ઉત્પ 9

9
નૂહ સાથે ઈશ્વરનો કરાર
1પછી ઈશ્વરે નૂહને તથા તેના દીકરાઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, “સફળ થાઓ, વધો અને પૃથ્વીને ભરપૂર કરો. 2પૃથ્વીના દરેક પશુ પર, આકાશના દરેક પક્ષી પર, પૃથ્વી પર પેટે ચાલનારાં દરેક અને સમુદ્રનાં દરેક માછલાં તમારાથી બીશે અને ડરશે. તેઓને તમારા હાથમાં આપવામાં આવેલા છે.
3પૃથ્વી પર ચાલનારાં બધા પશુ તમારે સારુ ખોરાક થશે. જે પ્રમાણે મેં તમને લીલાં શાક આપ્યાં છે તે પ્રમાણે હવે હું તમને સઘળું બક્ષુ છું. 4પણ તેનું માંસ તમારે જીવ એટલે લોહી સહિત ન ખાવું.
5હું નિશ્ચે તમારા લોહીનો બદલો માગીશ. દરેક પશુ પાસેથી હું બદલો લઈશ. કોઈપણ માણસના હાથ પાસેથી, એટલે કે, જે હાથે તેણે પોતાના ભાઈની હત્યા કરી છે, તેના જીવનો બદલો હું માંગીશ. 6જે કોઈ માણસનું લોહી વહેવડાવે, તેનું લોહી પણ માણસથી વહેવડાવાશે, કેમ કે ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું છે. 7તમે સફળ થાઓ, આખી પૃથ્વી પર વંશવૃદ્ધિ કરો અને વધતા જાઓ.”
8પછી ઈશ્વરે નૂહ સાથે તથા તેના દીકરાઓ સાથે વાત કરતા કહ્યું, 9“હું જે કહું છું તે સાંભળો! હું તારી સાથે તથા તારી પાછળ આવનાર સંતાનો સાથે મારો કરાર સ્થાપન કરીશ. 10અને તમારી સાથે પક્ષી, પશુ અને પૃથ્વી પરનાં સર્વ જાનવર તે સર્વની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું.
11તમારી સાથે હું મારો કરાર સ્થાપન કરું છું કે, હવે પછી ફરી જળપ્રલયથી સર્વ માનવજાતનો નાશ થશે નહિ. પૃથ્વીનો નાશ કરવાને ફરી કદી જળપ્રલય થશે નહિ.
12ઈશ્વરે કહ્યું, “મારી તથા તમારી વચ્ચે તથા તમારી સાથે જે દરેક સજીવ પ્રાણી છે તેની સાથે તથા ભાવિ પેઢીને સારુ કર્યો છે તે કરારનું આ ચિહ્ન છે: 13મેં મારું મેઘધનુષ્ય વાદળમાં મૂક્યું છે અને તે મારા તથા પૃથ્વી વચ્ચેના કરારની ચિહ્નરૂપ થશે.
14જયારે પૃથ્વી પર હું વરસાદ વરસાવીશ ત્યારે એમ થશે કે વાદળમાં મેઘધનુષ્ય દેખાશે, 15ત્યારે મારી અને તમારી તથા સર્વ સાથે કરેલો કરારનું હું સ્મરણ કરીશ. સર્વ સજીવોનો નાશ કરવાને માટે ફરી કદી જળપ્રલય થશે નહિ.
16મેઘધનુષ્ય વાદળમાં દેખાશે અને ઈશ્વર પૃથ્વીનાં સર્વ સજીવ પ્રાણીની વચ્ચે, જે સર્વકાળનો કરાર છે તે યાદ રાખવાને હું ધનુષ્યની સામે જોઈશ.”
17પછી ઈશ્વરે નૂહને કહ્યું, “મારી તથા પૃથ્વી પરના સર્વ સજીવોની વચ્ચે જે કરાર મેં સ્થાપિત કર્યો છે તેનું આ ચિહ્ન છે.”
નૂહ અને તેનો દીકરાઓ
18નૂહના દીકરા જેઓ વહાણમાંથી બહાર આવ્યા તે શેમ, હામ તથા યાફેથ હતા. હામ કનાનનો પિતા હતો. 19નૂહના આ ત્રણ દીકરાઓ હતા. તેઓથી આખી પૃથ્વી પર વસ્તી થઈ.
20નૂહ ખેતી કરવા લાગ્યો અને તેણે દ્રાક્ષવાડી રોપી. 21તેણે દ્રાક્ષાસવ પીધો અને તેને નશો ચઢ્યો હોવાથી તે તેના તંબુમાં નિર્વસ્ત્ર સ્થિતિમાં જ સૂઈ ગયો.
22કનાનના પિતા હામે તેના પિતાને નિર્વસ્ત્ર અવસ્થામાં જોયા અને બહાર જઈને તેના બન્ને ભાઈઓને તે વિષે કહ્યું. 23તેથી શેમ તથા યાફેથે એક વસ્ત્ર લીધું, તેને તેમના બન્ને ખભા પર નાખ્યું અને તેઓએ પાછા પગલે ચાલીને તેમના પિતાના શરીરને ઓઢાડ્યું. તેઓનાં મુખ બીજી તરફ ફેરવેલાં હતાં તેથી તેઓને પિતાની નિર્વસ્ત્ર અવસ્થા દેખાઈ નહિ.
24જયારે નૂહ નશામાંથી જાગ્યો ત્યારે તેના નાના દીકરાએ તેની સાથે જે કર્યું હતું તે તેણે જાણ્યું. 25તેથી તેણે કહ્યું કે,
“કનાન શાપિત થાય.
દાસોનો દાસ તે તેના ભાઈઓને સારુ થશે.”
26તેણે કહ્યું કે,
“ઈશ્વર, શેમના પ્રભુની સ્તુતિ થાઓ.
કનાન તેનો દાસ થાઓ.
27યાફેથને યહોવાહ વૃદ્ધિ આપો,
અને તે શેમના તંબુમાં તેનું ઘર બનાવે.
કનાન તેનો દાસ થાઓ.”
28જળપ્રલય પછી નૂહ ત્રણસો પચાસ વર્ષ જીવ્યો. 29નૂહનો સર્વ દિવસ નવસો પચાસ વર્ષનો હતો અને તે મરણ પામ્યો.

ที่ได้เลือกล่าสุด:

ઉત્પ 9: IRVGuj

เน้นข้อความ

แบ่งปัน

คัดลอก

None

ต้องการเน้นข้อความที่บันทึกไว้ตลอดทั้งอุปกรณ์ของคุณหรือไม่? ลงทะเบียน หรือลงชื่อเข้าใช้