Logo ng YouVersion
Hanapin ang Icon

ઉત્પત્તિ 37

37
યોસેફનાં સ્વપ્નો
1યાકોબ પોતાના પિતાના પ્રવાસના દેશમાં એટલે કનાન દેશમાં રહ્યો. 2આ યાકોબના કુટુંબની વાત છે. યોસેફ સત્તર વર્ષનો યુવાન હતો. તે તેના ભાઈઓ એટલે તેના પિતાની પત્નીઓ બિલ્હા અને ઝિલ્પાના પુત્રો સાથે ઘેટાંબકરાં સાચવતો હતો. તેના ભાઈઓનાં ભૂંડાં કામ તે તેના પિતા ઇઝરાયલને કહી દેતો. 3પોતાના બીજા બધા પુત્રો કરતાં ઇઝરાયલ યોસેફ પર વધારે પ્રેમ રાખતો હતો; કારણ, યોસેફ યાકોબની વૃદ્ધાવસ્થા દરમ્યાન જન્મ્યો હતો. તેણે તેને લાંબી બાંયોવાળો#37:3 ‘લાંબી બાંયોવાળો’ અથવા ‘શણગારેલો’ આ હિબ્રૂ શબ્દનો અર્થ ચોકકાસ નથી. ઝભ્ભો બનાવડાવી આપ્યો હતો. 4જ્યારે તેના ભાઈઓએ જોયું કે તેમનો પિતા તેમના કરતાં યોસેફ પર વધારે પ્રેમ કરે છે, ત્યારે તેમણે તેમના ભાઈનો અત્યંત તિરસ્કાર કર્યો, એટલે સુધી કે તેઓ તેની સાથે હેતથી વાત પણ કરી શક્તા નહોતા.
5યોસેફને એક સ્વપ્ન આવ્યું. જ્યારે તેણે તે તેના ભાઈઓને કહી સંભળાવ્યું ત્યારે તેઓ તેનો વિશેષ તિરસ્કાર કરવા લાગ્યા. 6યોસેફે તેમને કહ્યું, “આ સ્વપ્નમાં મેં જે જોયું છે તે સાંભળો: 7જુઓ, આપણે ખેતરમાં પૂળા બાંધતા હતા. એવામાં મારો પૂળો ઊભો થયો અને તમારા પૂળા ચારે તરફ ઊભા રહ્યા, અને મારા પૂળાને નમ્યા.”
8તેના ભાઈઓએ તેને કહ્યું, “શું તું ખરેખર અમારા પર સત્તા ચલાવશે? શું તું અમારો માલિક બનશે?” પછી તેઓ સ્વપ્નને કારણે અને તેની વાતને લીધે તેનો વધારે તિરસ્કાર કરવા લાગ્યા. 9યોસેફને ફરી બીજું સ્વપ્ન આવ્યું. તેણે તેના ભાઈઓને કહ્યું, “જુઓ, મને બીજું સ્વપ્ન આવ્યું, અને આ સ્વપ્નમાં સૂર્ય, ચંદ્ર તથા અગિયાર તારા મારી આગળ નમ્યા.” 10તેણે તે તેના પિતાને તથા તેના ભાઈઓને કહી સંભળાવ્યું. ત્યારે તેના પિતાએ તેને ધમકાવીને કહ્યું, “તને આ કેવું સ્વપ્ન આવ્યું! શું હું, તારી મા તથા તારા ભાઈઓ સાચે જ તારી આગળ ભૂમિ સુધી નમન કરવા આવીશું?” 11તેથી તેના ભાઈઓએ તેનો તિરસ્કાર કર્યો; પણ તેના પિતાએ તે વાત મનમાં રાખી.#પ્રે.કા. 7:9.
યોસેફનું વેચાણ
12યોસેફના ભાઈઓ તેમના પિતાનાં ટોળાં ચરાવવા શખેમ ગયા હતા. 13ઇઝરાયલે યોસેફને કહ્યું, “શખેમમાં તારા ભાઈઓ ટોળાં ચરાવે છે. ચાલ, હું તને તેમની પાસે મોકલીશ.” યોસેફે જવાબ આપ્યો, “હા, હું તૈયાર છું.” 14તેના પિતાએ તેને કહ્યું, “જા, જઈને જો કે તારા ભાઈઓ અને ટોળાં સહીસલામત છે કે કેમ; પછી આવીને મને જણાવજે.” આમ, તેના પિતાએ તેને હેબ્રોનના ખીણપ્રદેશમાંથી મોકલી આપ્યો. યોસેફ શખેમ પાસે આવી પહોંચ્યો. 15એક માણસે તેને તે પ્રદેશમાં ભટક્તો જોઈને પૂછયું, “તું શું શોધે છે?” 16તેણે જવાબ આપ્યો, “હું મારા ભાઈઓને શોધું છું. મહેરબાની કરી મને કહેશો કે તેઓ કયાં ટોળાં ચરાવે છે?” 17તે માણસે કહ્યું, “તેઓ અહીંથી ચાલ્યા ગયા છે; તેઓ દોથાન જવાના હતા એમ મેં તેમને બોલતા સાંભળ્યા હતા” તેથી યોસેફ તેના ભાઈઓની પાછળ ગયો, અને તેમને દોથાનમાં જઈને મળ્યો. 18તેમણે તેને દૂરથી જોયો અને તે તેમની નજીક પહોંચ્યો તે અગાઉ તેમણે તેને મારી નાખવાનું કાવતરું ઘડયું. 19તેમણે એકબીજાને કહ્યું, “જુઓ, પેલો સ્વપ્નદર્શી આવે છે. 20હવે ચાલો, આપણે તેને મારી નાખીએ, ને કોઈ ખાડામાં ફેંકી દઈએ. પછી કહી દઈશું કે કોઈ જંગલી જનાવરે તેને ફાડી ખાધો છે. પછી જોઈશું કે તેના સ્વપ્નનું શું થાય છે.” 21રૂબેને તે સાંભળ્યું, ને તેણે યોસેફને તેમના હાથમાંથી છોડાવ્યો. તેણે કહ્યું, “આપણે તેને મારી નાખવો નથી.” 22તેમના હાથમાંથી યોસેફને છોડાવીને તેને પોતાના પિતાને સોંપવા માટે રૂબેને તેમને કહ્યું, “તમે તેનું ખૂન કરશો નહિ; વેરાનમાં આ જે ખાડો છે તેમાં તેને નાખી દો, પણ તેને કંઈ ઇજા કરશો નહિ.” 23યોસેફ જ્યારે તેના ભાઈઓ પાસે પહોંચ્યો ત્યારે તેમણે તેનો લાંબી બાંયોવાળો ઝભ્ભો ઉતારી લીધો. 24તેમણે તેને ઊંચકીને એક ઊંડા ખાડામાં નાખી દીધો. ખાડો ખાલી હતો અને તેમાં પાણી નહોતું.
25પછી તેઓ જમવા બેઠા હતા ત્યારે તેમણે નજર ઊંચી કરી તો ગિલ્યાદથી આવી રહેલ ઇશ્માએલીઓનો એક સંઘ જોયો. તેઓ તેમનાં ઊંટો પર તેજાના, લોબાન અર્ક અને બોળ લાદીને તેમને ઇજિપ્ત લઈ જતા હતા. 26યહૂદાએ પોતાના ભાઈઓને કહ્યું, “આપણા ભાઈને મારી નાખીને તેનું ખૂન છુપાવવાથી આપણને શો ફાયદો થવાનો છે? 27આપણે તેને આ ઇશ્માએલીઓને વેચી દઈએ અને તેને કંઈ ઇજા પહોંચાડીએ નહિ; કારણ, તે આપણો ભાઈ છે અને તેની સાથે આપણી લોહીની સગાઈ છે.” તેના ભાઈઓએ તેનું કહ્યું માન્યું. 28એ મિદ્યાની વેપારીઓ પાસે આવ્યા એટલે યોસેફના ભાઈઓએ તેને ખાડામાંથી બહાર કાઢયો. તેમણે ચાંદીના વીસ સિક્કામાં તેને ઇશ્માએલીઓને વેચી દીધો. તેઓ તેને ઇજિપ્તમાં લઈ ગયા.#પ્રે.કા. 7:9. 29રૂબેને જ્યારે ખાડાની પાસે આવીને જોયું કે યોસેફ ખાડામાં નથી ત્યારે તેણે પોતાનાં વસ્ત્ર ફાડયાં. 30તેણે તેના ભાઈઓની પાસે પાછા આવીને કહ્યું, “છોકરો તો નથી, હવે હું ક્યાં જાઉં?” 31પછી તેમણે એક બકરું કાપ્યું, અને યોસેફનો લાંબી બાંયોવાળો ઝભ્ભો રક્તમાં બોળ્યો. 32પછી એ ઝભ્ભો તેઓ તેમના પિતા યાકોબ પાસે લઈ ગયા. તેમણે કહ્યું, “આ ઝભ્ભો અમને મળ્યો છે; એ તમારા દીકરાનો છે કે કેમ તે જુઓ.” 33યાકોબે તે ઓળખીને કહ્યું, “હા, એ તેનો જ છે. જંગલી જનાવરે તેને ફાડી ખાધો લાગે છે; બેશક, યોસેફના ફાડીને ટુકડેટુકડા કરી નાખ્યા હશે.” 34યાકોબે દુ:ખથી પોતાનાં વસ્ત્ર ફાડયાં, અને શોક દર્શાવવા માટે પોતાની કમરે શ્વેત અળસીરેસાનું વસ્ત્ર વીંટાળ્યું. પોતાના દીકરાને માટે તેણે ઘણા દિવસો સુધી શોક કર્યો. 35તેના બધાં દીકરાદીકરીઓ તેને દિલાસો આપવા માટે આવ્યા, પણ તેણે દિલાસો પામવાની ના પાડી અને કહ્યું, “મારા પુત્ર પાસે હું મૃત્યુલોક શેઓલમાં પહોંચું ત્યાં સુધી હું તેને માટે શોક કરીશ.” આમ, પોતાના દીકરા યોસેફ માટે તેણે શોક કર્યા કર્યો. 36પેલા મિદ્યાનીઓએ યોસેફને ઇજિપ્તમાં ફેરોના અધિકારી અને અંગરક્ષકોના ઉપરી પોટીફારને ત્યાં વેચી દીધો.

Haylayt

Ibahagi

Kopyahin

None

Gusto mo bang ma-save ang iyong mga hinaylayt sa lahat ng iyong device? Mag-sign up o mag-sign in