લૂક 5

5
પ્રથમ શિષ્યોને આમંત્રણ
(માથ. 4:18-22; માર્ક. 1:16-20)
1ઈસુ એકવાર ગેન્‍નેસારેત સરોવરને કિનારે ઊભા હતા, ત્યારે લોકો ઈશ્વરનો સંદેશ સાંભળવા તેમની આસપાસ પડાપડી કરતા હતા. 2તેમણે બે હોડીઓ કિનારે લાંગરેલી જોઈ; માછીમારો એ હોડીઓમાં નહોતા, પણ જાળો ધોતા હતા. 3ઈસુ એક હોડીમાં ચડી ગયા, તે હોડી તો સિમોનની હતી. ઈસુએ તેને હોડી કિનારેથી થોડે દૂર લઈ જવા કહ્યું. ઈસુ હોડીમાં બેસીને લોકોને ઉપદેશ આપવા લાગ્યા.
4તેમનું પ્રવચન પૂરું થતાં જ તેમણે સિમોનને કહ્યું, “હોડી ત્યાં ઊંડા પાણીમાં લઈ જા, અને માછલાં પકડવા તમારી જાળો નાખો.”
5સિમોને જવાબ આપ્યો, “ગુરુજી, અમે આખી રાત સખત પરિશ્રમ કર્યો છે, અને કંઈ હાથ લાગ્યું નથી. પણ તમે કહો છો એટલે હું જાળો નાખીશ.” 6તેમણે જાળો નાખી અને એટલી બધી માછલીઓ પકડાઈ કે જાળો તૂટવાની તૈયારીમાં જણાઈ. 7તેથી તેમણે બીજી હોડીમાંના તેમના ભાગીદારોને આવીને મદદ કરવા ઇશારો કર્યો. તેમણે આવીને બન્‍ને હોડીઓ માછલીઓથી ભરી, એટલે સુધી કે તે ડૂબવા જેવી થઈ ગઈ. 8જે બન્યું તે જોઈને સિમોન પિતર ઈસુના ચરણોમાં પડીને બોલી ઊઠયો, “પ્રભુ, મારી પાસેથી જાઓ! હું તો પાપી છું.”
9પકડાયેલી માછલીઓનો મોટો જથ્થો જોઈને તે તથા તેની સાથેના બીજા માણસો આશ્ર્વર્યમાં ગરકાવ થઈ ગયા. 10ઝબદીના પુત્રો યાકોબ અને યોહાન, જે સિમોનના ભાગીદાર હતા તેઓ પણ આશ્ર્વર્યમાં ગરકાવ થઈ ગયા હતા. ઈસુએ સિમોનને કહ્યું, “ગભરાઈશ નહિ, હવેથી તું માણસોને મારા અનુયાયી બનાવીશ.”
11તેઓ હોડીઓ કિનારે લઈ આવ્યા અને બધું મૂકી દઈને ઈસુની પાછળ ગયા.
રક્તપિત્તિયો શુદ્ધ થયો
(માથ. 8:1-4; માર્ક. 1:40-45)
12એકવાર ઈસુ એક નગરમાં હતા. ત્યાં એક રક્તપિત્તિયો હતો. તેણે ઈસુને જોઈને જમીન પર પડીને નમન કર્યું અને તેમને આજીજી કરી, “સાહેબ, તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો!”
13ઈસુ પોતાનો હાથ લંબાવીને તેને અડક્યા. તેમણે કહ્યું, “હું ચાહું છું. તું શુદ્ધ થા!” તરત જ તે માણસમાંથી રક્તપિત્ત દૂર થયો. 14ઈસુએ તેને આજ્ઞા કરી, “આ અંગે કોઈને કહીશ નહિ, પણ સીધો યજ્ઞકાર પાસે જા અને તેની પાસે તારી તપાસ કરાવ; પછી તું શુદ્ધ થયો છે તે બધા આગળ સાબિત કરવા મોશેએ ઠરાવ્યા પ્રમાણેનું બલિદાન ચઢાવ.”
15ઈસુની કીર્તિ ખૂબ ફેલાઈ ગઈ, અને લોકોનાં ટોળેટોળાં તેમનું સાંભળવા અને રોગોમાંથી સાજા થવા આવ્યાં. 16પણ તે એક્ંતમાં ચાલ્યા જતા અને ત્યાં પ્રાર્થના કરતા.
લકવાવાળાને સાજાપણું
(માથ. 9:1-8; માર્ક. 2:1-12)
17એક દિવસે ઈસુ ઉપદેશ આપતા હતા ત્યારે ગાલીલ તથા યહૂદિયાના બધા નગરોમાંથી અને યરુશાલેમથી આવેલા કેટલાક ફરોશીઓ અને નિયમશાસ્ત્રના શિક્ષકો ત્યાં બેઠા હતા. માંદાઓને સાજા કરવા માટે ઈસુ પાસે પ્રભુનું પરાક્રમ હતું. 18કેટલાક માણસો લકવાવાળા એક માણસને પથારીમાં ઊંચકી લાવ્યા અને તેઓ તેને ઘરમાં લઈ જઈને ઈસુની આગળ મૂકવા પ્રયત્ન કરવા લાગ્યા. 19પણ ભીડને કારણે તેઓ તેને અંદર લઈ જઈ શક્યા નહિ. તેથી તેઓ તેને છાપરા પર લઈ ગયા, અને નળિયાં ઉકેલીને તેને લોકોની વચમાં ઈસુની આગળ પથારીમાં ઉતાર્યો. 20તેમનો વિશ્વાસ જોઈને, તેમણે તે માણસને કહ્યું, “ભાઈ, તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે.”
21નિયમશાસ્ત્રના શિક્ષકો અને ફરોશીઓ પોતાના મનમાં કહેવા લાગ્યા, “ઈશ્વરની વિરુદ્ધ બોલનાર આ માણસ કોણ? કોઈ માણસ પાપ માફ કરી શક્તો નથી; માત્ર ઈશ્વર જ તેમ કરી શકે છે.”
22ઈસુ તેમના વિચારો જાણી ગયા અને તેમણે તેમને કહ્યું, “તમે એવા વિચારો કેમ કરો છો? 23‘તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે,’ એમ કહેવું સહેલું છે કે, ‘ઊઠ, અને ચાલતો થા’ એમ કહેવું સહેલું છે? 24પણ માનવપુત્રને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે તે હું તમને સાબિત કરી આપીશ.” એટલા માટે લકવાવાળા માણસને તેમણે કહ્યું, “હું તને કહું છું: ઊઠ, તારી પથારી ઉપાડીને ઘેર જા!”
25તરત જ તે માણસ એ બધાની સમક્ષ ઊભો થયો, અને જે પથારી પર તે સૂતો હતો તે લઈને ઈશ્વરની સ્તુતિ કરતો પોતાને ઘેર ગયો. 26તેઓ બધા આશ્ર્વર્યમાં ગરક થઈ ગયા અને ભયભીત થઈને ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા, “આજે આપણે કેવી અજાયબ બાબતો જોઈ!”
લેવીને આમંત્રણ
(માથ. 9:9-13; માર્ક. 2:13-17)
27એ પછી ઈસુ બહાર ગયા અને લેવી નામના એક નાકાદારને જક્તનાકા પર બેઠેલો જોયો. 28ઈસુએ તેને કહ્યું, “મને અનુસર.” લેવી ઊભો થયો અને પોતાનું સર્વસ્વ મૂકી દઈને તેમની પાછળ ગયો.
29પછી લેવીએ પોતાના ઘરમાં ઈસુને માટે ભોજન સમારંભ યોજ્યો. તેમની સાથે ઘણા નાકાદારો તથા બીજા માણસો જમવા બેઠા હતા. 30કેટલાક ફરોશીઓએ અને તેમના જૂથના નિયમશાસ્ત્રના શિક્ષકોએ ઈસુના શિષ્યો આગળ ફરિયાદ કરતાં પૂછયું, “તમે નાકાદારો તથા સમાજમાંથી બહિષ્કૃત થયેલા સાથે કેમ ખાઓપીઓ છો?”
31ઈસુએ તેમને જવાબ આપ્યો, “જેઓ તંદુરસ્ત છે તેમને નહિ, પણ જેઓ બીમાર છે તેમને જ વૈદની જરૂર છે. 32હું સદાચારી ગણાતા લોકોને નહિ પણ પોતાના પાપથી પાછા ફરે તે માટે પાપીઓને બોલાવવા આવ્યો છું.”
ઉપવાસ વિષે પ્રશ્ર્ન
(માથ. 9:14-17; માર્ક. 2:18-22)
33કેટલાક લોકોએ ઈસુને કહ્યું, “યોહાનના શિષ્યો વારંવાર ઉપવાસ અને પ્રાર્થના કરે છે, અને ફરોશીઓના શિષ્યો પણ તેમ કરે છે, પણ તમારા શિષ્યો તો ખાય છે પીએ છે.”
34ઈસુએ જવાબ આપ્યો, “લગ્ન જમણમાં આવેલા મહેમાનોને વરરાજા તેમની સાથે હોય ત્યાં સુધી તમે ઉપવાસ કરાવી શકો ખરા? 35ના, કદી નહિ! પણ એવો સમય આવશે જ્યારે તેમની પાસેથી વરરાજા લઈ લેવાશે ત્યારે તેઓ ઉપવાસ કરશે.”
36ઈસુએ તેમને આ ઉદાહરણ પણ આપ્યું, “નવા વસ્ત્રમાંથી ટુકડો કાપીને કોઈ જૂના વસ્ત્રને થીંગડું મારતું નથી. એમ કરે તો તે જૂનું વસ્ત્ર ફાડશે જ, અને નવા વસ્ત્રનો જૂના વસ્ત્ર સાથે મેળ ખાશે નહિ. 37તે જ પ્રમાણે કોઈ નવો દારૂ વપરાયેલી મશકોમાં ભરતું નથી. જો એમ કરે તો નવો દારૂ મશક ફાડી નાખશે, દારૂ ઢળી જશે અને મશકો પણ નાશ પામશે. 38એને બદલે, નવો દારૂ તો વપરાયા વગરની મશકોમાં જ ભરવો જોઈએ. 39વળી, જૂનો દારૂ પીધા પછી કોઈ નવો માગતો નથી. તે કહેશે, ‘જૂનો જ સારો છે.”

தற்சமயம் தேர்ந்தெடுக்கப்பட்டது:

લૂક 5: GUJCL-BSI

சிறப்புக்கூறு

பகிர்

நகல்

None

உங்கள் எல்லா சாதனங்களிலும் உங்கள் சிறப்பம்சங்கள் சேமிக்கப்பட வேண்டுமா? பதிவு செய்யவும் அல்லது உள்நுழையவும்