ઉત્પત્તિ 31
31
યાકોબ લાબાન પાસેથી નાસી છૂટે છે
1યાકોબે લાબાનના પુત્રોને આવું બોલતા સાંભળ્યા: “યાકોબે આપણા પિતાનું સર્વસ્વ પડાવી લીધું છે. આપણા પિતાની સંપત્તિ દ્વારા જ યાકોબે આ બધી સંપત્તિ સંપાદન કરી છે.” 2યાકોબે જોયું કે લાબાનનું વર્તન પહેલાંના જેવું મૈત્રીપૂર્ણ રહ્યું નથી. 3ત્યારે પ્રભુએ તેને કહ્યું, “તારા પિતૃઓના દેશમાં તારાં સગાઓ પાસે પાછો જા. હું તારી સાથે રહીશ.”
4તેથી યાકોબે જ્યાં તેનાં ટોળાં હતાં તે ખેતરમાં રાહેલ અને લેઆહને પોતાને મળવા બોલાવ્યાં. 5યાકોબે તેમને કહ્યું, “તમારા પિતાનું મારા પ્રત્યેનું વર્તન પહેલાંના જેવું મૈત્રીપૂર્ણ રહ્યું નથી; પણ મારા પિતાના ઈશ્વર મારી સાથે રહ્યા છે. 6તમે બન્ને જાણો છો કે તમારા પિતાના બધા કામમાં મેં મારી બધી શક્તિ ખર્ચી નાખી છે. 7છતાં તેમણે મને છેતર્યો છે અને દસ દસવાર મારું વેતન બદલી નાખ્યું છે. પણ એમાં ઈશ્વરે મને નુક્સાન થવા દીધું નથી. 8જ્યારે તે એમ કહેતા કે, ‘ટપકાંવાળાં બકરાં તને વેતન પેટે મળશે,’ ત્યારે બધાં જ બચ્ચાં ટપકાંવાળાં જનમતાં અને જ્યારે તે એમ કહેતા કે, ‘ચટાપટાવાળાં બકરાં તને વેતન પેટે મળશે,’ ત્યારે બધાં જ બચ્ચાં ચટાપટાવાળાં જનમતાં. 9આમ, ઈશ્વરે તમારા પિતાનાં ટોળાં ખૂંચવી લઈને મને આપ્યાં.
10“પ્રાણીઓના સંવનનની મોસમમાં મને સ્વપ્ન આવ્યું હતું. તેમાં મેં જોયું તો સંવનન કરનાર બકરા ચટાપટાવાળા, ટપકાંવાળા અને કાબરચીતરા હતા. 11ઈશ્વરના દૂતે મને સ્વપ્નમાં કહ્યું, ‘યાકોબ!’ મેં જવાબ આપ્યો, ‘હું આ રહ્યો!’ 12તેણે કહ્યું, ‘જો, સંવનન કરનાર બધા બકરા ચટાપટાવાળા, ટપકાવાળા અને કાબરચીતરા છે. કારણ, મેં તારા પ્રત્યેનું લાબાનનું વર્તન જોયું છે. 13જ્યાં તેં સ્મારક સ્તંભનો તેલથી અભિષેક કર્યો હતો અને મારી આગળ માનતા લીધી હતી તે બેથેલમાં તને દર્શન દેનાર ઈશ્વર હું છું. તેથી હવે તું આ પ્રદેશ છોડીને તારી જન્મભૂમિમાં પાછો જવા તૈયાર થા.”#ઉત. 28:18-22.
14રાહેલ અને લેઆહે યાકોબને જવાબ આપ્યો, “અમારે અમારા પિતા પાસેથી વારસામાં મેળવવાનું કયાં કંઈ બાકી રહ્યું છે? 15અમે તો જાણે પરદેશી હોઈએ એવો વ્યવહાર તે અમારા પ્રત્યે દાખવે છે. તેમણે અમને વેચી દઈને એના બદલામાં મળેલી બધી સંપત્તિનો ઉપભોગ તે જ કરે છે. 16અમારા પિતા પાસેથી ઈશ્વરે લઈ લીધેલી આ બધી સંપત્તિ હવે આપણી અને આપણાં સંતાનોની છે. માટે ઈશ્વરે તમને જે કહ્યું હોય તે પ્રમાણે કરો.”
17-18તેથી યાકોબ પોતાના પિતા ઇસ્હાક પાસે કનાન દેશમાં પાછો જવા તૈયાર થયો. તેણે પોતાનાં બાળકો અને પત્નીઓને ઊંટો પર બેસાડયાં. વળી, મેસોપોટેમિયામાં મેળવેલું બધું પશુધન એટલે સર્વ ઢોરઢાંક પોતાની આગળ હાંકીને તે ચાલી નીકળ્યો. 19લાબાન પોતાનાં ઘેટાંનું ઊન ઉતારવા ગયો હતો. રાહેલે તેના પિતાની ગેરહાજરીમાં તેના કુટુંબની દેવમૂર્તિઓ ચોરી લીધી. 20યાકોબ અરામી લાબાનને ખબર આપ્યા વિના જ ત્યાંથી છાનોમાનો ભાગી છૂટયો. 21તે પોતાની માલિકીનું સર્વસ્વ લઈને ઉતાવળે નાસી ગયો. યુફ્રેટિસ નદી પાર કરીને તે ગિલ્યાદના પહાડીપ્રદેશ તરફ ગયો.
લાબાન યાકોબનો પીછો કરે છે
22ત્રીજે દિવસે લાબાનને ખબર પડી કે યાકોબ નાસી ગયો છે, 23ત્યારે પોતાના સંબંધીઓને લઈને સાત દિવસ સુધી તેણે યાકોબનો પીછો કર્યો અને તેને ગિલ્યાદના પહાડી પ્રદેશમાં પકડી પાડયો. 24તે રાત્રે ઈશ્વરે અરામી લાબાન પાસે સ્વપ્નમાં આવીને કહ્યું, “તું યાકોબને ભલુંભૂંડું કંઈ કહીશ નહિ.” 25યાકોબે પહાડીપ્રદેશમાં જયાં પોતાનો પડાવ નાખ્યો હતો ત્યાં લાબાન પહોંચી ગયો અને લાબાને પણ પોતાના સંબંધીઓ સહિત ગિલ્યાદના એ પહાડીપ્રદેશમાં પડાવ નાખ્યો.
26લાબાને યાકોબને કહ્યું, “તેં શા માટે મને છેતર્યો છે? યુદ્ધમાં પકડી જવામાં આવેલી સ્ત્રીઓની જેમ તું શા માટે મારી પુત્રીઓને ઉઠાવી લાવ્યો છે? 27શા માટે તું મને છેતરીને છાનોમાનો નાસી આવ્યો? જો તેં મને કહ્યું હોત તો હું તને ગીતો તથા ખંજરી અને વીણાના વાદન સાથે આનંદપૂર્વક ન વળાવત? 28વળી, તેં મને મારાં પૌત્રપૌત્રીઓ અને પુત્રીઓને વિદાયનું ચુંબન પણ કરવા દીધું નથી. આમાં તેં મૂર્ખાઈ કરી છે! હું તને નુક્સાન પહોંચાડી શકું તેમ છું. 29પરંતુ ગઈકાલે રાત્રે તારા પિતાના ઈશ્વરે મને ચેતવણી આપી કે મારે તને ભલુંભૂંડું કંઈ કહેવું નહિ. 30તારા પિતાને ઘેર પાછા જવાની તારી તાલાવેલીને કારણે તું નાસી છૂટયો છે; પણ તેં મારા કુટુંબની મૂર્તિઓ કેમ ચોરી લીધી છે?”
31યાકોબે જવાબ આપ્યો, “મને ડર હતો: કારણ, મેં એવું ધાર્યું હતું કે તમે બળજબરીથી તમારી દીકરીઓને મારી પાસેથી પાછી લઈ લેશો. 32તો હવે અહીં જેની પાસેથી તમારા દેવો મળે તે માર્યું જાય. આપણા સંબંધીઓને સાક્ષીમાં રાખીને તમારું જે કંઈ હોય તે ઓળખીને લઈ જાઓ.” યાકોબને ખબર નહોતી કે રાહેલે લાબાનની દેવમૂર્તિઓ ચોરી લીધી હતી.
33લાબાને યાકોબના, લેઆહના અને બે દાસીઓના તંબુઓમાં જઈને તપાસ કરી, પણ તેને દેવમૂર્તિઓ મળી નહિ. પછી તે રાહેલના તંબૂમાં ગયો. 34રાહેલે કુટુંબની દેવમૂર્તિઓ લઈને ઊંટ પર લાદેલા સામાનમાં મૂકી દીધી હતી અને તેના પર તે બેઠી હતી. લાબાને તેના આખા તંબુની તપાસ કરી પણ તેને દેવમૂર્તિઓ મળી નહિ. 35રાહેલે પોતાના પિતાને કહ્યું, “મુરબ્બી, મારા પર ગુસ્સે ન થશો. હું તમારી આગળ ઊભી થઈ શકું તેમ નથી. કારણ, હું રજોદર્શનના સમયમાં છું.” આમ, લાબાને શોધ કરી પણ તેને કુટુંબની દેવમૂર્તિઓ મળી નહિ.
36આથી યાકોબને ક્રોધ ચઢયો. તેણે લાબાનને ધમકાવી નાખતાં કહ્યું, “મારો શો વાંક છે? મેં તમારો શો ગુનો કર્યો છે કે તમે આ રીતે મારી પાછળ પડયા છો? 37તમે મારી સર્વ મિલક્ત તપાસી જોઈ છે. હવે તમારા ઘરની તમારી માલિકીની કઈ વસ્તુ તમને મળી આવી તે બતાવો અને એને તમારા અને મારા માણસો સમક્ષ અહીં રજૂ કરો, જેથી આપણામાંથી કોણ સાચું છે તેનો નિર્ણય તેઓ કરે. 38હું તમારી સાથે વીસ વર્ષ રહ્યો તે દરમ્યાન તમારી ઘેટીઓ કે બકરીઓને ક્સમયી ગર્ભપાત થયો નથી. અથવા હું તમારા ટોળાંમાંથી એક પણ ઘેટો ખાઈ ગયો નથી. 39કોઈ હિંસક પશુ તમારું પ્રાણી ફાડી ખાય ત્યારે મેં તેના અવશેષ તમારી આગળ રજૂ કર્યા નથી, પણ એની ખોટ મેં જાતે ભોગવી છે. દિવસે કે રાત્રે કંઈ ચોરાયું હોય તો તમે તે મારી પાસેથી વસૂલ કર્યું છે. 40મેં દિવસે ગરમી અને રાત્રે ઠંડી વેઠી છે અને મારી ઊંઘ પણ જતી કરી હતી. 41એવી રીતે મેં તમારી સાથે વીસ વર્ષ ગાળ્યાં. તમારી બે પુત્રીઓ મેળવવા મેં ચૌદ વર્ષ કામ કર્યું અને ટોળાં મેળવવા છ વર્ષ કામ કર્યું. છતાં દસ દસ વાર તમે મારું વેતન બદલી નાખ્યું હતું. 42જો મારા પિતાના ઈશ્વર, એટલે અબ્રાહામના ઈશ્વર તથા ઇસ્હાકના આરાધ્ય ઈશ્વર મારી સાથે ન હોત તો તમે મને ક્યારનોય ખાલી હાથે કાઢી મૂક્યો હોત. પરંતુ ઈશ્વરે મારાં દુ:ખ અને મહેનત જોયાં છે અને ગઈ કાલે રાત્રે તેમણે તમને ઠપકો આપ્યો છે.”
યાકોબ અને લાબાન વચ્ચે સંધિ
43લાબાને યાકોબને જવાબ આપ્યો, “આ દીકરીઓ તો મારી દીકરીઓ છે, આ તેમનાં બાળકો તે મારાં બાળકો છે, અને આ ટોળાં પણ મારાં છે. હકીક્તમાં, તું અહીં જુએ છે તે બધું મારું જ છે. પરંતુ મારી દીકરીઓ અને તેમનાં બાળકોને મારી પાસે જ રાખી લેવા હું કંઈ કરી શકું તેમ નથી. 44તો ચાલ, આપણે કરાર કરીએ અને એ તારી અને મારી વચ્ચે સાક્ષીરૂપ બની રહેશે.” 45તેથી યાકોબે એક પથ્થર લઈને તેને સ્મારકસ્તંભ તરીકે ઊભો કર્યો. 46તેણે પોતાના સંબંધીજનોને પથ્થરો લાવીને ઢગલો કરવા કહ્યું એટલે તેમણે પથ્થરનો ઢગલો કર્યો. પછી તેમણે પથ્થરના ઢગલા પાસે ભોજન લીધું. 47લાબાને તેનું નામ ‘યગાર-સહાદૂથા (સાક્ષીનો ઢગલો) પાડયું, જ્યારે યાકોબે તેનું નામ ‘ગાલએદ’ (સાક્ષીનો ઢગલો) પાડયું. 48લાબાને યાકોબને કહ્યું, “આ પથ્થરોનો ઢગલો આપણી બન્નેની વચમાં સાક્ષીરૂપ રહેશે.” તેથી તે સ્થળનું નામ ગાલએદ પડયું. 49વળી લાબાને કહ્યું, “જ્યારે આપણે એકબીજાથી છૂટા પડીએ છીએ ત્યારે પ્રભુ આપણા પર ચોક્સાઈ રાખો. તેથી તે સ્થળનું નામ તેણે ‘મિસ્પા’ (ચોકીનો બૂરજ) પણ પાડયું. 50લાબાને કહ્યું, “જો તું મારી પુત્રીઓ પ્રત્યે ખરાબ વર્તન રાખીશ અથવા તું બીજી પત્નીઓ કરીશ તો મને કંઈ તેની ખબર પડવાની નથી, પણ યાદ રાખજે ઈશ્વર આપણા પર નજર રાખે છે. 51અહીં આપણી વચમાં મેં પથ્થરોનો ઢગલો કર્યો છે અને અહીં આ સ્મારકસ્તંભ પણ છે. 52આ ઢગલો અને આ સ્મારકસ્તંભ આપણે માટે સાક્ષીરૂપ છે. હું તને નુક્સાન પહોંચાડવા કદી આ ઢગલાની પેલી તરફ આવીશ નહિ અને તારે પણ મને નુક્સાન પહોંચાડવા આ ઢગલાની કે સ્મારકસ્તંભની આ તરફ આવવું નહિ. 53અબ્રાહામના ઈશ્વર, તથા નાહોરના ઈશ્વર#31:53 ‘અબ્રાહામના...નાહોરના’ અબ્રાહામ યાકોબનો દાદો હતો અને નાહોર લાબાનનો પિતા હતો. અબ્રાહામ અને નાહોર સગાભાઈ હતા. (ઉત. 11:27.) એટલે, તેમના પિતૃઓના ઈશ્વર આપણી વચમાં ન્યાય કરો.” ત્યારે યાકોબે તેના પિતા ઇસ્હાકના આરાધ્ય ઈશ્વરના નામે સોગંદ ખાધા. 54પર્વત પર બલિદાન ચડાવ્યું અને પોતાના સંબંધીઓને ભોજન માટે નિમંત્રણ આપ્યું. પછી તેઓ આખી રાત પર્વત પર જ રોકાયા.
55બીજે દિવસે વહેલી સવારે લાબાને પોતાની પુત્રીઓ અને તેમનાં સંતાનોને ચુંબન કર્યું, તેમને આશિષ આપી અને પછી તેણે તેમની વિદાય લીધી.
Kasalukuyang Napili:
ઉત્પત્તિ 31: GUJCL-BSI
Haylayt
Ibahagi
Kopyahin

Gusto mo bang ma-save ang iyong mga hinaylayt sa lahat ng iyong device? Mag-sign up o mag-sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide