લૂક 3

3
બાપ્તિસ્મા કરનાર યોહાનનો સંદેશ
(માથ. 3:1-12; માર્ક. 1:1-8; યોહા. 1:19-28)
1સમ્રાટ તિબેરિયસના શાસનનું પંદરમું વર્ષ ચાલતું હતું; તે વખતે પોંતિયસ પિલાત યહૂદિયાનો રાજ્યપાલ હતો, હેરોદ ગાલીલમાં રાજ કરતો હતો, અને તેનો ભાઈ ફિલિપ ઈતુરાઈ તથા ત્રાખોનીતીના પ્રદેશો પર અમલ ચલાવતો હતો; લુસાનિયસ આબિલેનેનો રાજા હતો, 2અને આન્‍નાસ તથા ક્યાફાસ પ્રમુખ યજ્ઞકારો હતા. ત્યારે ઝખાર્યાના પુત્ર યોહાન પાસે વેરાન પ્રદેશમાં ઈશ્વરનો સંદેશ આવ્યો. 3તેથી યોહાન યર્દન નદીના સમગ્ર વિસ્તારમાં ફર્યો અને ઉપદેશ કરતો ગયો, “તમારાં પાપથી પાછા ફરો અને બાપ્તિસ્મા પામો.” 4જેમ સંદેશવાહક યશાયાએ તેના પુસ્તકમાં લખેલું છે તેમ,
“વેરાન પ્રદેશમાં કોઈ પોકારી રહ્યું છે:
પ્રભુને માટે રાજમાર્ગ તૈયાર કરો;
તેમને જવાનો રસ્તો સરખો કરો!
5દરેક ખીણ પૂરી દેવાની છે,
અને ડુંગરાઓ તથા પર્વતોને
સપાટ કરવાના છે,
વાંક્ચૂંકા રસ્તાઓ સીધા
કરવાના છે, અને
ખરબચડા રસ્તા સપાટ કરવાના છે.
6સમસ્ત માનવજાત ઈશ્વરનો
ઉદ્ધાર જોશે.”
7યોહાનથી બાપ્તિસ્મા પામવા લોકોનાં ટોળેટોળાં તેની પાસે આવવા લાગ્યાં. તેણે તેમને કહ્યું, “ઓ સર્પોનાં સંતાન, આવી પડનાર ઈશ્વરના કોપથી નાસી છૂટાશે એવી ચેતવણી તમને કોણે આપી? 8તમે તમારા પાપથી પાછા ફર્યા છો એવું દર્શાવતાં કાર્યો કરો. તમારા મનમાં એમ ન કહેશો કે અબ્રાહામ અમારો પૂર્વજ છે: હું તમને કહું છું કે ઈશ્વર તો આ પથ્થરોમાંથી પણ અબ્રાહામનાં સંતાનો બનાવી શકે તેમ છે. 9વૃક્ષોને મૂળમાંથી જ કાપી નાખવાને કુહાડો તૈયાર છે. જેને સારાં ફળ નથી આવતાં એવા પ્રત્યેક વૃક્ષને કાપીને અગ્નિમાં નાખી દેવાશે.”
10લોકોએ તેને પૂછયું, “તો અમે શું કરીએ?” 11તેણે જવાબ આપ્યો, “જેની પાસે બે ખમીશ હોય તેણે જેની પાસે એક પણ ન હોય તેને એક ખમીશ આપવું, અને જેની પાસે ખોરાક હોય તેણે તે વહેંચવો.”
12કેટલાક નાકાદારો તેની પાસે બાપ્તિસ્મા પામવા આવ્યા, અને તેમણે તેને પૂછયું, 13“ગુરુજી, અમે શું કરીએ?” તેણે કહ્યું, “ક્યદેસરનું હોય તે કરતાં વધારે ઉઘરાવો નહિ.” 14કેટલાક સૈનિકોએ પણ તેને પૂછયું, “અમે શું કરીએ?”
તેણે તેમને કહ્યું, “કોઈની પાસેથી બળજબરીથી પૈસા પડાવો નહિ, અથવા કોઈને ખોટી રીતે દોષિત ઠરાવો નહિ. તમને મળતા પગારમાં જ સંતોષ માનો.”
15લોકોમાં આશા પેદા થઈ અને તેમને યોહાન વિષે ઉત્સુક્તા થઈ કે એ મસીહ હશે! 16તેથી યોહાને એ બધાને કહ્યું, “હું તમારું બાપ્તિસ્મા પાણી દ્વારા કરું છું, પણ મારા કરતાં જે મહાન છે તે આવનાર છે. હું તેમનાં ચંપલ ઉતારવા માટે પણ યોગ્ય નથી. તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્મા અને અગ્નિથી કરશે. 17અનાજ ઝૂડીને ઘઉં પોતાના ભંડારમાં ભરવાને ઊપણવાનું સૂપડું તેમની પાસે છે; પણ ભૂસાને તો તે કદી હોલવાઈ ન જનાર અગ્નિમાં બાળી નાખશે.”
18શુભસંદેશનો બોધ કરતાં યોહાન લોકોને જુદી જુદી રીતે ઉત્તેજન આપતો હતો. 19પણ યોહાન રાજ્યપાલ હેરોદની વિરુદ્ધ બોલતો, કારણ કે હેરોદે તેના ભાઈની પત્ની હેરોદિયાસ સાથે લગ્ન કર્યું હતું, અને બીજા ઘણાં ભૂંડા ક્મ કર્યાં હતાં. 20વળી, હેરોદે યોહાનને જેલમાં પુરાવીને સૌથી મોટું ભૂંડું ક્મ કર્યું.
ઈસુનું બાપ્તિસ્મા
(માથ. 3:13-17; માર્ક. 1:9-11)
21બધા લોકોનું બાપ્તિસ્મા કર્યા પછી ઈસુનું પણ બાપ્તિસ્મા કરવામાં આવ્યું. તે પ્રાર્થના કરતા હતા એવામાં આકાશ ખુલ્લું થયું. 22અને પવિત્ર આત્મા કબૂતરના રૂપમાં તેમના પર ઊતરી આવ્યો. વળી, આકાશવાણી સંભળાઈ, “તું મારો પ્રિય પુત્ર છે, તારા પર હું પ્રસન્‍ન છું.”
ઈસુની વંશાવળી
(માથ. 1:1-17)
23ઈસુએ પોતાનું સેવાકાર્ય શરૂ કર્યું ત્યારે તે આશરે ત્રીસ વર્ષની ઉંમરના હતા. લોકોની માન્યતા પ્રમાણે ઈસુ યોસેફના પુત્ર છે. ઈસુની વંશાવળી આ પ્રમાણે છે: ઈસુ, યોસેફ, હેલી, 24મથ્થાત, લેવી, મલ્ખી, યન્‍નય, યોસેફ, 25મત્તિયા, આમોસ, નાહૂમ, હસ્લી, નગ્ગયો, 26મહથ, મત્તિયા, શિમઈ, યોસેખ, યોદાહ, 27યોહાનાન, રેસા, ઝરુબ્બાબેલ, શઆલ્તીએલ, નેરી, 28મલ્ખી, અદી, કોસામ, અલ્માદામ, એર, 29યહોશુઆ, એલીએઝેર, યોરીમ, માથ્થાત, લેવી, 30શિમયોન, યહૂદા, યોસેફ, યોનમ, એલ્યાકીમ, 31મલેઆહ, મિન્‍ના, મત્તથાહ, નાથાન, દાવિદ, 32ઈશાય, ઓબેદ, બોઆઝ, શલેહ, નાહશોન, 33અમ્મીનાદાબ, અહ્મી, અરની, હેસ્રોન, પેરેસ, યહૂદા, 34યાકોબ, ઇસ્હાક, અબ્રાહામ, તેરાહ, નાહોર, 35સરૂગ, રેઉ, પેલેગ, એબેર, શેલાહ, 36કેનાન, અર્ફક્ષદ, શેમ, નૂહ, લામેખ, 37મથૂસેલાહ, હનોખ, યારેદ, માહલાએલ, કેનાન, 38અનોશ, શેથ, આદમ અને ઈશ્વર.

தற்சமயம் தேர்ந்தெடுக்கப்பட்டது:

લૂક 3: GUJCL-BSI

சிறப்புக்கூறு

பகிர்

நகல்

None

உங்கள் எல்லா சாதனங்களிலும் உங்கள் சிறப்பம்சங்கள் சேமிக்கப்பட வேண்டுமா? பதிவு செய்யவும் அல்லது உள்நுழையவும்