નથી; પણ તેનામાં ઈશ્વરની કાર્યશક્તિ પ્રગટ થાય તે માટે તે આંધળો જનમ્યો છે. 4જ્યાં સુધી દિવસ છે ત્યાં સુધી મને મોકલનારનાં કાર્યો આપણે ચાલુ રાખવાં જ જોઈએ. રાત આવે છે, જ્યારે કોઈથી ક્મ કરી શક્તું નથી. 5હું દુનિયામાં છું ત્યાં સુધી હું દુનિયાનો પ્રકાશ છું.”
6એમ કહ્યા પછી ઈસુ જમીન પર થૂંક્યા અને થૂંકથી માટી પલાળીને તે માણસની આંખ પર ચોપડી, 7અને તેને કહ્યું, “જા, શિલોઆમ (અર્થાત્ મોકલાયેલો)ના કુંડમાં જઈને તારું મોં ધોઈ આવ.” તેથી તે ગયો, મોં ધોયું અને દેખતો થઈને પાછો આવ્યો.
8પછી તેના પડોશીઓ અને આ પહેલાં જેમણે તેને ભીખ માગતાં જોયો હતો તેમણે પૂછપરછ કરી, “પેલો બેઠો બેઠો ભીખ માંગતો હતો એ જ આ માણસ નથી?”
9કેટલાએકે કહ્યું, “હા, એજ છે;” બીજાઓએ કહ્યું, “ના રે ના, એ તો એના જેવો લાગે છે.” એટલે તેણે પોતે જ કહ્યું, “હું તે જ છું.”
10તેથી તેમણે તેને પૂછયું, “તારી આંખો કેવી રીતે ઊઘડી ગઈ?”
11તેણે જવાબ આપ્યો, “ઈસુ નામના માણસે થોડી માટી પલાળીને મારી આંખ પર લગાવીને મને કહ્યું, ‘શિલોઆમના કુંડમાં જઈને તારું મોં ધોઈ આવ.’ એટલે હું ગયો અને જેવું મેં મોં ધોયું કે હું દેખતો થયો.”
12તેમણે પૂછયું, “તે ક્યાં છે?” તેણે જવાબ આપ્યો, “મને ખબર નથી.”
ફરોશીઓએ કરેલી તપાસ
13પછી તેઓ પેલા આંધળા માણસને ફરોશીઓ પાસે લઈ આવ્યા. 14જે દિવસે ઈસુએ માટી પલાળીને તેની આંખો ઉઘાડી હતી, તે તો વિશ્રામવાર હતો. 15તેથી ફરોશીઓએ તે કઈ રીતે દેખતો થયો એ વિષે પૂછયું. તેણે તેમને કહ્યું, “તેમણે થોડી માટી પલાળીને લગાવી, મેં મારું મોં ધોયું અને હવે હું જોઈ શકું છું.”
16કેટલાએક ફરોશીઓએ કહ્યું, “આવું કરનાર માણસ ઈશ્વર તરફથી આવેલો નથી, કારણ, તે વિશ્રામવાર પણ પાળતો નથી.”
બીજાઓએ કહ્યું, “પાપી માણસ આવાં અદ્ભુત કાર્યો કેવી રીતે કરી શકે?” એમ તેમનામાં પક્ષ પડી ગયા.
17તેથી ફરોશીઓએ એ માણસને ફરી પૂછયું, “તું કહે છે કે તેણે તને દેખતો કર્યો છે, તો પછી તું તેને વિષે શું કહે છે?”
તેણે જવાબ આપ્યો, “તે ઈશ્વરના સંદેશવાહક છે.”
18યહૂદી અધિકારીઓ હજી પણ માનવા તૈયાર ન હતા કે તે માણસ આંધળો હતો અને હવે દેખતો થયો છે. તેથી તેમણે તેનાં માબાપને બોલાવ્યાં અને પૂછયું, “શું આ તમારો દીકરો છે? 19તમે તો કહો છો કે તે આંધળો જ જનમ્યો હતો તો પછી તે હવે શી રીતે જોઈ શકે છે?”
20માબાપે જવાબ આપ્યો, “એ અમારો દીકરો છે અને એ જન્મથી આંધળો હતો એ અમે જાણીએ છીએ. 21પરંતુ હવે તે શી રીતે જોઈ શકે છે અને કોણે તેની આંખો ઉઘાડી તેની અમને ખબર નથી. તેને જ પૂછો ને! તે પુખ્ત ઉંમરનો છે અને પોતે જવાબ આપી શકે તેમ છે.” 22તેનાં માબાપ યહૂદી અધિકારીઓથી ડરતાં હોવાથી તેમણે એમ કહ્યું. કારણ, યહૂદી અધિકારીઓએ જે કોઈ ઈસુને મસીહ તરીકે સ્વીકારે તેનો ભજનસ્થાનમાંથી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. 23તેથી જ તેનાં માબાપે કહ્યું, “તે પુખ્ત ઉંમરનો છે; તેને જ પૂછો.”
24આંધળા જન્મેલા માણસને તેમણે બીજીવાર બોલાવડાવ્યો અને કહ્યું, “ઈશ્વરનો ડર રાખીને સાચું બોલજે. અમે જાણીએ છીએ કે એ માણસ તો પાપી છે.”
25તે માણસે જવાબ આપ્યો, “તે માણસ પાપી છે કે નહિ તે હું જાણતો નથી. એક વાત હું જરૂર જાણું છું: હું આંધળો હતો અને હવે દેખતો થયો છું.”
26તેમણે તેને પૂછયું, “તેણે તને શું કર્યું હતું? તેણે કેવી રીતે તારી આંખો ઉઘાડી?”
27તેણે જવાબ આપ્યો, “મેં હમણાં જ તમને કહ્યું, પણ તમે માનતા નથી. તમે કેમ ફરી ફરીને એનું એ જ સાંભળવા માંગો છો? તમે પણ તેમના શિષ્યો થવા ચાહો છો”
28તેમણે તેને હડાૂત કરી કહ્યું, “તું તેનો શિષ્ય લાગે છે. અમે તો મોશેના શિષ્યો છીએ. 29અમને ખબર છે કે ઈશ્વર મોશે સાથે બોલ્યા હતા, પણ એ કોના તરફથી આવ્યો છે તે અમે જાણતા નથી.”
30તે માણસે જવાબ આપ્યો, “આ તે કેવી વિચિત્ર વાત! તેમણે મારી આંખો ઉઘાડી છે, તો પણ તમને ખબર નથી કે તે કોના તરફથી આવ્યા છે. 31સૌ જાણે છે કે ઈશ્વર પાપીઓનું સાંભળતા નથી; પણ પોતાના ભક્તનું અને તેમની ઇચ્છા પ્રમાણે ચાલનારનું તે જરૂર સાંભળે છે. 32કોઈએ આંધળા જન્મેલા માણસની આંખો કદી ઉઘાડી હોય એવું સાંભળવામાં આવ્યું નથી. 33જો એ માણસ ઈશ્વર તરફથી આવ્યા ન હોત તો તે આવું કશું કરી શક્યા ન હોત.”
34તેમણે પ્રત્યુત્તર આપતાં કહ્યું, “તું તો પૂરેપૂરો પાપમાં જનમ્યો અને ઊછર્યો છે, અને પાછો અમને શીખવે છે?” અને તેમણે તેને કાઢી મૂક્યો.
આત્મિક અંધાપો
35તેને કાઢી મૂકવામાં આવ્યો છે એવું ઈસુએ સાંભળ્યું એટલે તેમણે તેને મળીને કહ્યું, “શું તું માનવપુત્ર પર વિશ્વાસ મૂકે છે?”
36તે માણસે જવાબ આપ્યો, “પ્રભુ, તે કોણ છે તે મને કહો; જેથી હું તેમનામાં વિશ્વાસ મૂકું.”
37ઈસુએ તેને કહ્યું, “તેં તેને જોયો છે, અને અત્યારે તે જ તારી સાથે વાત કરી રહ્યો છે.”
38“પ્રભુ, હું વિશ્વાસ કરું છું,” એમ કહેતાં તે તેમને પગે પડયો.
39ઈસુએ કહ્યું, “હું દુનિયાનો ન્યાય કરવા આવ્યો છું, જેથી આંધળાઓ જોઈ શકે, અને જેઓ દેખતા છે તેઓ આંધળા થાય.”
40કેટલાક ફરોશીઓ તેમની સાથે હતા. તેમણે ઈસુને એમ બોલતા સાંભળ્યા એટલે પૂછયું, “તો શું તમે એમ કહેવા માગો છો કે અમે આંધળા છીએ?”
41ઈસુએ જવાબ આપ્યો, “જો તમે આંધળા હોત તો તમને દોષ ન લાગત, પણ તમે તો કહો છો કે અમે દેખતા છીએ; અને તેથી તમારો દોષ કાયમ રહે છે.”
Kasalukuyang Napili:
યોહાન 9: GUJCL-BSI
Haylayt
Ibahagi
Kopyahin
Gusto mo bang ma-save ang iyong mga hinaylayt sa lahat ng iyong device? Mag-sign up o mag-sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide